Home Uncategorized ગુજરાત વિધાનસભામાં અશાંત ધારા બિલ પાસ,અશાંત ધારામાં સમાવિષ્ટ વિસ્તારના પાંચસો મીટર ફરતે...

ગુજરાત વિધાનસભામાં અશાંત ધારા બિલ પાસ,અશાંત ધારામાં સમાવિષ્ટ વિસ્તારના પાંચસો મીટર ફરતે મિલકતની તબદીલી પર કલેક્ટરની મંજૂરી જરૂરી

Face Of Nation:ગાંધીનગરઃ સોમવારે ગુજરાત વિધાનસભામાં અશાંત ધારા બિલને પાસ કરી દેવામાં આવ્યુ છે, અશાંત વિસ્તાર ધારો-1991માં સુધારો કરતું વિધેયક હતુ જેને સરળતાથી પાસ કરી દેવામાં આવ્યુ છે. આ વિધેયક લાગુ થતા અશાંત વિસ્તાર ધારા હેઠળ સમાવિષ્ટ કોઇપણ ભાગમાં કલેક્ટરની પૂર્વમંજૂરી વગર એક ધાર્મિક સમુદાય બીજા ધાર્મિક સમુદાયની વ્યક્તિને મિલકત ટ્રાન્સફર કરી શકશે નહીં.

હાલ અમદાવાદ, સુરત, વડોદરા, ભરૂચ, ગોધરા, હિંમતનગર અને કપડવંજના ચોક્કસ વિસ્તારોમાં આ કાયદો અમલી છે. નવા વિધેયક મુજબ અશાંત વિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તારોની ફરતે પાંચસો મીટરના વિસ્તારોમાં પણ આ જોગવાઇ લાગુ રહેશે.

હાલ લગભગ અડધું અમદાવાદ આ કાયદા હેઠળ છે. અમદાવાદ તથા અન્ય શહેરોના નવા વિસ્તારો પણ અશાંત ધારા હેઠળ આવરી લેવાય એવી શક્યતા છે.

અશાંત ધારા વિધેયક ગૃહમાં રજૂ કરતી વખતે હાલ મહેસૂલ વિભાગનો કામચલાઉ હવાલો સંભાળતા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે મૂળભૂત રીતે રાજ્યમાં પ્રવર્તમાન ગુજરાત અશાંત વિસ્તાર ધારો-1991ની જોગવાઇઓમાં કેટલીક નબળાઇ અથવા ઉણપને કારણે આ કાયદા હેઠળ સમાવિષ્ટ વિસ્તારોમાં મિલકતોની તબદીલી થઇ જતી હતી, જેને કારણે કેટલાંક અસામાજિક તત્વો અથવા આવાં ઇસમો ધાક-ધમકીથી લોકોને પોતાની મિલકત કલેક્ટરની મંજૂરી વિના વેચવા ભય કે દબાણ ઊભું કરતાં હતાં.

હવેથી જો કલેક્ટરે મિલકત ધારક અને ખરીદનાર વચ્ચે થયેલી મુક્ત સંમતિ અને યોગ્ય કીમતના સોદાની તપાસની ચકાસણી ઉપરાંત જોવાનું રહેશે કે આ મિલકતની તબદીલીથી કોઇ એક સમુદાયની વ્યક્તિઓનું ધ્રુવીકરણ થતું નથી, એક વિસ્તારમાં રહેતાં જુદા-જુદા સમુદાયો વચ્ચેનું જનસંખ્યાવિષયક સંતુલન ખોરવાતું નથી, અથવા એક સમુદાયના લોકોમાં અંધાધૂંધી ફેલાઇ રહી છે કે તેવી શક્યતા છે અને તેને કારણે તે વિસ્તારના જુદા-જુદા સમુદાયના લોકોમાં શાતિં અને સુમેળનો ભંગ થાય છે અથવા શક્યતા છે કે નહીં.

ચુડાસમા એ જણાવ્યું કે અગાઉના કાયદાની જોગવાઇમાં મિલકતની તબદીલીમાં વેચાણ, બક્ષીસ, વિનિમય, ભાડાપટ્ટે અથવા અન્ય કોઇપણ રીતેના માલિકીહક્કના ફેરફારના કરારો કે દસ્તાવેજની જોગવાઇઓ ન હતી. તેને બદલે વિધેયક દ્વારા મૂળભૂત કાયદામાં સુધારો લાવીને કોઇપણ પ્રકારે થતી તબદીલી જો કલેક્ટરની પૂર્વમંજૂરી વગર થઇ હશે તો તેને રદ્દ ગણવામાં આવશે. અશાંત વિસ્તાર ધારામાં સમાવિષ્ટ અને તેની ફરતેના પાંચસો મીટરના વિસ્તારમાં હવે મિલકતની તબદીલી કરવી હોય તો કલેક્ટરની મંજૂરી જરૂરી છે.

વિપક્ષના સભ્યોએ આ વિધેયકનો વિરોધ કરતાં જણાવ્યું કે ગુજરાત શાંત રાજ્ય હોવાનો દાવો થાય છે ત્યારે આવાં કાયદા નિરર્થક છે. લોકોને પોતાની મિલકતની લે-વેચના બંધારણીય અધિકારો ભોગવવા મળે તે સરકારે જોવું જોઇએ.

આ કાયદાનો ભંગ કરનારને ત્રણથી પાંચ વર્ષની જેલ તથા રુપિયા એક લાખ અથવા તબદીલ થયેલી મિલકતના જંત્રીના ભાવના દસમાં ભાગની રકમમાંથી જે વધુ હોય તે દંડપેટે ભોગવવાની રહેશે.