Home News પશ્ચિમ વિસ્તારના ભાજપના એક નેતાએ “પહેલા પ્રચાર, પછી સેવાનો” મંત્ર અપનાવ્યો

પશ્ચિમ વિસ્તારના ભાજપના એક નેતાએ “પહેલા પ્રચાર, પછી સેવાનો” મંત્ર અપનાવ્યો

ફેસ ઓફ નેશન, 01-04-2020 : લોકડાઉનના કારણે ગરીબોની સ્થિતિ દયજનક થઈ છે. સામાન્ય રીતે જીવન જરૂરિયાતની તમામ દુકાનો ખુલ્લી રહેતી હોવાથી અન્ય કોઈ તકલીફો પડતી નથી ત્યારે ગરીબો અને જરૂરીયાતમંદ લોકોની સેવા માટે અનેક લોકો આગળ આવી રહ્યા છે. પરંતુ અમદાવાદના પશ્ચિમ વિસ્તારના ભાજપના એક નેતા હાલ તેમની કાર્યશૈલીને લઈને ચર્ચામાં છે. પશ્ચિમ વિસ્તારમાં આ નેતાએ કાર્યકર્તાઓને માત્ર પોતાની પબ્લિસિટી કરવાનો આદેશ આપી દીધો હોય તેવું લાગી રહ્યું છે. સેવાર્થે ગરીબોને ભોજન કે અનાજની કીટનું વિતરણ કરવા નીકળતા લોકો ભાજપના આ નેતાનો પ્રચાર પહેલો કરે છે અને આ કીટ તેમના તરફથી જ આપવામાં આવી રહી હોવાનું જણાવીને પછી તેમને કીટ આપીને ગરીબાઈની મજાક બનાવી દીધી હોય તેમ લાગી રહ્યું છે. આ નેતાના કાર્યકર્તાઓ પણ માણસાઈની હદ વટાવીને લોકો સમક્ષ એવો પ્રચાર કરી રહ્યા છે કે, પશ્ચિમમાં કોઈ તકલીફ પડતી નથી અને પડે તો નેતાજીને કહીએ એટલે તે તેનું નિરાકરણ કરાવી દે છે જેને લઈને સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો તો કંઈ કરતા જ ન હોય ત એવું ચિત્ર ખડું થયું છે. પશ્ચિમ વિસ્તારમાં અતિ વૈભવી વિસ્તારમાં પણ આ નેતાએ તેના કાર્યકર્તાઓ સાથે તાજેતરમાં એવું ઇન્ટરવ્યૂ અપાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં કરીયાણું ખુટી પડતા અમે નેતાજીને વાત કરી હતી અને તેઓએ સમગ્ર વિસ્તારની દુકાનોમાં કરીયાણું પહોંચે તેવી વ્યવસ્થા કરી આપી હતી જો કે આ નિવેદન થોડું વધુ પડતું અતિશક્યોક્તિ ભર્યું હતું કેમ કે, આ વિસ્તારમાં ખાનગી કરીયાણાની દુકાનો ચાલે છે, કોઈ સરકારી કરીયાણાની દુકાન નથી અને સરકાર કે ભાજપના નેતાઓ ખાનગી કરીયાણાની દુકાનમાં માલસામાન પૂરો પડતા નથી તેમ છતાં યેનકેન પ્રકારે હાલ ભાજપના કાર્યકર્તાઓને આ નેતાએ તેના પ્રચારમાં લગાડી દીધા છે અને કાર્યકર્તાઓ પણ એક કરોડના ફ્લેટોમાં રહેતા હોવા છતાં પોતાને તથા વિસ્તારમાં કરીયાણું-શાકભાજી આ નેતાજી પુરૂ પડી રહ્યા હોવાની બડાઈ મારી રહ્યા છે. ખરેખર આ સેવાના નામે થઈ રહેલી ક્રૂર મજાક છે. દેશ તકલીફમાં છે ત્યારે સેવાના નામે સસ્તી પબ્લિસિટી મેળવવાનો કોઈ અધિકાર નથી. ગરીબ મજબુરીનો માર્યો તમારી આગળ હાથ લંબાવે છે અને તેની આ મજબૂરીને તમે તમારા પ્રચારમાં ખપાવીને કામગીરી કરો તે કદાપિ યોગ્ય નથી. આ નેતા છેલ્લા ઘણા સમયથી પશ્ચિમના વિસ્તારમાં તેનું કદ મોટું કરવા પ્રયાસ કરી રહ્યો છે અને એટલા માટે કાર્યકર્તાઓને પોતાના પ્રચારમાં લગાવી દીધા છે.