અમદાવાદમાં પણ કોમ્પલેક્ષોમાં સ્કૂલો ચાલી રહી હોવાનું બહાર આવ્યું છે.
Face Of Nation: મંગળવારે સુરતના ભટાર વિસ્તારમાં પ્લાસ્ટિકની બેગ બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી. આગની ઘટના બાદ માલુમ પડ્યું હતું કે કોમ્પલેક્ષના ઉપરના માળે સ્કૂલ ચાલી રહી છે. આગની ઘટના બાદ જ્ઞાનગંગા વિદ્યાલય નામની આ સ્કૂલના 250 જેટલા વિદ્યાર્થીઓની સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તપાસમાં માલુમ પડ્યું હતું કે અહીં ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા ન હતી. સુરતની ઘટના બાદ અમદાવાદની સ્કૂલોમાં પણ રિયાલિટી ચેક કરવામાં આવી હતી. તપાસ કરતા અમદાવાદમાં પણ કોમ્પલેક્ષોમાં સ્કૂલો ચાલી રહી હોવાનું બહાર આવ્યું છે.
સુરતની ઘટના બાદ અમદાવાદના ઘોડાસર વિસ્તાર, જીવરાજ વિસ્તારોમાં કોમ્પલેક્ષમાં સ્કૂલો ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. ધોડાસર ખાતે ઇમેજ નામની એક સ્કૂલ કોમ્પલેક્ષમાં ચાલી રહી છે.
ઘોડાસરની જેમ શહેરના જીવરાજ પાર્ક ખાતે નીલકંઠ નામની એક સ્કૂલ પણ કોમ્પલેક્ષમાં ચાલી રહી છે. આ સ્કૂલમાં બીજા અને ત્રીજા માળે જવા માટે એક જ સાંકડી સીડી હોવાનું માલુમ પડ્યું છે. એવા પણ સમાચાર પ્રાપ્ત થયા છે કે ગ્રામ્ય ડીઈઓ તરફથી આ સ્કૂલની માન્યતા રદ કરવા માટેની ભલાવણ કરવામાં આવી છે. જીવરાજની નીલકંઠ સ્કૂલમાં કેજીથી લઈને ધોરણ-10ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
સુરતમાં એક સ્કૂલની નીચે આવેલા કારખાનામાં આગની ઘટના બાદ અમદાવાદના સ્પેશિયલ બ્રાંચના અધિક પોલીસ કમિશનર ડો. પ્રેમવીર સિંઘે મંગળવારે શહેરના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈને પરિપત્ર મોકલીને સ્કૂલો અને ટ્યુશન ક્લાસીસના ઓનઓસીની તપાસ કરવાની સૂચના આપી છે.
સુરતના સરથાણામાં તક્ષશીલા આર્કેડમાં 22 બાળકોએ જીવ ગુમાવ્યા બાદ અમદવાદ પોલીસ કમિશનર એ.કે.સિંઘે શહેરના તમામ ટયુશન કલાસીસને બે મહિના માટે બંધ કરાવી દીધા હતા. સાથે જ ફાયર બ્રિગેડ અને પોલીસ પાસેથી એનઓસી લીધા પછી જ ટયુશન કલાસીસ ચાલુ કરવા સૂચના આપી હતી. જોકે, બાદમાં એવી વાત ધ્યાનમાં આવી હતી કે અમુક સ્કૂલો અને ક્લાસીસો એનઓસી વગર જ ચાલી થઈ ગયા છે. આથી પોલીસને ઓનઓસીની તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી છે.
અમદાવાદમાં 1500 સ્કૂલ/કોલેજોએ પોલીસ પાસેથી એનઓસી સર્ટિફિકેટ મેળવ્યું છે. જ્યારે 4400 અરજી સામે 3500 ટ્યુશન ક્લાસીસની અરજી મંજૂર કરીને તેમને ઓનઓસી આપવામાં આવ્યું છે.