Home News આનંદીબેન પટેલના સંતાનો અમિત શાહના પુત્રની જેમ રાજકારણમાં આવશે જ નહીં છતાં...

આનંદીબેન પટેલના સંતાનો અમિત શાહના પુત્રની જેમ રાજકારણમાં આવશે જ નહીં છતાં ચૂંટણીમાં નામ ઉછળે છે

Face Of Nation 27-11-2022 : આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલ ક્યારેય રાજકારણમાં આવશે નહીં આ વાત નક્કી છે તેમ છતાં ગુજરાતમાં યોજાતી તમામ ચૂંટણીઓમાં અનાર પટેલનું નામ ટિકિટના દાવેદારોમાં ઉછાળવામાં આવે છે. અનાર પટેલ પણ ક્યારેક તો આવા સમાચારો સાંભળીને પોતાની જાતને સવાલ કરે છે અને હસી પડે છે કે શું ખરેખર મેં કોઈ સીટ માટે ટિકિટ માંગી છે ? હકીકત કડવી પણ સાચી એવી છે કે, આનંદીબેનના સંતાનોને અમિત શાહના સંતાનની જેમ રાજકીય સહયોગની જરૂર જ નથી. અમિત શાહ સહીત અનેક રાજકીય નેતાઓના સંતાનો જેમ તૈયાર ગાદીએ બેસે છે અને ચૂંટણીમાં ટિકિટોની માંગણી કરે છે તેવા નેતાઓના સંતાનોથી અલગ જ છે આનંદીબેન પટેલનો પરિવાર. પટેલના પરિવારમાંથી કોઈને રાજકારણમાં જવાનો રસ નથી. કદાચ, આનંદીબેન પહેલા અને છેલ્લા હશે કે જેઓ રાજકારણમાં પ્રવેશ્યા. આનું મુખ્ય કારણ એ પણ છે કે જે રીતે રાજકીય ગેમ પ્લાન થઇ રહ્યા છે અને એક બીજા ઉપર કાદવ ઉછળી રહ્યા છે તે જોતા આનંદિબેન આ કાદવથી તેમના સંતાનોને દૂર રાખવા જ ઈચ્છી રહ્યા છે. જો કે અનાર પટેલે ક્યારેય રાજકારણમાં રસ દાખવ્યો નથી. માતાની ઈચ્છા અનુસાર જે તે કાર્યક્રમમાં હાજરી આપી છે અથવા તો સાથ આપ્યો છે બાકી ક્યારેય અનારે ચૂંટણી લડવાની ઈચ્છા માતા આનંદીબેન પટેલ સમક્ષ પણ દર્શાવી નથી. લોકો ભલે ગમે તે માનતા હોય પણ આનંદીબેન પટેલ આજે પણ નરેન્દ્ર મોદીના વિશ્વાસુ મનાય છે. દીકરી અનાર માટે ચૂંટણી લડાવવી આનંદીબેન માટે કોઈ મોટી વાત છે જ નહીં તેમ છતાં દરેક ચૂંટણીમાં પહેલા ટિકિટના દાવેદારોમાં નામ ઉછાળવાનું અને ત્યારબાદ ટિકિટ ન આપી તેમ કહીને બદનામ કરવાનું એક ષડયંત્ર કેટલાક લોકો દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં ભાજપના જ આનંદીબેન વિરોધી જુથના લોકો સામેલ છે.
આનંદીબેન પટેલે જે રીતે તેમની કારકિર્દીની શરૂઆતથી જ સેવાકીય પ્રવૃત્તિમાં ધ્યાન કેન્દ્રિત કરીને પોતાની કારકિર્દી ઉજળી બનાવી તે જ રીતે તેમની દિકરી અનાર સતત ગરીબોની અને જરૂરિયાતમંદની સેવામાં પોતાનુ જીવન સમર્પિત કરી રહ્યાં છે. અનારને રાજકારણમાં પ્રવેશવાનો વિચાર માત્ર નથી. માતા આનંદીબેનની રાજકીય કારકિર્દી સમયે આવેલા અનેક ચઢાવ ઉતારના અનાર સાક્ષી બન્યા છે જેને