Face Of Nation 31-05-2023 : ગુજરાતીમાં કહેવત છે કે, લોભિયા હોય ત્યાં ધુતારા કદી ભૂખે ન મરે. શાસ્ત્રો અને સાધુઓએ હંમેશા આપણને એક એવું જ્ઞાન આપ્યું છે કે, ભગવાન કે ભગવાનની જેના ઉપર કૃપા દ્રષ્ટિ હોય તે ક્યારેય ઉગ્ર સ્વભાવના કે લોકોને હડધૂત કરનાર ન હોય. જો કે બાબા બાગેશ્વરની વાત તદ્દન જુદી જ છે. બાબા હંમેશા લોકોને હડધૂત અને અપમાનિત કરતા હોય છે. આસારામ પણ આ બાબાની માફક જ જાહેરમાં લોકોને અપમાનિત કરતા અને પોતાનો પ્રચાર કરવામાં કોઈ કસર બાકી રાખતા ન હતા. ખેર અત્યારે વાત કરવી છે બાબાના દરબારમાં લાગતી અરજીઓની. દેશમાં અનેક ઠેકાણે બાબાના દરબાર લાગ્યા છે અને હાલમાં ગુજરાતમાં પણ લાગી રહ્યા છે પરંતુ આશ્ચર્યજનક અને નોંધનીય બાબત એ છે કે, બાબાના દરબારમાં આવતા કલાકારો કે નેતાઓમાંથી કોઈની પણ અરજી ખુલતી કે લાગતી નથી. શું આ કલાકારો કે નેતાઓ એ યોગ્ય નથી કે ભાગ્યશાળી નથી કે તેમની અરજી ખૂલે કે પછી બાબાને રાજકીય સબંધ બગાડવામાં કોઈ રસ નથી. હંમેશા પત્રકારોને જાહેર સ્ટેજ ઉપરથી કોઈને શોધી લાવવા અને હું જે અરજી લખું એ જ નીકળે તેવા દેખાવડા કરતા બાબાને ફેસ ઓફ નેશન ખુલ્લી ચેલેન્જ આપે છે કે જો ખરેખર બાબામાં કોઈ દિવ્ય શક્તિ હોય કે બાબા ઉપર કોઈ દિવ્ય શક્તિના આશીર્વાદ હોય તો જેમ જાહેર જનતાના લાઈવ દરબાર યોજે છે તેવી જ રીતે વિધાનસભામાં કે લોકસભામાં જઈને નેતાઓના લાઈવ દરબાર યોજે અને તેમની અરજીઓ ખોલીને પહેલા એ જાહેર કરે કે શું ખરેખર નેતાઓ હિન્દુ રાષ્ટ્રની ભાવના મનમાં ધરાવે છે કે કેમ ?
ભારતનો ઇતિહાસ સાક્ષી છે કે અનેક પ્રકારના દાવાઓ અને દેખાવડા કરતા બાબાઓના સામ્રાજ્ય ઊભા થયા છે, તેમની ઉપર સવાલો ઊભા થયા અને અનેક કાંડ પ્રકાશમાં આવ્યા ને અંતે બાબાઓ અદ્ર્શ્ય થઈ ગયા. આવા બાબાઓ રાજકીય સપોર્ટ વિના રાતોરાત સ્ટાર બનતા નથી. રાજકારણીઓ પણ આવા બાબાઓનો તેમની જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરે છે અને બાદમાં સમય આવ્યે સાઈડ લાઈન પણ કરી નાખે છે. આસારામ, નિત્યાનંદ, રાધે માં, રામ રહીમ જેવા અનેક બાબાઓનો રાજકીય ઉદય થયો છે અને રાજકારણના ઇશારે જ સામ્રાજ્ય ઉપર પૂર્ણવિરામ પણ મૂકાઇ ગયું છે. ભાજપ સત્તામાં આવી ત્યારથી અનેક બાબાઓના સહારે યેનકેન હિન્દુત્વનો પ્રચાર કરાવતું રહ્યું છે. પહેલા બાબા રામદેવ યોગ દરબાર ભરીને સત્તાનો પ્રચાર કરતા, તેમનો પ્રચાર પ્રસાર પણ રાજકીય નેતાઓ દ્વારા ખૂબ થતો હવે તે જગ્યા બદલાઈ ગઇ છે. બાબા રામદેવને સાઈડ લાઈન કરીને બાબા બાગેશ્વરના પ્રચારમાં અને દરબારના આયોજન માટે ભાજપના નેતાઓને લગાવી દેવામાં આવ્યા છે. ગુજરાતની મુલાકાતે રહેલા બાબાના દરબારમાં આજદિન સુધી કોઈ ભાજપના નેતાની અરજી ખુલી નથી. ખરેખર બાબા જો રાષ્ટ્રહિતમાં માનતા હોય અને હિન્દુ રાષ્ટ્રની વાતો કરતા હોય તો તેમણે જાહેરમાં જ ખાલી નેતાઓ અને આઇપીએસ અધિકારીઓનો દરબાર લગાવવો જોઈએ અને તેમની અરજીઓ ખોલીને જાહેર કરવું જોઈએ કે, કયા નેતા અને અધિકારીએ રાષ્ટ્રના હિતમાં કામ કર્યું નથી, કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે અને કોણ ખરેખર પ્રજાના હિતના વિચારો ધરાવે છે. કોઈ દેવી કે દેવતાની શક્તિ માત્ર પ્રજા માટે જ ન હોય પ્રજાને બચાવવા કે પ્રજાના હિત માટે પણ વપરાય તે જરૂરી છે. ભારતમાં બાગેશ્વર બાબા એક માત્ર એવા બાબા નથી કે, જેઓ લોકોની અરજીઓ ખોલે છે અને જાહેરમાં પોતાના દરબાર ભરે છે. ભારતમાં અસંખ્ય આવા બાબાઓ છે પરંતુ તેઓને રાજકીય સહયોગ ન મળવાથી વિકાસ કરી શક્યા નથી. ખરેખર તો જે બાબા કે સાધુ સંતોમાં શક્તિ છે કે દેવી-દેવતાઓના આશીર્વાદ છે તેવા બાબા ક્યારેય આમ જાહેરમાં દરબાર ભરતા નથી. આવા પવિત્ર સાધુ, સંતો કે બાબાઓના દરબારમાં કોઈ અરજીની પણ જરૂર નથી તે માત્ર તમને જોઈને જ તમારું દુઃખ દૂર કરવા કે તમને આવી પડેલ મુશ્કેલી દૂર કરવા આશીર્વાદ આપી દેતા હોય છે અને તે આશીર્વાદ ખરેખર કામ પણ કરે છે. ખેર ! બાબા બાગેશ્વરને ફેસ ઓફ નેશન ચેલેન્જ આપે છે કે, ખરેખર તે કોઈ શક્તિ ધરાવતા હોય કે તેમની ઉપર ખરેખર કોઈ દિવ્ય શક્તિનો હાથ હોય તો તેઓ રાજકીય દરબાર ભારતના અને ભારતની પ્રજાના હિતમાં ભરે અને નેતાઓની પોલ ખોલે.
(ફેસ ઓફ નેશન બાબાનું વિરોધી નથી કે આ લેખ બાબાની વિરૂધ્ધમાં કે કોઈ ધર્મગુરુની વિરૂધ્ધમાં નથી પરંતુ ફેસ ઓફ નેશન અંધશ્રધ્ધાને પ્રોત્સાહન ક્યારેય આપતું નથી) (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).