Face Of Nation:અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા પહેલા ભગવાનનો આજે નેત્રોઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આજે સવારે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, બળદેવજીનો ગર્ભગૃહમાં પ્રવેશ કરાયો છે. એવું કહેવાય છે કે, ભગવાન જગન્નાથ અને તેમની બહેન અને ભાઇ મામાના ઘરેથી આવ્યા હોય છે, અને નિજ મંદિરમાં પ્રવેશ કરાય છે. તેના બાદ સવારે 8.00 કલાકથી નેત્રોત્સવની વિધિ શરૂ કરાઈ હતી. સામાન્ય રીતે નેત્રોત્સવ વિધિ રથયાત્રાના આગલે દિવસે હોય છે, પરંતુ આ વર્ષે આ વિધિ બે દિવસ પહેલા યોજાઇ રહી છે.
સવારે 9.30 કલાકે નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણ વિધિ કરવામાં આવી હતી. આ વિધિ અમદાવાદના મેયર બીજલન પટેલ દ્વારા કરાઈ હતી. તેના બાદ વિશિષ્ટ પૂજા અને આરતી કરવામાં આવી હતી. હાલ સમગ્ર મંદિર પરિસરને રોશનીથી શણગારાયું છે અને ભક્તોમાં શ્રદ્ધા અને ભક્તિનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે.
રથયાત્રાને લઇને સરકાર અને તંત્રએ તમામ તૈયારીઓ કરી દીધી છે. આજે મંદિરમાં 15થી 20 હજાર ભક્તો સ્વાદિષ્ટ ભંડારની પ્રસાદી લેશે. આ સિવાય 2000 હજાર સાધુ સંતો મંદિરના પટાંગણમાં ભંડારોનો પ્રસાદ લેશે. સાધુ સંતો માટે ધોળી દાળ અને કાળી રોટીનો ભંડારો બનાવવામાં આવે છે. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ જીતુ વઘાણી સાધુ સંતોને ભંડારો કરાવશે.
શું છે નેત્રોત્સવ વિધિ
રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ 15 દિવસ પહેલા પોતાના મોસાળમાં જતા હોય છે, અને બાદમાં ત્યાંથી પરત ફરે છે. મોસાળમાં તેમની ભારે આગતાસ્વાગતા કરવામાં આવે છે. તેમણે અનેક મિષ્ટાનો અને જાંબુ આરોગ્યા હોય છે. જેના કારણે તેમની આંખો આવી ગઇ હોય છે. જેથી આજે સવારે મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ આખી વિધિને નેત્રોત્સવ કહેવામાં આવે છે.
અષાઢી બીજના દિવસે પાટા ખોલાશે
હવે ભગવાનના આંખેથી પાટા અષાઢી બીજના દિવસે વહેલી સવારે 4 વાગ્યે ખોલવામાં આવશે. ત્યાર પછી મંગળા આરતી થશે. આજે મંદિરમાં ધોળી દાળ(ખીર) અને કાળી રોટી(માલપુડા)નો ભંડારો થશે. લાખો ભાવિકો આ ભંડારાનો લાભ લેશે.