Home Uncategorized દિવાળી માટે નહીં ચૂંટણી માટે “દંડ મુક્ત ગુજરાત” : ગૃહમંત્રીની જાહેરાતથી પ્રસ્થાપિત...

દિવાળી માટે નહીં ચૂંટણી માટે “દંડ મુક્ત ગુજરાત” : ગૃહમંત્રીની જાહેરાતથી પ્રસ્થાપિત થયું કે કાયદો નહીં સત્તા સર્વોપરી છે !

Face Of Nation 23-10-2022 : દિવાળીનો તહેવાર દર વર્ષે ઉજવાય છે પરંતુ ક્યારેય દંડમાંથી રાહત આપતી કે દંડ ન ઉઘરાવવાની જાહેરાત કરવામાં આવતી નથી. જો કે આ વર્ષે ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે મતદારો આગળ “વિકાસશીલ” અને “પ્રજાશીલ” સત્તાનો દેખાવડો કરીને પ્રભાવ પાડવા અવનવા ગતકડાંઓ કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે લોકશાહીમાં કાયદો અને ન્યાયાલય સર્વસત્તાધીશ હોય છે પરંતુ ભાજપના રાજમાં હવે આ બધામાં બદલાવ થઇ ગયો છે જે અનેક ઘટનાઓથી સાબિત થાય છે.
કાયદાથી ઉપર સત્તા ક્યારેય નથી પરંતુ ભાજપના રાજમાં આ પરિભાષાનો છેદ ઉડી ગયો છે અને કાયદા કરતા સત્તા સર્વોપરી થઇ ગઈ છે. કાયદામાં બદલાવ કે કાયદાને થોડા સમય માટે બંધ કરવાની સત્તા સરકાર પાસે હોતી નથી. ગૃહમંત્રીની જાહેરાતથી તો જાણે એવું થયું કે, સત્તા સ્થાને બેઠેલા મંત્રીઓને ઈચ્છા થશે તો, આવતીકાલે કલમ 302માંથી પણ મહિના માટે મુક્તિ આપી દેવામાં આવશે અને જાહેરાત થશે કે કોઈ પણ પોલીસ કર્મચારીઓએ 302ની કલમ કોઈ નાગરિક ઉપર એક મહિના સુધી લગાવવી નહીં. આતો એક હાસ્યાસ્પદ બાબત છે પરંતુ હાલમાં ગૃહમંત્રીએ દિવાળીના નામે ચૂંટણીનો લાભ ઉઠાવી રહ્યા છે. ગૃહમંત્રીની જાહેરાત બાદ ટ્રાફિકના કાયદાઓ તોડનારા બેફામ બની જશે અને મુક્ત બનીને બેફામ વાહન ચલાવતા થઇ જશે. ચૂંટણી ટાઈમે થતા આવા તાયફાઓ ફક્ત ભારતમાં જ શક્ય છે અને ભારતની પ્રજા જ આવા નિર્ણયોને આવકારે છે. જો વિદેશમાં કોઈ નેતા આવી હિંમત કરે કે પ્રજાને ચૂંટણી ટાણે આવી કોઈ મુક્તિ આપે તો તે નેતાને જ પ્રજા ઘેર બેસાડી દે તેટલી પ્રજા જાગૃત છે.
ખેર ! હાલ તો ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરેલી જાહેરાતને કોઈએ કોર્ટમાં પડકારવાની હિંમત નથી કરી કેમ કે, લોકોને પણ પોતાની સુરક્ષામાં ચૂક થાય તેમાં જાણે કે આનંદ આવે છે અને સરકારને પણ વિકાસશીલ કહીને ઉન્માદ ચઢાવે છે. જો આવી જ કામગીરી કોંગ્રેસની સરકાર સત્તામાં હોત અને થઇ હોત તો ચોક્કસથી ભાજપીઓએ ઘેર ઘેર જઈને આ મુદ્દાને રસ્તે ઢસડીને સુરક્ષાના નામે ઢંઢેરો પિટી હોબાળો મચાવી દીધો હોત અને ગૃહમંત્રીએ તેમનો નિર્ણય રદ્દ કરવો પડ્યો હોત.
દિવાળીનો તહેવાર છે એટલે એનો મતલબ એમ પણ નથી કે સત્તા પ્રજાને કાયદામાંથી થોડો સમય મુક્તિ આપી દે. પ્રજાની સુરક્ષા માટે રચાયેલા કાયદામાં સત્તા મનફાવે તેમ બદલાવ કરતી થઇ જાય ત્યારે લોકશાહીનું પતન ચોક્કસ દેખાઈ આવે છે. દંડ એ કોઈ એક કાયદા હેઠળ ઉઘરાવવામાં આવે છે. દંડ એ કોઈ તહેવારનો ફંડ ફાળો નથી કે તહેવાર પૂરો અને ફંડ ફાળો બંધ. દંડ એ પ્રજાની સુરક્ષા માટે કોર્ટે નક્કી કરેલ કલમ હેઠળ ઉઘરાવવામાં આવતી સજાના ભાગરૂપેની રકમ છે. જેમાં બદલાવ કરવો કે થોડો સમય સ્થગિત કરવો યોગ્ય નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

Exclusive : BAPS મહોત્સવ અને ગુજરાતની ચૂંટણી બંને ડિસેમ્બરમાં યોજાશે !, તમામ તૈયારીઓ શરૂ