Home Uncategorized અમદાવાદના રહેણાંક વિસ્તાર ગંદકીથી ખદબદ, છતાં પણ AMC તંત્ર ઘોર નિંદ્રામાં…-...

અમદાવાદના રહેણાંક વિસ્તાર ગંદકીથી ખદબદ, છતાં પણ AMC તંત્ર ઘોર નિંદ્રામાં…- અર્જુન મોઢવાડિયા

Face Of Nation, 05-08-2021: અમદાવાદમાં સ્માર્ટ સીટીના નામે બણગા ફૂંકવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ અનેક વિસ્તારમાં ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જમાલપુર વિસ્તારમાં કચરાના ઢગનો એક વીડિયો શેર કર્યો છે જેમાં રહેણાંક વિસ્તાર અસહ્ય ગંદકીથી ખદબદી રહ્યો છે. હજારો લોકોની અવર જવર હોવા છતા કચરો ઠેર ઠેર જોવા મળી રહ્યો છે, જો સમયસર સાફ સફાઇ કરવામાં ના આવી તો અનેક બીમારી નોતરી શકે છે.

અર્જૂન મોઢવાડિયાએ ટ્વીટર પર એક વીડિયો શેર કરતા લખ્યુ,અમદાવાદનું જમાલપુર છે. હજારો લોકોની અવરજવરથી સતત ધમધમતા જમાલપુર ચાર રસ્તા અને રહેણાંક વિસ્તાર અસહ્ય ગંદકીથી ખદબદી રહ્યો છે. નાક પણ ખોલી ના શકાય તેવી અસહ્ય ગંદકીની દુર્ગંધ લોકોને પારવાર મુશ્કેલીમાં નાખી રહી છે. મચ્છરોનો ઉપદ્રવ સાતમાં આસમાને છે. આ વિસ્તારમાં હજારો લોકો વસવાટ કરે છે, જેઓ ગંદકીના કારણે સતત કોલેરા, મેલેરીયા જેવા રોગોના ભોગ બને છે. છતાં અમદાવાદ મહાનગર પાલીકાના પેટનું પાણી પણ હાલતું નથી. અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્રશ્ન કર્યો હતો કે શું અમદાવાદ મહાનગર પાલીકા કોલેરા કે મલેરીયાનો રાફડો ફાટે તેની પ્રતિક્ષા કરી રહ્યું છે? કે પછી શહેરમાં રોગચાળો ફાટે એ માટે કોઈ યોજના(ષડયંત્ર) અમલમાં મુકી છે?

અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સ્માર્ટ સિટી, સ્વચ્છતા રેન્કિંગ શહેર નંબર-૧ જેવા રુપકડા સ્લોગનો બનાવી તેની જાહેરાતો પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરાય છે. ઉપરાંત શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે છેલ્લા દસ વર્ષથી મ્યુનિ. દ્વારા જુદી જુદી યોજનાઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે છતાં કોન્ટ્રાક્ટરોની લાલિયાવાડી તથા મ્યુનિ. અધિકારીઓની આંખ આડા કાન કરવાની વૃત્તિના કારણે શહેરમાં ગંદકીના ઢગલા ખડકાય છે,

તેમણે વધુમાં જણાવ્યું હતું કે AMC દ્વારા વર્ષ 2005થી 2010 જુલાઇ સુધી દરેક ઘરેથી પેન્ડલ રીક્ષા દ્વારા કચરો એકત્ર કરવાની યોજના અમલમાં મૂકવામાં આવી હતી અને તેના માટે ઘર દીઠ 10 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. શહેરમાં એક હજારથી વધુ રેસિડેન્ટ વેલ્ફેર એસો.ને 12 લાખથી વધુ મકાનોમાંથી કચરો એકત્ર કરવા માટે મહિને સવા કરોડથી વધુ રૂપિયા ચૂકવાતા હતા. આ સિસ્ટમમાં ભાજપના નેતાઓ દ્વારા સૌથી વધુ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો અને ભાજપના જ કોર્પોરેટરો તથા કાર્યકરોએ જ મંડળી નોંધાવી કોન્ટ્રાકટ લઇ લીધા હતા, પરંતુ નિયમ મુજબની પેન્ડલ રીક્ષા કે કામદાર રાખતા જ નહોતા જેના કારણે કરોડો રૂપિયા ખર્ચવા છતાં યોજના નિષ્ફળ નીવડી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)