Home News અયોધ્યા આતંકી હુમલાના 14 વર્ષ પછી કોર્ટે આપ્યો ચુકાદો,4ને આજીવન કેદ,એક નિર્દોષ...

અયોધ્યા આતંકી હુમલાના 14 વર્ષ પછી કોર્ટે આપ્યો ચુકાદો,4ને આજીવન કેદ,એક નિર્દોષ જાહેર

આરોપીઓ પર હુમલાના ષડયંત્રનો આરોપ હતો, તેઓ જેલમાં જ બંધ હતા
અયોધ્યામાં 2005માં આતંકી હુમલો થયો હતો

Face Of Nation:નવી દિલ્હી: અયોધ્યાયમાં એક્વાયર્ડ પરિસરમાં 5 જુલાઈ 2005ના રોજ થયેલા આતંકી હુમલા વિશે 14 વર્ષ પછી મંગળવારે પ્રયાગરાજની સ્પેશિયલ કોર્ટમાં ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. કોર્ટે ચાર દોષિતોને આજીવન કેદની સજા આપી છે. જ્યારે એક આરોપી મોહમ્મદ અઝીઝને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. કોર્ટે ઈરફાન, મોહમ્મદ શકીલ, મોહમ્મદ નફીસ, આસિફ ઈકબાલ ઉર્ફે ફારુકને આજીવન કેદની સજા સંભળાવી છે. તેમના પર અઢી લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. નિર્ણયને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આરએસએફ અને પીએસીની વધારે ફોર્સ પણ તહેનાત કરવામાં આવી છે.

આ પહેલાં અલાહાબાદ હાઈકોર્ટના આદેશ પર 8 ડિસેમ્બર 2006ના રોજ આ કેસ ફૈઝાબાદથી પ્રયાગરાજ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો. પ્રયાગરાજ ડિસ્ટ્રિક્ટ કોર્ટના સ્પેશિયલ જજ અતુલ કુમાર ગુપ્તાએ બે વર્ષ પહેલાં માર્ચ મહિનામાં આ મામલે સુનાવણી પૂરી કર્યા પછી તેમનો નિર્ણય સુરક્ષીત રાખ્યો હતો. 14 વર્ષ પહેલાં થયેલા આ આતંકી હુમલામાં 2 લોકોના મોત થયા હતા. જ્યારે સાત લોકો ઘાયલ થયા હતા.

પાંચેય આતંકીઓ ઉપર આરોપો નક્કી છે
5 જુલાઈ 2005માં થયેલા આ હુમલામાં ધરપકડ કરવામાં આવેલા પાંચેય આતંકીઓ ડૉ. ઈરફાન, આસિફ ઈકબાલ ઉર્ફે ફારુક, શકીલ અહમદ, મોહમ્મદ અઝીઝ અને મોહમ્મદ નસીમ પર ફૈઝાબાદની કોર્ટમાં આઈપીસી કલમ 147, 148, 149, 307, 302, 353, 153, 153A, 153 B, 295, 120 B સાથે જ 7 ક્રિમિનલ લો અમેડમેન્ટ એક્ટ, એનલોફુલ અમેન્ડમેન્ટ એક્ટની કલમ 16, 18, 19, 20 વ પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટની કલમ પ્રમાણે આરોપ નક્કી કરવામાં આવ્યા હતા. 19 ઓક્ટોબર 2006ના રોજ તેમના પર આ આરોપ લગાવવામાં આવ્યા હતા.

જવાબી કાર્યવાહીમાં પાંચ આતંકીને ઠાર કરાયા હતા
5 જુલાઈ 2005ની સવારે અંદાજે સવા ન વાગે અયોધ્યામાં આવેલા રામજન્મભૂમિ પરિસરના બેરિકેડિંગ પાસે આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું. આતંકીઓએ અહીં બોમ્બથી બ્લાસ્ટ કર્યો હતો. હુમલામાં સેનાના ઘણાં જવાન ઘાયલ થયા હતા. જવાબી કાર્યવાહીમાં પાંચ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. હુમલામાં બે સામાન્ય નાગરિકના પણ મોત થયા હતા જ્યારે સાત અન્ય ઘાયલ થયા હતા.

છેલ્લા 14 વર્ષથી સુનાવણી અને ટ્રાયલ ચાલી રહી હતી. લાંબી સુનાવણી પછી જજે 18 જૂને નિર્ણય લેવાનું નક્કી કર્યું હતું. તપાસ દરમિયાન પોલીસે પાંચ લોકો સામે કાવતરુ ઘડવાનો અને આતંકીઓને મદદ કરવાનો આરોપ લગાવીને ધરપકડ કરી હતી. જે આતંકીઓએ હુમલો કર્યો હતો તે લોકોને ત્યારે જ ઠાર કરી દેવામાં આવ્યા હતા. 14 વર્ષની સુનાવણીમાં કુલ 63 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. ઘણી વખત વીડિયો કોન્ફરન્સ દ્વારા પણ સુનાવણી કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, 5 જુલાઈએ આ હુમલો ત્યારે થયો હતો જ્યારે રામજન્મ ભૂમિ-બાબરી મસ્જિદ કોમ્પલેક્સ ચોક્કસ સુરક્ષામાં હતા. પરંતુ લશકર-એ-તોઈબાના આતંકીઓએ તેને ટાર્ગેટ બનાવ્યું હતું. દરેક આતંકી નેપાળના રસ્તેથી ભારતમાં ઘૂસ્યા હતા. જોકે સુરક્ષા એજન્સીઓએ એક જ કલાકમાં આતંકીઓને ઠાર કરી દીધા હતા અને એક મોટા હુમલાને ટાળી દીધો હતો.