Face Of Nation 25-11-2022 : સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓને ભાજપની ભક્તિનો રંગ લાગ્યો છે. ભગવાનની કથાના નામે ભાજપના ગુણગાન ગાવા સાધુઓ જાણે કે થનગની રહ્યા છે. ભાજપની ભક્તિ શરુ કરતા જ કહેવાતા સાધુઓમાં જબરદસ્ત ઉત્સાહ આવી જાય છે. તાજેતરમાં જ સાળંગપુર કષ્ટભંજન મંદિરના કોઠારી હરીપ્રકાશ નામના કહેવાતા સાધુનો એક વિડીયો વાયરલ થયો છે. આ વીડિયોના કથા કરતા કરતા હરીપ્રકાશ ભાજપની ભક્તિ તરફ વળી જાય છે અને સામે બેઠેલા લોકોને કહે છે કે, “બટન દબાવજો પણ લક્ષ્મીના હાથમા જે કમળ છે એના ઉપર દબાવજો. મજુર થવું હોય, ગામની શેરીઓ સાફ કરવી હોય તો એના ઉપર દબાવજો”. ધર્મનો પ્રચાર સાઈડમાં રાખીને સત્તાનો પ્રચાર કરે ત્યારે આવા લોકો રાજ સત્તા આગળ ધર્મ સત્તાને ઘૂંટણીયે કરી દે છે. આવા લોકોને પોતાની જાતને સાધુ કહેવડાવવાનો અધિકાર જ નથી. ધર્મિકતા ક્યારેય રાજનૈતિક ન બનવી જોઈએ.
સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ એ ભાજપનો પ્રચાર કરવા પ્રવક્તાની જવાબદારી સંભાળી છે. રાજ નેતાઓ આગળ નતમસ્તક થઇ ને બે હાથ જોડીને ઉભા રહેતા નમાલાઓ સાધુ કહેવડાવવાને લાયક નથી. આ શબ્દો ચોક્કસ આકરા છે પરંતુ તેનાથી પણ વધુ શરમજનક છે કે, ધર્મ સત્તાએ બેઠેલા કેટલાક ભગવાધારી કોઈ રાજકીય પક્ષના પ્રચારઅર્થે કથા કે ધાર્મિક પ્રવચનોને માધ્યમ બનાવે. રાજનીતિનો પ્રચાર કરવા નેતાઓ ઓછા પડતા હતા તો હવે સાધુઓએ પણ તેમાં ઝંપ્લાવ્યું છે. ધર્મ જયારે રાજ સત્તાના શરણે જાય છે ત્યારે ધાર્મિકતા પતનના માર્ગે ચાલવા લાગે છે. લોકો ધાર્મિકતાનું જ્ઞાન લેવા અને ભગવાનના જીવન ચરિત્રની વાતો સાંભળવા કથા કે પારાયણમાં જાય છે પણ અહીં બની બેઠેલા સાધુઓ અને રાજકીય પાર્ટીઓના પ્રચારનો જાણે કે ઠેકો લઈને બેઠા હોય તેમ જે તે રાજકીય પાર્ટીઓની વાતો શરૂ કરી દે છે અને તેમને મત આપવાનો પણ આદેશ કરે છે. ધર્મને હંમેશા સન્માનીય સમજતા નાગરિકોને પણ આ બાબત ખુંચે છે પરંતુ તેઓ અવાજ ઉઠાવી શકતા નથી જેને પરિણામે આવા સાધુઓને મોકળું મેદાન મળી જાય છે. વળી, કેટલાક કહેવાતા સાધુઓ એવા પણ છે કે જેમના કાળા કરતુતો અને ધર્મની આડમાં ચાલતા ધંધાઓ ઉપર મહેરબાની રહે તે માટે સત્તાની ભક્તિ કરી રાજકીય પક્ષો પોતાની ઉપર રહેમ નજર રાખે તેવું ઇચ્છતા હોય છે. જેને ધર્મ સિવાય બીજે ક્યાય ધ્યાન જ નથી કે જેને ધર્મની આડમાં કોઈ ગોરખધંધા જ કરવા નથી તેવા સંતોને મન તો ભગવાન અને ધર્મનો પ્રચાર આ સિવાય બીજે ક્યાય ચિત્ત જ નથી. આવા સંતો ક્યારેય કોઈ રાજકીય તામજામમાં ભાગ લેતા નથી કે જતા નથી. રાજકીય નેતાઓ તેમના દ્વારે શીશ ઝુકાવવા આવે તો આવકારે છે પણ ક્યારેય તેઓ રાજકીય નેતાના દ્વારે જતા નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુક (Facebook)માં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરી સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટર(Twitter) માં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).