Face of Nation 17-12-2021: કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કારણે દુનિયા એકવાર ફરીથી દહેશતમાં છે. આ બધા વચ્ચે બ્રિટનમાં કોરોના વાયરસનો વિસ્ફોટ થયો છે. ગુરુવારે 24 કલાકની અંદર કોરોનાના 88,376 નવા કેસ નોંધાયા. બ્રિટિશ સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું કે આગામી કેટલાક દિવસોમાં કેસમાં વધારો થઈ શકે છે. બુધવારથી ગુરુવારની વચ્ચે કોરોના વાયરસથી સંક્રમિત 146 લોકોના મોત થયા છે. આ દરમિયાન સરકારે બુસ્ટર ડોઝને પણ ઝડપથી વધારવાની કવાયત હાથ ધરી છે. રોયટ્સના રિપોર્ટ મુજબ બુધવારે 745,183 લોકોને કોરોના રસી અપાઈ.
યુકેના અધિકારીઓએ જણાવ્યું કે કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિએન્ટ ખુબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેમાં દર બે થી ત્રણ દિવસમાં કેસની સંખ્યા બમણી થઈ રહી છે. યુકે સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સીએ કહ્યું કે દેશમાં અન્ય 1,691 ઓમિક્રોન કેસની ઓળખ થઈ છે. જેના કારણે કુલ કેસની સંખ્યા હવે 11,708 થઈ છે. જો કે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આ સંખ્યા વધવાની સંભાવના છે.
ઈંગ્લેન્ડના મુખ્ય ચિકિત્સા અધિકારીનું કહેવું છે કે એ શક્ય છે કે આ શિયાળામાં કોવિડ-19થી દૈનિક હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ગત સંખ્યાને પાર કરી જાય. જો કે તેમણે ચેતવ્યા કે વિશાળ અનિશ્ચિતતા ઓમિક્રોન વેરિએન્ટ અંગે બનેલી છે. આ બધા વચ્ચે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સને ડાઉનિંગ સ્ટ્રીટમાં એક પત્રકાર પરિષદમાં કહ્યું કે ઓમિક્રોન સંક્રમણના કેસ બેથી પણ ઓછા દિવસમાં બમણા થઈ રહ્યા છે. પરંતુ તેમણે આશા વ્યક્ત કરી કે કોવિડ-19 રસીના બૂસ્ટર ડોઝ આપવાની મુહિમથી તેને પહોંચી વળવામાં મદદ મળશે. જ્હોન્સન તરફથી ઓમિક્રોનના જોખમને રોકવા માટે આ વર્ષના અંત સુધીમાં વયસ્કોને બૂસ્ટર ડોઝ આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
આ બાજુ અમેરિકામાં પણ સ્થિતિ સતત બગડી રહી છે. અહીં પણ ઝડપથી કોરોનાના કેસ બમણા થઈ રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ચેતવણી આપી છે કે કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિએન્ટ અમેરિકામાં વધુ ઝડપથી ફેલાવવાનો છે. જરૂરી છે કે તેનાથી સાવધાની વર્તવામાં આવે. બાઈડેને લોકોને કહ્યું છે કે જેમ બને તેમ જલદી બૂસ્ટર ડોઝ લો.
ભારતની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ભારતમાં 7447 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 391 લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલ દેશમાં 86,415 લોકો સારવાર હેઠળ છે. જ્યારે 3,41,62,765 લોકો અત્યાર સુધીમાં રિકવર થયા છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના 1,35,99,96,267 ડોઝ અપાયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)