Face Of Nation 13-03-2023 : ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીનો પ્રસાદ મુદ્દો અત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્થાને છે. રાજ્ય સરકારે વર્ષોથી ચાલી આવતી પ્રણાલી ઉપર બદલાવ લાવીને મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચિક્કીનો પ્રસાદ શરૂ કર્યો છે. જેને લઈને માઇભક્તોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. ચોતરફ લોકો સરકારના આ નિર્ણય સામે રોષ ઠાલવી રહ્યા હોવા છતાં સરકાર ટસની મસ થતી નથી. જે પ્રજાએ ભાજપ સરકારને બહુમતી આપી એ જ ભાજપ સરકાર હવે પ્રજાની આસ્થા સાથે રમત રમી રહી છે. અંબાજી મંદિરમાં બે જગ્યાએ મોહનથાળનો પ્રસાદ આપવામાં આવતો હતો. એક મંદિરની વહીવટી ઓફિસમાં કે જ્યાં દાન ધર્માદો લખાવનારા ભક્તોને અને બીજો માતાજીની એટલે કે ભટ્ટજીની ગાદીએ. ભટ્ટજીની ગાદીએ આપવામાં આવતો પ્રસાદએ માતાજીનો રાજભોગ છે. જે મંદિરના ભટ્ટજી મહારાજ અને અન્ય મહારાજો ભેગા મળીને બનાવે છે. સરકારે મંદિર ત્રસ્ત દ્વારા આપવામાં આવતો મોહનથાળ બંધ કરી દીધો હતો પરંતુ “ગાદી” અને “પૈસા”ની લાલચે અંબાજી મંદિરના પૂજારી ભટ્ટજી મહારાજ પણ “સરકારી” બની ગયા હોય તેમ સરકારની સાથે સાથે ગાદીએ અપાતો તેમજ માં અંબાજી માટે બનતો માતાજીનો રાજભોગ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. હિંદુત્વને વરેલી ભાજપા સરકારે કરેલી કામગીરી લોકોના વિશ્વાસ ઉપર વિશ્વાસઘાત સમાન બની છે.
અંબાજી મંદિરના પૂજારી એવા ભટ્ટજી મહારાજની ગાદીએ બનતા મોહનથાળનો કોઈને કોન્ટ્રાક્ટ આપવામાં આવતો નથી. જ્યારે મંદિર તંત્રની ઓફિસમાં દાન ધર્માદો લઈને આપવામાં આવતો મોહનથાળ કોન્ટ્રાકટર દ્વારા બનાવવામાં આવે છે. સરકારે જ્યારે મંદિરમાં મોહનથાળ બંધ કરવાનો નિર્ણય લીધો ત્યારે બીજી તરફ ગાદી ઉપર ભટ્ટજી મહારાજે પણ માતાજી ધરાવવા બનાવવામાં આવતા રાજભોગ એટલે કે મોહનથાળને બનાવવાનો અને વેચાણ કરવાનું બંધ કરી દીધું હતું. જો ભટ્ટજી ધારે તો તે ચાલુ રાખી શકે. કેમ કે, ભટ્ટજી ગાદી અને મંદિરનો વહીવટ જુદો જુદો ચાલે છે. ભટ્ટજીની ગાદીએ થતી આવકમાંથી તમામ ખર્ચાઓ બાદ કરતા વધતી રકમના ૨૫ ટકા પૈસા ભટ્ટજીને મળે છે અને ૭૫ ટકા પૈસા સરકારના ખાતે જમા થાય છે.
જ્યારે ભટ્ટજીની ગાદીએ મોહનથાળ બનતો હતો ત્યારે ખર્ચ વધુ થતો હતો અને હવે ચીક્કી ભટ્ટજીની ગાદી દ્વારા બનાવવામાં આવતી નથી. મંદિર દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રાક્ટમાંથી જ ચીક્કી ભટ્ટજી મહારાજની ગાદીએ પણ આપવામાં આવે છે એટલે હવે તેમના ખર્ચમાંથી મોહનથાળની રકમ નીકળી જતા તેમને મળતી ૨૫ ટકાના પૈસામાં વધારો થઈ ગયો છે એટલે સમગ્ર મામલે ભટ્ટજી પણ માતાજીને સ્થાને બોલવાને બદલે સરકારી બોલ બોલતા થઈ ગયા છે. ભટ્ટજીએ સરકારના ઇશારે મંદિરમાં બનાવવામાં આવતો મોહનથાળ પણ બંધ કરીને “સરકારી પૂજારી” હોવાની છાપ ઊભી કરી દીધી છે.
આવતીકાલે જો સરકાર ભટ્ટજીને એમ કહેશે કે તમારે મંદિરમાં આરતી ન કરીને વીજળીનો અને ધ્વનિ પ્રદૂષણ થતા અટકાવવાના અભિયાનમાં જોડાવવું તો ભટ્ટજી એમ કહેતા પણ નહિ ખચકાય કે વર્ષો પહેલા આરતી થતી જ નહોતી કેમ કે માતાજીને આરતી પસંદ નહોતી. ભટ્ટજી એટલા સક્ષમ હોવા જરૂરી છે કે, જે આસ્થા અને શ્રદ્ધા સાથે થતા નીતિ નિયમોની વિરુદ્ધના કામોમાં અવાજ ઉઠાવી શકે. સરકારની હા માં હા મિલાવનારા પુજારીઓના કારણે મંદિર મંદિર મટીને ધંધાનું સ્થાન બની જાય છે જે આજે અંબાજી મંદિરમાં થઇ રહ્યું છે. સરકાર માટે અંબાજી મંદિર આજે આવકનું સ્થાન બની ગયું છે. માઇભક્તોએ પણ સરકારી મંદિરમાં દાન આપીને સરકારી અધિકારીઓને જલસા કરાવવાને બદલે જે જરૂરિયાતમંદ છે તેને દાન આપીને તેની યોગ્યતા પુરવાર કરવી વધુ હિતાવહ બની રહે તેમ છે. અંબાજીના લોકો પણ માત્ર ચીમકીઓ આપીને મોહનથાળનો પ્રસાદ શરુ કરવાની માંગ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી કોઈ દુકાનદારે પોતાની દુકાન બંધ રાખીને મંદિરમાં થયેલા અન્યાયના વિરોધમાં તેમનો સહકાર દેખાડ્યો નથી. કેમ કે, સરકાર હોય કે પ્રજા સૌને પૈસાની અને ધંધાની પડી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).