- AN-32 વિમાને 3 જૂને આસામના જોરહાટથી ઉડાન ભરી હતી, જેમાં ક્રુ મેમ્બર સહિત 13 યાત્રીઓ સવાર હતા
- રક્ષા મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, વિમાનનું બ્લેક બોક્સ ક્ષતિગ્રસ્ત થયું હતું
Face Of Nation:નવી દિલ્હીઃ AN-32 એરક્રાફ્ટના સર્ચ ઓપરેશનમાં જોડાયેલી વાયુસેનાની ટીમને ગુરુવારે દુર્ઘટનાસ્થળેથી 6 મૃતદેહો મળી આવ્યા છે. AN-32 વિમાને 3 જૂને આસામના જોરહાટ એરબેઝ પરથી ઉડાન ભરી હતી. જેમાં ક્રુ મેમ્બર સહિત 13 મુસાફરો સવાર હતા. હેલિકોપ્ટર MI-17એ મંગળવારે અરુણાચલ પ્રદેશમાં લિપો નજીક 12 હજાર ફુટની ઊંંચાઈ પરથી તેનો કાટમાળ જોયો હતો.
બ્લેક બોક્સ ક્ષતિગ્રસ્ત હાલતમાં મળ્યું હતુંઃ રક્ષા મંત્રાલયના પ્રવક્તા વિંગ કમાડર રત્નાકર શેટ્ટીએ જણાવ્યું કે, દુર્ઘટનાનું કારણ જાણી શકાયું નથી, કારણ કે એરક્રાફ્ટનું બ્લેક બોક્સ ક્ષતિગ્રસ્ત થઈ ચુક્યું છે. એરફોર્સની ટીમને બ્લેક બોક્સ 9 જૂને મળી આવ્યું હતું. અરુણાચલના મેનચુકા એરફીલ્ડ ઉપર AN-32 વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો. આ વિસ્તાર ચીનની સરહદ પાસે છે.
સેટેલાઈટ અને ટોહી વિમાનોથી પણ તપાસ કરવામાં આવી હતીઃ વિમાનની તપાસ નૌસેના ટોહી P-8I અને ઈસરો સેટેલાઈટના આધારે કરવામાં આવી હતી. ગાઢ જંગલ હોવાના કારણે P-8I વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વિમાન ઈલેક્ટ્રો ઓપ્ટિકલ અને ઈન્ફ્રારેડ સેન્સર્સથી સજ્જ છે. જેમાં ઘણા શક્તિશાળી સિંથેટિક અપર્ચર રડાર લાગેલા હતા.
2016માં પણ ગુમ થયું હતું વિમાનઃ 3 વર્ષ પહેલા 22 જુલાઈ 2016ના રોજ ભારતીય વાયુસેનાનું એરક્રાફ્ટ AN-32 ગુમ થઈ ગયું હતું. જેમાં 29 લોકો સવાર હતા. એરક્રાફ્ટ ચેન્નાઈથી પોર્ટ-બ્લેયર તરફ જઈ રહ્યું હતું. બંગાળની ખાડી બાદ આ વિમાન સાથે સંપર્ક તૂટી ગયો હતો.