લોકસભા ચૂંટણી માટે ભાજપે તાબડતોબ જોરદાર પ્રચાર શરૂ કરી દીધો છે. પ્રચાર માટે ભાજપે ‘વિજય સંકલ્પ સભા’ કરવાની પણ શરૂ કરી દીધી છે. ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ અલગ અલગ શહેરોમાં પક્ષ માટે પ્રચાર કરી રહ્યા છે.ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ર૮ માર્ચથી પ્રચારના મહાઅભિયાનમાં ઊતરવાના છે. આ દરમિયાન ભાજપે પોતાના ‘સ્ટાર પ્રચારકો’ની યાદી જારી કરી છે. આ યાદીમાં પીએમ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિતના લગભગ તમામ દિગ્ગજ નેતાઓ સામેલ છે.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે ભાજપના સંસ્થાપક રહી ચૂકેલા પક્ષના પિતામહ સમાન વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને એક સમયે પક્ષની ‘થિંક ટેન્ક’ ગણાતા મુરલી મનોહર જોશીનું નામ જ આ લિસ્ટમાંથી ‘ગાયબ’ છે. ઉલ્લેખનીય છે કે ભાજપે પહેલાં અડવાણીની વર્ષોજૂની અને ગઢ સમાન ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી પક્ષ અધ્યક્ષ અમિત શાહને ઉમેદવાર જાહેર કર્યા છે.સૂત્રોનો દાવો છે કે ભાજપ હવે ઉત્તરપ્રદેશની કાનપુર બેઠક પરથી મુરલી મનોહર જોશીનું પત્તું પણ કાપવાનો છે. સામેથી જ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરનારા કલરાજ મિશ્રા, સુષમા સ્વરાજ અને ઉમા ભારતીનાં નામ પણ ભાજપના સ્ટાર પ્રચારકોની આ યાદીમાં સામેલ છે.