Home Uncategorized BRTS અકસ્માત : ડ્રાઈવરોની બેદરકારી કરતા શાસકોની નિષ્ક્રિયતા વધુ જવાબદાર

BRTS અકસ્માત : ડ્રાઈવરોની બેદરકારી કરતા શાસકોની નિષ્ક્રિયતા વધુ જવાબદાર

Face Of Nation, Ahmedabad : સરકારી સેવાઓ નિર્દોષોનો જીવ લઈ રહી છે અને શાસકો એસી ઓફિસ તથા ગાડીઓમાં બેસીને જાડી ચામડીના બની ગયા છે. દિવસે દિવસે બીઆરટીએસ બસોના બેફામ ડ્રાઇવિંગથી અકસ્માતોમાં નાગરિકો જીવ ગુમાવી રહ્યા છે અને શાસકો પ્રવચનો અને ઠાલા, જુઠ્ઠા વચનો આપીને પ્રજાને મૂર્ખ બનાવવાના પેંતરા શોધી રહ્યા છે. વાહન અકસ્માતનો ભય ત્યારે સૌથી વધુ હોય જયારે ચલાવનાર બેદરકાર હોય અથવા તો ચલાવતા તેને આવડતું ન હોય. જો ચલાવનાર બેદરકાર હોય કે તેને ચલાવતા આવડતું ન હોય તેમ છતાં તેને વાહન આપી દેવામાં આવે તો વાહન આપનાર સૌ પહેલા ગુનેગાર ઠરે છે. વધતા જતા બીઆરટીએસ અકસ્માતોના કેસોમાં પણ કંઈક આવું જ છે. બીઆરટીએસ બસના બેફામ ડ્રાઈવિંગથી થતા અકસ્માતોમાં ડ્રાઈવરની બેદરકારી કરતા શાસકોની નિષ્ક્રિયતા વધુ જવાબદાર છે. નફ્ફટ, ભ્રષ્ટાચારી અને માનવતા ભૂલેલા જાડી ચામડીના તંત્રના જવાબદાર અધિકારીઓ કેમ એવા ડ્રાઈવરોને બસ સોંપી દેતા હોય છે કે જેને ચલાવવામાં સંપૂર્ણ નિપુણતા હોતી નથી. ખરેખર આવા અકસ્માતોના કેસોમાં ડ્રાઈવરની સાથે સાથે તે વિભાગના અધિકારી ઉપર પણ કેસ નોંધાવો જોઈએ અને જવાબદાર અધિકારી સામે પણ કાર્યવાહી થવી જોઈએ. કોપોરેશનના અધિકારી કે જેના માથે બીઆરટીએસ પ્રોજેક્ટની જવાબદારી છે તેને એ પણ ધ્યાન રાખવું જોઈએ કે, ડ્રાઈવરો બસ કેવી રીતે હંકારી રહ્યા છે નહીં કે એસી ઓફિસમાં બેસીને માત્ર ભ્રષ્ટાચાર કરવો.
શરમજનક બાબત છે કે ભારત જેવા દેશમાં હવે સરકારની સેવાઓને લીધે તેમના કર્મચારીઓની બેદરકારીથી પ્રજાને જીવ ગુમાવવો પડે છે. ખરેખર માનવ જીવની કોઈ કિંમત જ રહી ન હોય તેવું લાગી રહ્યું છે. જો કોઈ મિનિસ્ટરનો છોકરો કે પછી કોઈ આઈએએસ કે આઇપીએસ અધિકારીનો છોકરો આ રીતે બાઈક લઈને જતો હોત અને અકસ્માત સર્જાયો હોત તો શું માત્ર ડ્રાઈવર ઉપર જ કેસ કરીને સંતોષ માની લેવામાં આવતો ? શું અધિકારીઓની બદલી કે તેમની કાર્યશૈલિ ઉપર સવાલ કરીને તેમની વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવતી ? ના, તેવા સમયે તો અધિકારીને પણ જવાબદાર ગણીને તેની ઉપર કાર્યવાહી કરવામાં આવતી. શાસકોની નિષ્ક્રિયતા સતત વધતી જઈ રહી છે કેમ કે તેમને પ્રજાના કામો કે પ્રજાના જીવની કોઈ પડી ન હોય તેવું લાગી રહ્યું છે. સાચા શાસકો હંમેશા પ્રજાને નડતરરૂપ કે પ્રજાને નુકસાનરૂપ થતા પાસાનો અભ્યાસ કરીને તે અંગેની કાળજી રાખે કે જવાબદારો પાસે કડકાઈથી કામ લેવાની હિંમત રાખે. કોર્પોરેશનના શાસકો જો સમયાંતરે પોતાની એસી ઓફિસની બહાર નીકળી ખાનગી રીતે બીઆરટીએસ બસમાં બેસીને લટાર મારવા નીકળે તો પણ ખબર પડી જાય કે સ્ટાફની કે બસના ડ્રાઈવરોની નિષ્ક્રિયતા કેટલી છે અથવા તો પ્રજાની સેવાના તમામ કામોમાં ઓચિંતા પ્રજા બનીને જ ચકાસણી કરવા નીકળે તો પણ સચ્ચાઈ સામે આવી જાય અને એ સચ્ચાઈની સામે કડકાઈથી કામ લઈને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો પ્રજાને ક્યારેય કોઈ અગવડ પડશે નહીં કે બેફામ ડ્રાઇવિંગને કારણે કોઈને જીવ ગુમાવવાનો વારો આવશે નહીં. પરંતુ જાડી ચામડીના શાસકોને પ્રજાની પડી જ નથી. આવા અકસ્માતો સમયે એકાદ બે દિવસ લાગણીના દેખાવડા કરશે અને ત્યારબાદ જૈસે થે થઇ જશે. જો કે પ્રજા પણ કડકાઈ દાખવતી નથી એટલે શાસકો માથે ચઢીને નાચી રહ્યા છે, પ્રજાએ પણ સમયાંતરે પોતાના શાસકને જગાડવાની હિંમત રાખવી જરૂરી છે.