અમદાવાદના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડવાનો શરૂ થયો છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ સવારથી ઝરમર વરસાદ પડી રહ્યો છે.
Face Of Nation:આજે અષાઢી બીજ છે અને ભગવાન જગન્નાથ અમદાવાદમાં નગર ચર્ચાએ નીકળ્યા છે. તો ભગવાનના રથને વધાવવા મેઘરાજાએ પણ અમીછાંટણાં કર્યા છે. સરસપુરમાં મેઘરાજાએ અમીછાંટણાં કરતા ભક્તોમાં આનંદ છવાયો હતો. આ સાથે અમદાવાદના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડવાનો શરૂ થયો છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ સવારથી ઝરમર વરસાદ પડી રહ્યો છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદ પડવાનો શરૂ થયો છે.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદના રથયાત્રાના રૂટમાં કેટલીક જગ્યાએ અમીછાંટણા થયા હતા. તો પશ્વિમ અમદાવાદના એસજી હાઇવે, વેજલપુર, સોલા સહિતના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો. સાથે સાથે મધ્ય ગુજરાતમાં પંચમહાલના હાલોલમાં ચાર કલાકમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. જાંબુઘોડામાં સવા બે ઇંચ વરસાદ, ગોધરામાં સવા ઇંચ વરસાદ, ઘોઘબમાં પોણા બે ઇંચ વરસાદ, પંચમહાલ શહેરમાં 13 મીમી વરસાદ, કાલોલમાં 11મીમી વરસાદ, મોરવામાં 11મીમી વરસાદ પડ્યો છે.
હાલોલ પથકમાં મેઘરાજાએ વહેલી સવારથી ધમાકેદાર એન્ટ્રી કરતા યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર ઉપર જવાના પગથિયાં ઉપર પાણી વહેતા થયા હતા. હાલોલની કંજરી રોડ ઉપર આવેલી લકુલીશ સોસાયટી રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા.
સુરત જિલ્લાના વરસાદની વાત કરીએ તો સવારથી 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી નોંધાયેલા વરસાદ પ્રમાણે બારડોલીમાં 15 મીમી, પલસાણામાં 5 મીમી, ઉમરપાડામાં 6 મીમી, સુરત શહેરમાં 9 મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં બનસાકાંઠા જિલ્લામાં 24 કલાક દરમિયાન સારો વરસાદ પડ્યો છે.
મળતી માહિતી પ્રમાણે અમીરગઢમાં 45 મીમી, દાંતામાં 14 મીમી, દાંતીવાડામાં 22 મીમી, ધાનેરામાં 74 મીમી, દિયોદરમાં 13 મીમી, ડીસામાં 60 મીમી, કાંકરેજમાં 09 મીમી, પાલનપુરમાં 28 મીમી, વાવમાં 02 મીમી, લાખણીમાં 46 મીમી અને વડગામમાં 05 મીમી વરસાદ નોંધાયો હતો.