લઈને કદાચ તેઓએ હંમેશા રાજકારણથી એક દુરી રાખી છે. અનાર પટેલનો પહેલેથી જ એક માત્ર ધ્યેય હતો કે ગરીબ સ્ત્રીઓને રોજગારી આપવી, રસ્તે રખડતા બાળકોને શિક્ષણ આપવું જેનાથી તેમના પરિવારનું ભવિષ્ય સુધારી શકાય, અને જુદા જુદા કારીગરોને યોગ્યતા અનુસાર ભથ્થા પ્રાપ્ત કરાવવા. આ ધ્યેય ને પ્રાપ્ત કરવા માટે આજે તેઓ રાત-દિવસ એક કરી અને કાર્ય કરી રહ્યા છે, તે માટે તેમણે ત્રણ એનજીઓ શરુ કરી છે. આ એનજીઓ એટલે માનવસાધના, ગ્રામશ્રી અને ક્રાફ્ટરૂટ્સ. ગામશ્રી ની અંદર સ્ત્રીઓને એમ્બ્રોડરી,પેચવર્ક અને ભરત ગુંથણની તાલીમ આપવામાં આવે છે, જેનાથી તેઓ સ્વ-રોજગારી પ્રાપ્ત્ત કરી શકે. આ ઉપરાંત સ્ત્રી પોતાનો આત્મવિશ્વાસ વધારી શકે તે માટે આરોગ્ય,શિક્ષણ અને નાણાંની યોગ્ય વ્યવસ્થા કેવી રીતે કરી શકાય તેના વર્કશોપ પણ આયોજિત કરે છે.
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે આનંદીબેને શપથ લીધા તે જ સમયથી તેમના વિરોધીઓના પેટમાં તેલ રેડાયું હતું અને યેન કેન પ્રકારે આનંદીબેન સરકારને ધ્વસ્ત કરી દેવાના કાવાદાવાઓ કરવાની શરૂઆત પણ થઈ ગઈ હતી. આ એક નગ્ન સત્ય છે કે, આનંદીબેનની સરકારને પાડવા માટે જ તેમના જ પક્ષના લોકો કામ કરી રહ્યા હતા. આ વાત આનંદીબેન પટેલ પણ બખૂબી જાણતા હતા. જો કે આનંદીબેન વિરોધી લોબી કેમ કરીને આંનદીબેન સરકારને નુકસાન પહોંચાડાય તેવા સતત પ્રયાસોમાં લાગેલી હતી અને તેથી જ તેઓએ આનંદીબેનની દીકરી અનારને પણ ટાર્ગેટ કરી, એટલેથી નહીં અટકેલા વિરોધીઓએ આનંદીબેનના સમગ્ર પરિવારને ટાર્ગેટ કર્યો અને કૌભાંડો કર્યાના સમાચારો રજૂ કરાવવામાં આવ્યા. પરિણામે આનંદીબેન અને તેમના પરિવારની ઘણી બદનામી થઈ. આ વાત ખુબ જ શરમજનક હતી કે, આનંદીબેનના વિરોધીઓ ખોટી રીતે તેમની દીકરી અનારને ટાર્ગેટ કરીને બદનામીના માંચડે ચઢાવી રહ્યા હતા. આ વાત ખુબ જ નિમ્નકક્ષાના રાજકારણની ચાડી ખાઈ રહી હતી. આનંદીબેન સાથે થયેલા ગંદા રાજકારણના અનાર પટેલ સાક્ષી રહ્યા છે અને તેથી જ અનારને ક્યારેય રાજકારણમાં રસ રહ્યો નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો.  ફેસબુક (Facebook)માં  faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરી સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટર(Twitter) માં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

કથામાં ભાજપનો પ્રચાર કરવા લાગ્યા કહેવાતા સાધુ, સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારીની ભાજપ ભક્તિ !