Home News સત્તા સીતા સાથે સંવાદ કરતી રહી અને અન્ય રાજ્યોની કામગીરી વખાણવા લાયક...

સત્તા સીતા સાથે સંવાદ કરતી રહી અને અન્ય રાજ્યોની કામગીરી વખાણવા લાયક બની ગઈ

ફેસ ઓફ નેશન, 23-04-2020 : સતત વધી રહેલા કોરોનાના આંકડા જોતા ગુજરાત સરકારની કામગીરી કેવી રહી હશે તે સૌ કોઈ સમજી શકે છે. ગાંધીનગર બેઠી બેઠી સત્તા લોકો સાથે વિડીયો કોલથી વાતચીત કરવામાં વ્યસ્ત હતી. રામાયણની સીતા સાથે પણ વાત કરી પરંતુ જેની જરૂરિયાત હતી એ કોરોનાને અટકાવવા માટેની કોઈ નક્કર કાર્યવાહી ન થઇ શકી. પરિણામે અન્ય રાજ્યો કેન્દ્રના આરોગ્ય મંત્રાલયની વાહવાહીના હક્કદાર બની ગયા.
ભારતના આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પાડોશના રાજસ્થાન સહિત પંજાબ, બિહાર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક જેવા ૨૩ રાજ્યોની સરકારની કામગીરીને વખાણી છે, અભિનંદન આપ્યા છે. જો કે, તેમાં ગુજરાતનો સમાવેશ થતો નથી ! કારણ કે, ગુજરાતમાં ૧૪ દિવસોમાં જિલ્લો ચેપમુક્ત રાખવો તો દૂર કર્યો જે પહેલાથી ચેપમુક્ત હતા તેવા આઠ નવા જિલ્લાઓમાં કોરોના વાઇરસ ઘૂસ્યો છે. આ વાસ્તવિક સ્થિતિ જ સ્વયં સ્પષ્ટ કરે છે કે રૂ.૪૦૦થી વધુ કરોડના સર્વેલન્સ પછી પણ ગુજરાતમાં લોકડાઉનના ધજાગરા ઉડી રહ્યા છે.
પહેલા તબક્કાના લોકડાઉનના આરંભે ગુજરાત સરકારમાં ચૂંટાયેલા પદાધિકારીઓની પાંખ વીડિયો કોન્ફરન્સ અને વીડિયો કોલિંગથી એકબીજાના ખબર અંતર પૂછવામાં મગ્ન હતા ત્યારે વિદેશ અને આંતરારાજ્ય પ્રવાસની હિસ્ટ્રી ધરાવતા નાગરિકોમાં ૧૪ દિવસનો ઇન્ક્યુબેશનનો પિરિયડ પૂર્ણતાને આરે હતો.
એ વખતે અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર જેવા મોટા મહાનગરો સહિત માત્ર ૧૭ જિલ્લાઓમાં જ કોવિડ-૧૯ના સામાન્ય પોઝિટિવ કેસોનું રિપોર્ટિંગ થયું હતું. ૮મી એપ્રિલ પહેલા અને ત્યાર પછી પણ લોકડાઉનનો ચુસ્ત અમલ થયો હોત તો લોકલ ટ્રાન્સમિશનને કારણે કોરોનાનો વાઇરસ વડોદરાથી આણંદમાં, ભાવનગરથી ઘોઘામાં, રાજકોટથી સુત્રાપાડામાં, અમદાવાદથી અરવલ્લીના સાંઠબામાં ચેપ પ્રસર્યો ન હોત.
લોકોને વિડીયો કોલ કરીને ખબર પૂછનારી સરકારે જો ખરા અર્થમાં ગ્રાઉન્ડનું કામ કર્યું હોત તો આજે ગુજરાત દેશમાં બીજા ક્રમાંકે પહોંચી ગયું ન હોત. અધિકારીઓ અને સત્તાની કામગીરી આજે સમગ્ર દેશ જોઈ રહ્યો છે. હજુ સુધી એવી અસરકારક કામગીરી દેખાઈ નથી કે જેનાથી કોઈ જિલ્લો કે શહેર સંપૂર્ણ ચેપ મુક્ત બની શક્યું હોય. જો કે વાહવાહી અને સારા કામો તો સરકારના અધિકારીઓ અને સરકાર ગમે તે રીતે રજૂ કરી જ દેશે. પરંતુ એક મીડિયાની ભૂમિકા તરીકે સરકારની જાહેરાતો પાછળની હકીકત શું છે તે બતાવવાનું કાર્ય અમે કરીએ છીએ અને કરીશું. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં જોડાવવા માટે ક્લિક કરો : faceofnation.news )

કોરોનાની સારવારમાં ખાનગી હોસ્પિટલને બખ્ખા : પ્રસંગની જેમ લાખ્ખોમાં પેકેજ !

જવાબદાર કોણ ? : દેશમાં ગુજરાત કોરોનાના દર્દીઓની રિકવરીમાં સૌથી પાછળ અને મૃત્યુઆંકમાં આગળ