Face Of Nation : તાજેતરમાં ભાજપે એક કાર્યકરને સસ્પેન્ડ કરીને પ્રેસનોટ જાહેર કરવી પડી. આ કાર્યકર કોઈ ગુનામાં ઝડપાયો ન્હોતો, તેણે લુખ્ખાગિરી કરી હોય તેવી ફરીયાદ પણ ન્હોતી, તેણે કોઈની ઉપર બળાત્કાર પણ કર્યો ન્હોતો કે પોલીસ ચોપડે કોઈ ગુનો પણ નોંધાયો ન્હોતો કે એવો કોઈ જોરદાર વિવાદ પણ ઉઠ્યો નથી છતાં ભાજપે તેને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો. વાત છે, અમરેઇવાડી વિધાનસભાની. જયાં હાલ ચૂંટણીનો માહોલ છે. ભાજપ તરફથી જગદીશ પટેલ ઉમેદવારી કરી રહ્યાં છે અને કૉંગ્રેસ તરફથી ધર્મેન્દ્ર પટેલ ઉમેદવારી કરી રહ્યાં છે. આ બન્નેના સામસામે રાજકારણની જગ્યાએ ભાજપે એવી કામગીરી કરી કે ખુદ તેમનાં જ પક્ષમાં ગણગણાટ શરૂ થઈ ગયો. સામાન્ય રીતે જાહેરજીવનમાં જે વ્યક્તિ હોય અને આવા વ્યક્તિ કોઈ રાજકીય પક્ષમાં હોય ત્યારે તેને અનેક ચોકસાઈનું ધ્યાન રાખવું પડતું હોય છે પરંતું કોઈ રાજકીય પક્ષનો કાર્યકર હોય તો તે જાહેર જીવનમાં ન ગણી શકાય. તેને સ્વતંત્રતાનો હક્ક છે. તેની પર્સનલ લાઈફને રાજકારણ સાથે નાતો ન હોવો જોઈએ. હશે ! દરેક પક્ષના નીતિ નિયમો અલગ હોય છે. જો કે ભાજપે અમરેઇવાડી વિસ્તારમાં ડો.નીલમ પટેલ નામના કાર્યકરને પક્ષ વિરોધી પ્રચારનું બહાનું ધરીને સસ્પેન્ડ કરી દીધાનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ડો.નીલમ પટેલ સામાન્ય રીતે ક્યારેય ભાજપમાં હોદ્દાની લાલચમાં રહ્યાં નથી, તેઓએ ભાજપ માટે હમેશા ખૂબ જ મહેનત કરી અને પક્ષ માટે કઇ પણ કરી છૂટવાની ભાવના રાખી છતાં અંતે પક્ષે તેમની પર્સનલ લાઈફમાં મિત્ર રહેલા કૉંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલને સોશિયલ સાઈટ ઉપર અભિનંદન આપતાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. આ વાત સૌ કોઈ સારી રીતે જાણે જ છે કે હકીકતે નીલમને માત્ર અભિનંદનને લઇ સસ્પેન્ડ કરવામાં આવ્યો નથી પરંતું આંતરીક ખેંચતાણને લઇ તેને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. અમે જ જીતિશુ અને આટલી સીટો મેળવીશું જ તેવા દાવાઓ અને બુમરાણ મચાવતી ભાજપને નીલમ એવો તો શું નડી ગયો કે, એક કાર્યકર્તાને સસ્પેન્ડ કરતી પ્રેસનોટ આપવી પડી. શું નીલમ પટેલ કોઈ નામચીન ગુંડો છે ? શુ નીલમ પટેલ માથાભારે છે ? ના ! તો પછી એવું તો નથી કે આનંદીબેનની નજીક હોવાથી નીલમ ટાર્ગેટ બની ગયો. આજદિન સુધી ભાજપે કેટલા કાર્યકર્તાઓને આ રીતે હાંકી કાઢ્યા અને પ્રેસનોટ રિલીઝ કરી તે એક મોટો સવાલ છે. ડો.નીલમ પટેલને આનંદીબેનની નજીક માનવામાં આવે છે પરંતું નીલમ પટેલ આનંદીબેન સરકારમાં પણ ક્યારેય જાહેરમાં કે કોઈ રાજકીય ચિત્રમાં આવ્યો નથી ત્યારે આ સમયે એક કાર્યકર્તાને માત્ર વિરોધ પક્ષના ઉમેદવારને પર્સનલ લાઈફ અને જુના રાજકીય સબંધને લઇ મુકેલી પોસ્ટને ધ્યાને લઇ સસ્પેન્ડ કરી દેવો કેટલો યોગ્ય છે ? ભાજપ અને મોદીને બેફામ ભાંડનારાઓને ભાજપ આવકારે છે અને પોતાના પાયાના કાર્યકરને ઠપકો આપી મામલો થાળે પાડવાની જગ્યાએ સસ્પેન્ડ કરીને પ્રેસનોટ જાહેર કરે છે તે કેટલું યોગ્ય છે. હા ! નીલમ પટેલે આપેલી શુભેચ્છાનો મુદ્દો મીડિયામાં ગાજ્યોં હોય કે વિવાદમાં આવ્યો હોય અને નીલમને સસ્પેન્ડ કરીને પ્રેસનોટ જાહેર કરવામાં આવી હોય તો વાત હજુ ગળે ઊતરે તેમ હતી પરંતું ભાજપે કરેલી આ કામગીરીથી ખુદ પક્ષમાં જ ગણગણાટ શરૂ થયો છે અને અનેક સવાલો ઉભા થયા છે. સામાન્ય રીતે ઘરની વાત અને ઘરમાં થતો કંકાસ ઘરમાં પતાવી દેવાય પરંતુ ભાજપે કોઈ જાણતું ન હોવા છતાં તેમના પક્ષમાં રહેલો, નડેલો કે નહી નડેલો કંકાસ જાહેરમાં ઉભો કર્યો અને પરીણામે લોકોમાં ચર્ચાનું સ્થાન બની ગયો. ખુદ ભાજપમાં એવી ચર્ચા ઉઠી છે કે, આંતરિક ખેંચતાણની લ્હાયમાં ઉચ્ચ સ્તરીય નેતાઓ કે જેમને આ પ્રકારની કામગીરી કરીને પ્રેસ નોટ જાહેર કરવાનો નિર્ણય લીધો તે અત્યન્ત શરમજનક છે.