તળાવની પાળે માતા સાથે ફરવા ગયેલી બાળાને રવિવારે અજાણી સ્ત્રી ઉપાડી ગઇ હતી
મેઘપર પોલીસે બાળકીને ઉઠાવી જનાર એક બાળકની માતા એવી મહિલાની અટક કરી
Face Of Nation:જામનગરના હાર્દસમા તળાવની પાળ પર રવિવારે પોતાની માતા સહિત પરીજનો સાથે ફરવા આવેલી અઢી વર્ષની માસુમ બાળાનું કોઇ અજાણી સ્ત્રી અપહરણ કરી લઇ ગયાની ફરિયાદ નોંધાતા દોડધામ મચી જવા પામી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શકમંદ મનાતી અજાણી સ્ત્રીના સગડ મેળવી 24 કલાકમાં 30 કિ.મી. જોગવડ પાસેથી મેઘપર પોલીસને હેમખેમ મળી આવતા હાશકારો થયો છે. પોલીસ અપહરણ કરનાર મહિલાની પણ ધરપકડ કરી છે
બાળકીને લઇ જતી મહિલા સીસીટીવી કેમેરામાં થઇ હતી
શહેરમાં સાંઢીયા પુલ નજીક મહાલક્ષ્મી બંગ્લોઝ ખાતે રહેતા પુનમબેન ઘનશ્યામભાઇ ઝીંઝૂવાડીયા નામની મહિલા પોતાના પુત્ર અને માસુમ પુત્રી જીયા(ઉ.વ.અઢી)ઉપરાંત બે ભાભી સહિતના પરીજનો સાથે રવિવારે સાંજે તળાવની પાળ ખાતે ફરવા માટે આવ્યા હતા. જે દરમિયાન મોડી સાંજે બાળકો સાથે માસુમ જીયા પણ જયુબેલી ગાર્ડન પાસે રમતી હતી. જ્યાંથી હિચકા ખાવા માટે આંબેડકર ગાર્ડન પાસે પહોંચી હતી. ત્યારબાદ બાળકી ગુમ થઇ જવા પામી હતી. જેથી તેના પરીજનોએ હાંફળા ફાંફળા બની આજુબાજુમાં સઘન શોધખોળ કર્યા બાદ સીટી એ પોલીસનો સંપર્ક કર્યો હતો. જેમાં ભોગગ્રસ્તના માતા પુનમબેનની ફરિયાદ પરથી પોલીસે અજાણી સ્ત્રી સામે અપહરણનો ગુનો નોંધ્યો હતો. આ બનાવની જાણ થતા પીઆઇ એસ.એચ.રાઠવા, મદદનીશ જયપાલસિંહ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સિક્યુરીટી સ્ટાફને વાકેફ કરી જુદા જુદા ગેઇટ પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા પણ તપાસ કર્યા હતા. જેમાં બાળાનો હાથ પકડીને કોઇ અજાણી સ્ત્રી તેણીને લઇ જતી હોવાનું પણ નજરે પડ્યું હતું. આથી પોલીસે શકમંદ સ્ત્રીની ઓળખ મેળવવા માટે જીણવટભરી તપાસ હાથ ધરી હતી.
અપહરણ કરી ગયેલી મહિલા એક બાળકની માતા પણ છે
જે દરમિયાન મેઘપર પોલીસે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર જોગવડ પાસેથી અપહૃત માસુમ બાળાનો પતો મેળવ્યો હતો અને તેણીને હેમખેમ સ્થાનિક પોલીસ મથકે ખસેડી હતી અને તેના માતા-પિતાને જાણ કરતા તેઓ તુરંત જ દોડી આવ્યા હતા. બાળા સાથે તેના પરિજનોને સીટી એ પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા. જ્યારે અપહરણકાર યુવતી પણ પોલીસના સંકજામાં સપડાઇ હતી. જેની પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી હોવાનું બહાર આવ્યું છે. ખાનગી કંપનીમાં મજૂરી કામ સાથે સંકળાયેલા યુવાનની પત્ની એવી પ્રિયા ઉપનામધારી યુવતી એક સંતાનની માતા પણ હોવાનુ જાણવા મળ્યુ છે. અપહૃત માસુમ બાળાને ગોવાળની મસ્જીદવાળા ગેટમાંથી માથા પર દુપટ્ટો વિંટેલી કોઇ અજાણી મહિલા હાથ પકડી બહાર લઇ જતી હોવાનું જોવા મળી હતી. જેમાં મહિલાની સાથે એક અન્ય બાળક પણ નજરે પડ્યો હતો. આથી પોલીસે તળાવની પાળના તમામ સીસીટીવી કેમેરા ઉપરાંત સંબંધિત વિસ્તારના અન્ય સીસીટીવી કેમેરાની મદદ મેળવી અજાણી સ્ત્રીને પકડી પાડવા માટે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
300 લોકોની ગેંગ હોવાની ખોટી અફવાને ધ્યાને ન લેવા અનુરોધ
છેલ્લા ઘણા સમયથી દેવભૂમિ દ્વારકા પંથકમાં એક ઓડિયો ક્લિપ ફરી રહી છે. અને જેમાં છોકરા-છોકરીઓને ઉઠાવી જઇ કિડનેપ કરતી ગેંગ દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ઉતરી હોવાની વાત કરવામાં આવી છે. પંથકમાં સોશિયલ મિડિયામાં ફરતી આ ઓડિયો ક્લિપને પોલીસે અફવા ગણાવી છે. અને લોકોને ધ્યાને ન લેવા અનુરોધ કરાયો છે. તેમજ ગ્રામ્ય પંથકમાં પોલીસ દ્વારા ગ્રામજનો સાથે જાહેરસભા યોજીને ભયમુક્ત કરવામાં આવી રહ્યા છે. જો કે, સોશિયલ મીડિયામાં આ ક્લિપ છેલ્લા દોઢ વર્ષથી ફરી રહી છે. છતાં પણ પોલીસ ઓડીયો ક્લિપ ફેલાવનાર શખ્સ સુધી પહોંચી શકી નથી. હાલમાં એક ઓડીયો ક્લિપ ફરતી થઇ છે, જેમાં દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં છોકરા-છોકરીઓને ઉઠાવી જતી 300 લોકોની ગેંગ ઉતરી હોવાની વાત કરવામાં આવી છે.