Home Uncategorized સત્તાધારીઓ શું કરી રહ્યા છે ? : હુમલો પાકિસ્તાની આતંકીઓએ કર્યો અને...

સત્તાધારીઓ શું કરી રહ્યા છે ? : હુમલો પાકિસ્તાની આતંકીઓએ કર્યો અને તવાઈ બાંગ્લાદેશીઓ ઉપર !

Face Of Nation 27-04-2025 : ભાજપ સરકાર અને ભાજપના નેતાઓ પ્રજાને મૂર્ખ બનાવવામાં માહેર છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. કોઈ પણ મુદ્દાને પોતાની પ્રસિદ્ધિ માટે કેવી રીતે ઉપયોગ કરવો તેમાં ભાજપીઓને એવોર્ડ મળવો જોઈએ. તાજેતરમાં પહેલગાંવમાં આતંકીઓએ હિન્દૂ ઉપર હુમલો કર્યો અને 30થી વધુ લોકોને મારી નાખ્યા. આ હુમલો પાકિસ્તાનના આતંકી સંગઠનોએ કર્યો છે. જો કે ગુજરાત ભાજપના નેતાઓએ બાંગ્લાદેશીઓ ઉપર તવાઈ લાવીને તેઓને પકડીને તેમના દેશ પરત મોકલવાનું શરૂ કર્યું છે. સત્તાધારીઓની આ કામગીરીથી આશ્વર્ય થાય છે કે હુમલો પાકિસ્તાને કર્યો છે અને તવાઈ બાંગ્લાદેશીઓ ઉપર લાવીને ભાજપના નેતાઓ અને પોલીસ અધિકારીઓ શું સાબિત કરવા માંગે છે ? એમ કે અમે પાકિસ્તાનીઓ નહિ મળે તો રાજ્યમાં રહેલા અન્ય દેશના લોકોને તગેડી મુકીશું અને પ્રજામાં એવો સંદેશો આપીશું કે સત્તા હરકતમાં આવી ગઈ છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જાણે કે સમગ્ર રાજ્યની પોલીસને હવે બાંગ્લાદેશીઓને શોધવામાં લગાડી દીધી છે. ખરેખર આ કાર્યવાહી ગૃહમંત્રી અને પોલીસ ઉપર હાંસીને પાત્ર બની રહી છે તો બીજી બાજુ મીડિયા પણ આ કાર્યવાહીને જબરદસ્ત કવરેજ આપીને જાણે કે, ભાજપે પાકિસ્તાન ઉપર ચઢાઈ કરી હોય તેવું ચિત્ર ઉભું કરી રહ્યું છે.
પાકિસ્તાનના આતંકી સંગઠનોનો વિશ્વભરમાં હાહાકાર છે. આ સંગઠનોના આતંકીઓએ ભારતમાં આવીને અનેક હુમલાઓને અંજામ આપ્યો છે. તાજેતરમાં જ ચારથી વધુ આતંકીઓએ પહેલગાંવમાં પ્રવાસીઓ ઉપર ધર્મ પૂછી પૂછીને ગોળીઓ ચલાવી હતી. આ ઘટનાને લઈને સમગ્ર વિશ્વના લોકો ચોંકી ઉઠ્યા છે. ભારતના દરેક લોકોને આશા છે કે, મોદી હવે પાકિસ્તાન સાથે બદલો લેશે અને કડક કાર્યવાહી કરશે પણ હજુ સુધી એવી કોઈ નક્કર કાર્યવાહી દેખાઈ રહી નથી. ભાજપના નેતાઓએ સિંધુ જળ રોકવાની જાહેરાત કરી છે તો બીજી બાજુ શંકરાચાર્યે સિંધુનું પાણી રોકવામાં આવે તેવી કોઈ ભારત પાસે વ્યવસ્થા જ ન હોવાનો આક્ષેપ કર્યો છે. ભાજપ હાલ જુદી જુદી બાબતો જાહેર કરીને પાકિસ્તાન સામે કાર્યવાહી કરી રહ્યા હોવાનો દેખાવ કરી રહી છે પણ હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી થઇ નથી. બીજી બાજુ ગુજરાત રાજ્યમાં ભાજપના નેતાઓએ અને પોલીસે ભેગા મળીને બાંગ્લાદેશીઓ ઉપર તવાઈ લાવવાનું શરૂ કર્યું છે. અહીં લોકોના મનમાં એ પ્રશ્ન મુંઝવી રહ્યો છે કે, હુમલો પાકિસ્તાનના આતંકી સંગઠનોએ કર્યો છે તો પછી તવાઈ બાંગ્લાદેશીઓ ઉપર લાવીને સરકાર શું સાબિત કરવા માંગે છે ?
