Face Of Nation 21-07-2022 : ઉત્તરપ્રદેશના મુરાદાબાદના ઉદ્યોગપતિ ડૉ.અરવિંદ કુમાર ગોયલે તેમની તમામ સંપત્તિ ગરીબોને દાન કરી દીધી છે. દાન કરવામાં આવેલી આ સંપત્તિની કિંમત આશરે રૂપિયા 600 કરોડ જેટલી થાય છે. ગોયલે તેમની પાસે ફક્ત ઘર જ રાખ્યું છે. તેમણે 50 વર્ષની મહેનતથી આ સંપત્તિનું સર્જન કર્યું હતું.
દેશભરમાં ચાલે છે સેંકડો અનાથ આશ્રમ-શાળાઓ
ડૉ.ગોયલ બિઝનેસમેન હોવાની સાથે સમાજસેવાનાં કાર્યોમાં જોડાયેલા છે. ગોયલના સહયોગથી છેલ્લાં 20 વર્ષમાં દેશભરમાં સેંકડોની સંખ્યામાં વૃદ્ધાશ્રમ, અનાથ આશ્રમ અને ફ્રી હેલ્થ સેન્ટર ચલાવવામાં આવી રહ્યાં છે. આ સાથે તેમની મદદથી ચાલી રહેલી શાળાઓમાં ગરીબ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ પણ આપવામાં આવે છે. કોવિડ લોકડાઉનમાં પણ આશરે 50 ગામને તેમણે દત્તક લઈ લોકોને ફ્રીમાં ભોજન તથા દવાઓ ઉપલબ્ધ કરાવી હતી.
5 સભ્યની સમિતિ દેખરેખ રાખશે
ડૉ. ગોયલે રાજ્ય સરકાર સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી છે કે તેમની સંપત્તિનું વેચાણ કરી જે પણ નાણાં મળે એનાથી ગરીબોની મદદ કરવામાં આવે. આ સાથે પાંચ સભ્યની સમિતિની રચના કરવામાં આવે. એમાં ત્રણ સભ્ય તેઓ નક્કી કરશે. અન્ય બે સરકાર તરફથી નક્કી કરવામાં આવશે. આ સમિતિ સંપૂર્ણ સંપત્તિને યોગ્ય કિંમતથી વેચાણ કરી જે નાણાં આવશે એ અનાથ અને નિઃસહાય લોકોને ફ્રી શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધા પૂરી પાડશે.
આ દાન સીધું રાજ્ય સરકારને આપ્યું
ડૉ.અરવિંદ ગોયલે 50 વર્ષના સખત પરિશ્રમથી અહીં સંપત્તિનું સર્જન કર્યું છે. મુરાદાબાદ ઉપરાંત પ્રદેશના અન્ય ભાગો તથા રાજસ્થાનમાં પણ તેઓ શાળા-કોલેજ તથા એન્જિનિયરિંગ કોલેજ ધરાવે છે. મુરાદાબાદની સિવિલ લાઈન્સના તેમને રહેઠાણ સિવાય તેમણે બાકીની તમામ સંપત્તિ દાન કરવાની જાહેરાત કરી છે. તેમણે આ દાન સીધું રાજ્ય સરકારને આપ્યું છે, જેથી જરૂરિયાતમંદો સુધી મદદ પહોંચાડી શકાય.
તેમના નિવાસસ્થાન ખાતે ભીડ જામી
મુરાદાબાદના સિવિલ લાઈન્સમાં ડૉ.અરવિંદ કુમાર ગોયલનો બંગલો આવેલો છે. સોમવારે રાત્રે તેમણે પોતાની તમામ સંપત્તિ દાન કરવાની જાહેરાત કરી, એ સાથે જ સમગ્ર શહેરમાં તેમના નામની જ ચર્ચા થવા લાગી હતી. મંગળવારે સવારે તેમના બંગલા ખાતે લોકોની ભીડ એકત્રિત થઈ ગઈ હતી.
પત્ની અને બાળકોએ આ નિર્ણયને ટેકો આપ્યો
ડૉ.ગોયલના પરિવારમાં તેમની પત્ની રેણુ ગોયલ ઉપરાંત તેમનાં બે દીકરા અને એક દીકરી છે. તેમના મોટા દીકરા મધુર ગોયલ મુંબઈમાં રહે છે. નાનો દીકરો શુભમ પ્રકાશ ગોયલ મુરાદાબાદમાં રહી સમાજસેવા તથા બિઝનેસમાં પિતા સાથે છે. દીકરી લગ્ન બાદ બરેલીમાં રહે છે. તેમના દીકરા કે પરિવારના કોઈ સભ્યનો સંપર્ક થઈ શક્યો નથી. જોકે ત્રણેય બાળક તથા પત્નીએ ગોયલના નિર્ણયને આવકાર્યો છે.
ડૉ.અરવિંદે કહ્યું- જીવનનો કોઈ ભરોસો નથી
ડૉ.અરવિંદ ગોયલે કહ્યું, તેઓ ઈચ્છે કે તેમની તમામ સંપત્તિ ગરીબોની સેવામાં કામ આવે. જીવનનો કોઈ ભરોસો નથી. માટે જીવી રહ્યા છીએ ત્યારે જ મારી સંપત્તિને યોગ્ય હાથમાં સોંપી દીધી છે. એનાથી અનાથ, ગરીબ અને અસહાય લોકો માટે એ કામમાં આવી શકે.
ડૉ.ગોયલને 4 રાષ્ટ્રપતિ સન્માનિત કરી ચૂક્યા છે
ડૉં. અરવિંદ કુમાર ગોયલનાં સમાજસેવાને લગતાં કાર્યોને દેશ તથા દુનિયાના અનેક મંચ પરથી સન્માનિત કરવામાં આવ્યાં છે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા દેવી પાટીલ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.એપીજે અબ્દુલ કલામ સમાજસેવા માટે તેમને સન્માનિત કરી ચૂક્યાં છે. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ ડો.ગોયલનાં સેવા કાર્યો માટે તેમને સન્માનિત કરી ચૂક્યા છે.
હજારો ગરીબો મસીહા માને છે મસીહા
અરવિંદ ગોયલને ગરીબો તેમને મસીહા માને છે. અહીં વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં રહેતા સેંકડો નિસહાય અને અનાથ તેમને ભગવાન કહે છે. સ્થાનિક લોકો કહે છે કે અરવિંદ ગોયલની દિનચર્ચા છેલ્લાં 20 વર્ષમાં ક્યારેય બદલાઈ નથી.
સાદગીમય જીવન જીવે છે
ડૉ.ગોયલ મુરાદાબાદ ઉપરાંત ઉત્તરપ્રદેશના અગ્રણી ઉદ્યોગપતિઓમાં સ્થાન ધરાવે છે. પ્રદેશની સાથે દેશના અલગ-અલગ ભાગોમાં તેઓ શાળા-કોલેજ ધરાવે છે. મુરાદાબાદના ઉચ્ચ ઉદ્યોગપતિ હોવા છતાં તેઓ સાદગીમય જીવન જીવે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).