Home News મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા પર વિવાદ; ભાજપ નેતા કિરીટ સોમૈયાની કાર પર શિવસેનાના...

મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા પર વિવાદ; ભાજપ નેતા કિરીટ સોમૈયાની કાર પર શિવસેનાના 100 ગુંડાઓએ કર્યો પથ્થરમારો, બોટલ-ચંપલો ફેંક્યા!

Face Of Nation 24-04-2022 : મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા અને લાઉડસ્પીકર પર રાજકારણ વધી રહ્યું છે. અમરાવતીમાંથી અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાને ખાર પોલીસે ધરપકડ કરી છે. બંને વિરૂદ્ધ પોતાના નિવદેનથી ધર્મ, જાતિના આધારે વિદ્વેષ ફેલાવવાનો આરોપ છે. શનિવારે મોડી રાત્રે આ બંનેને મળવા ખાર પોલીસ સ્ટેશન પહોંચેલા ભાજપના નેતા કિરીટ સોમૈયાની કાર પર શિવસેનાના કાર્યકર્તાઓએ પથ્થરમારો કર્યો છે. સોમૈયા ખાર પોલીસ સ્ટેશનમાંથી બહાર આવી રહ્યાં હતા તે સમયે જ આ હુમલો થયો. શિવસેનાના કાર્યકર્તાઓએ સોમૈયાની કાર પર પથ્થર ઉપરાંત બોટલ અને ચંપલો પણ ફેંક્યા. સોમૈયા ઘટનાસ્થળેથી કોઈ પણ રીતે બચીને ભાગવામાં સફળ રહ્યાં.
સોમૈયાએ કહ્યું- પોલીસની સામે જ થયો હુમલો
કિરીટ સોમૈયાએ દાવો કર્યો છે કે આ હુમલામાં તેઓ ઈજાગ્રસ્તથયા છે અને તેઓ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવવા જઈ રહ્યાં છે. કિરીટે કહ્યું- ‘CM ઉદ્ધવ ઠાકરેના ગુંડાઓએ પોલીસને ખાર પોલીસ સ્ટેશન પર એકઠાં થવા દીધા. હું બહાર નીકળ્યો ત્યારે આ ગુંડાઓએ પથ્થરમારો કર્યો. કારના કાચ તૂટી ગયા જે મને વાગ્યા હતા. પોલીસની દેખરેખ હેઠળ જ આ હુમલો થયો છે.’ કિરીટે વધુમાં કહ્યું કે- આ ત્રીજી વખતે છે જ્યારે ઉદ્ધવ ઠાકરેના ગુંડાઓએ મને મારવાનો પ્રયાસ કર્યો છે. પહેલી વખત વાશિમમાં બીજી વખત પુણેમાં અને ત્રીજી વખત ખાર પોલીસ સ્ટેશનની સામે.
સોમૈયાએ પોલીસ કમિશનર પર સવાલ ઉઠાવ્યા
કિરીટે કહ્યું- હું સ્તબ્ધ છું, ખાર પોલીસ સ્ટેશન પરિસરમાં 50 પોલીસ કર્મચારીઓની હાજરીમાં શિવસેનાના 100 ગુંડાઓએ મારા પર પથ્થરમારો કર્યો, મને મારવા માગતા હતા. પોલીસ કમિશનર શું કરી રહ્યાં છે? કેટાલ માફિયા સેનાના ગુંડાઓને પોલીસ સ્ટેશનમાં એકઠાં થવા દીધા છે? સોમૈયાએ કહ્યું- હું ઘાયલ છું, હું મારી કારમાં બેઠો છું. જ્યાં સુધી પોલીસ અધિકારીઓ અને માફિયા સેના ગુંડાઓ વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી હું બાંદ્રા પોલીસ સ્ટેશનમાં જ મારી કારમાં બેઠો રહીશ.
ફડણવીસે કહ્યું- મહારાષ્ટ્રમાં કાયદા વ્યવસ્થાનું પતન
પૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસે કહ્યું- આ મુંબઈ અને મહારાષ્ટ્રમાં કાયદા-વ્યવસ્થાની સ્થિતિનું સૌથી મોટું પતન છે. ખાર પોલીસ સ્ટેશનની સામે પોલીસવાળાઓની હાજરીમાં ગુંડાઓએ ભાજપના નેતા કિરીટ સોમૈયા પર હુમલો કર્યો. આ એકદમ અયોગ્ય વાત છે. અમે કડક કાર્યવાહીની માગ કરીએ છીએ. તો બીજીતરફ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે સોમૈયા પર હુમલાને લઈને પ્રતિક્રિયા આપી છે. તેમને ટ્વીટ કરીને ઉદ્ધવ ઠાકરેને ‘ઉધ્વસ્ત ઠરકી’ કહ્યું છે.
રવિવારે કોર્ટમાં રાણ દંપતીને રજૂ કરાશે
રાણા દંપતી વિરૂદ્ધ મુંબઈની ખાર પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 153A(ધર્મ, જાતિ કે ભાષાના આધારે 2 જૂથ વચ્ચે દુશ્મનીને પ્રોત્સાહન આપવા માટે) અંતર્ગત કેસ નોંધાયો છે. રવિવારે બંનેને બાંદ્રા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રાણા દ્વારા પણ શિવસૈનિકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. જેમાં આરોપ લગાડવામાં આવ્યો કે એક રણનીતિ અંતર્ગત શિવસૈનિકને મારે ઘરે મોકલવામાં આવ્યા અને તોડફોડ કરાવી. અમારા વિરૂદ્ધ નિવેદનો કરવામાં આવ્યા, સાથે જ મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી.
શિવસૈનિકોએ ધરપકડ બાદ મનાવ્યો જશ્ન
રાણા દંપતીએ શનિવારે માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરી હતી. જે બાદ નવનીત રાણાની બિલ્ડિંગ નીચે મોટી સંખ્યામાં શિવસૈનિકો સવારથી આવી ગયા હતા. દિવસભર ચાલેલા હોબાળા પછી શનિવાર સાંજે પોલીસે રાણા દંપતીની ધરપકડ કરી. પોલીસ કાર્યવાહીથી ખુશ શિવસૈનિકોએ તેમના ઘરની સામે જ ફટાકડાં ફોડ્યા અને ઉજવણી કરી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).