દેશભરમાં આતંકવાદી હુમલાને લઈ લોકોમાં ભારે રોષ છે. સરકાર આ બાબતે બાંગ્લાદેશીઓ ઉપર તવાઈ લાવીને કામગીરી કરી રહી હોવાનું ચિત્ર ઉભું કરી રહી છે. સુરત પોલીસે 100થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે. સુરત પોલીસ કમિશનરની કામગીરી પહેલેથી જ જાણે કે ભાજપના નેતા તરીકેની હોય તેવી રહી છે. ગમે તે ઘડીમાં સરકારના વ્હાલા કેવી રીતે દેખાવવું તે દિશામાં જ કામગીરી કરવા તેમનું મગજ કાર્યરત હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં જ સુરત પોલીસ કમિશનરના આદેશથી ગેરકાયદે રીતે બોર્ડર ક્રોસ કરીને ઘૂસણખોરી કરતા બાંગ્લાદેશીઓ ઉપર તવાઈ લાવવામાં આવી છે. પોલીસે અલગ-અલગ પોલીસ સ્ટેશનની હદમાંથી બાંગ્લાદેશીઓને ડિટેઈન કર્યા છે. સુરત ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો વિસ્તાર છે અને સુરતથી શરૂ કરવામાં આવેલી કામગીરીના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા હોય તેમ સમગ્ર રાજ્યની પોલીસ હવે બાંગ્લાદેશીઓને શોધવામાં લાગી ગઈ છે.
રાજ્યમાં ગેરકાયદે રહેનાર વિરુદ્ધ કાર્યવાહી થવી જ જોઈએ પણ બાંગ્લાદેશીઓ ઉપર તવાઈ લાવીને અત્યારે સત્તાધારીઓ શું સાબિત કરવા માંગે છે તે પણ જાહેર કરવું જોઈએ. શું બાંગ્લાદેશીઓનું પાકિસ્તાની કનેક્શન છે ? શું બાંગ્લાદેશીઓ આતંકી હુમલા સાથે જોડાયેલા છે ? આવા અનેક પ્રશ્નો છે જે બાંગ્લાદેશીઓ ઉપર થઇ રહેલો કાર્યવાહીથી ઉઠી રહ્યા છે. બાંગ્લાદેશી ઘુસણખોરીનો મુદ્દો નવો નથી. સમયાંતરે ક્રાઇમબ્રાન્ચ સહિતના પોલીસ અધિકારીઓ બાંગ્લાદેશીઓ ઉપર તવાઈ લાવે છે અને દેશમાંથી પરત હાંકી પણ કાઢે છે. સવાલ એ પણ ઉભો થાય છે કે, આટલી મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ સુરત સહીત ગુજરાતના અનેક રાજ્યોમાં ઘુસી ગયા ત્યાં સુધી પોલીસ શું મંજીરા વગાડતી હતી ? કે પછી સત્તા આગળ મુજરો કરવામાં વ્યસ્ત હતી ? હવે અચાનક આતંકી હુમલો થતાની સાથે જ બધા બાંગ્લાદેશીઓને પકડવામાં લાગી ગયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો).