મોદીએ કહ્યું- હું પુછવા માંગીશ કે શું વાયનાડ અને રાયબરેલીમાં હિન્દુસ્તાન જીતી ગયું
તેમણે કહ્યું કે, 55 વર્ષ સુધી દેશમાં સરકાર ચલાવનાર પક્ષ 17 રાજ્યોમાં સીટ જીતી શક્યું નથી
Face Of Nation:નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં ચોરીની શંકામાં યુવકની મોબ લિંચિંગ અને બિહારમાં ચમકી તાવથી બાળકોના મોત અંગે પહેલી વખત નિવેદન આપ્યું છે. મોદીએ બુધવારે રાજ્યસભામાં કહ્યું કે, ઝારખંડમાં યુવકની હત્યાનું સૌને દુઃખ છે. ગૃહમાં કહેવામાં આવ્યું કે, ઝારખંડ મોબ લિંચિંગનો અડ્ડો બની ગયો છે. જે યોગ્ય નથી. આખા ઝારખંડને બદનામ કરવાનો કોઈને હક નથી. સાથે જ ચમકી તાવ અંગે મોદીએ કહ્યું કે, આ 7 દશકાઓની સરકારની સૌથી મોટી નિષ્ફળતાઓમાંની એક છે. દુઃખની વાત તો એ છે કે આધુનિક યુગમાં પણ આવું થઈ રહ્યું છે. હું બિહાર સરકાર સાથે સંપર્કમાં છું.
રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ચુકી છે અને ઉપલા ગૃહમાં ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો જવાબ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમાં હાજર છે. વડાપ્રધાને ચર્ચાનો જવાબ આપવાનું શરૂ કરી દીધો છે.વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે, પહેલી વખત પ્રચંડ જનાદેશ બાદ ગૃહમાં બોલવાની તક મળી છે. આ વખતે પહેલી વખત કરતા વધારે સમર્થન અને વિશ્વાસ સાથે અમને ફરી દેશની સેવા કરવાની તક મળી છે. જેના માટે હું સૌનો આભારી છું. પીએમ મોદીએ કહ્યું કે, બીજા કાર્યકાળના પ્રારંભમાં જ અમારા ગૃહના સભ્ય મદનલાલ અમારી વચ્ચે નથી રહ્યા, તેમના પ્રત્યે મારી શ્રદ્ધાંજલિ.
હિંસા પર રાજકારણ થવું જોઈએ- PM: મોદીએ કહ્યું કે, ઝારખંડમાં આરોપીઓને કડક સજા થવી જોઈએ. જે ખોટું છે, જેમને ખોટું કર્યું છે, તેમને સજા મળવી જોઈએ. ત્યાં પણ સજ્જનોનો જમાવડો છે. ગુનો થાય ત્યારે યોગ્ય રસ્તો કાયદો અને ન્યાય છે. બંધારણ, કાયદો અને વ્યવસ્થાઓ તેના માટે જ છે. આપણે જેટલું કરી શકીએ કરવું જોઈએ અને તેનાથી પીછેહઠ ન કરવી જોઈએ. ગુડ ટેરરિઝમ અને બેડ ટેરરિઝમથી બહું મોટું નુકસાન થયું છે. આ પ્રકારની હિંસા ભલે ઝારખંડમાં થાય , બંગાળમાં થાય કે પછી કેરળમાં હિંસાનો દરેક જગ્યાએ વિરોધ થવો જોઈએ.
અમે પણ હાર્યા પણ ક્યારેય રોદડાં નથી રોયા- મોદીઃ વડાપ્રધાને કહ્યું કે, ગૃહમાં ઈવીએમ પર ચર્ચા થાય છે. નવી બિમારી શરૂ થઈ ગઈ છે. ઈવીએમ અંગેના સવાલ ઉઠાવવામાં આવે છે, બહાના બનાવવામાં આવે છે. નિરાશાજનક વાતારણમાં અમે કાર્યકર્તાઓ પર વિશ્વાસ પેદા કરીને પાર્ટીને ઊભી કરી હતી. અમે પણ હાર્યા, પરંતુ ક્યારેય રોદડાં નથી રોયા કે આ કારણથી અમે હાર્યા છીએ. જ્યારે પોતાની પર વિશ્વાસ ન રહે ત્યારે સામર્થ્યનો અભાવ રહે છે, ત્યારે બહાના શોધવા પડે છે.
1982માં પહેલી વખત ઈવીએમનો ઉપયોગ કરાયો. 1988માં આ ગૃહમાં બેસેલા સભ્યોએ તેને કાયદાકીય મંજૂરી આપી હતી. 1988માં કોંગ્રેસે ઈવીએમ અંગે નિયમો બનાવ્યા હતા. આવું પણ તમે કર્યું, હારી ગયા તો હવે રડી રહ્યા છો. આજે પરાયજય માટે અમે આ પ્રકારની વાતો કરી રહ્યા છીએ. વર્ષોના પરીક્ષણ માટે દેશની તમામ ન્યાયપાલિકાઓએ ઈવીએમ અંગે સકારાત્મક નિર્ણય આપ્યો હતો.
2017માં જ્યારે વિવાદ સર્જાયો ત્યારે ચૂંટણી પંચે ચેલેન્જ આપી હતી કે તમે આવો અને ગરબડ શોધી આપો. જે લોકો રોદડાં રડી રહ્યા હતા તેમાંથી એક પણ ત્યાં ગયું ન હતું. તેમને એટલો મોટો પ્રચાર કર્યો હતો કે અમે પણ માનવા લાગ્યા કે ઈવીએમમાં ગરબડ છે.
અમે ટેકનોલોજી સમજવાનો પ્રયાસ કર્યો, પછી વીવીપેટની વાત સામે આવી.વારંવાર સુપ્રીમ કોર્ટમાં ગયા. ચૂંટણીના વાતાવરણને ખરાબ કરવાનો પ્રયાસ કરાયો હતો. જેટલી આશંકાઓ હતી, અમે બધા સાક્ષી છીએ કે વીવીપેટે ફરી ઈવીએમની તાકાતને વધારી દીધી હતી.
શું વાયનાડમાં ભારત હારી ગયું?- મોદીઃ મોદીએ કહ્યું કે, જ્યારે એવું કહેવામાં આવે છે કે લોકતંત્ર હારી ગયું તો હું જરૂર પુછવા માગીશ કે શું વાયનાડમાં ભારત હારી ગયું? શું રાયબરેલીમાં હિન્દુસ્તાની હારી ગયું? શું અમેઠીમાં હિન્દુસ્તાન હારી ગયું છે? એટલે કે કોંગ્રેસ હાર્યું તો દેશ હાર્યો. દેશ એટલે કોંગ્રેસ અને કોંગ્રેસ એટલે દેશ. અહંકારની પણ હદ હોય છે. હું જાણવા માગું છું કે, 55 વર્ષ સુધી દેશમાં સરકાર ચલાવવાવાળો પક્ષ 17 રાજ્યોમાં એક બેઠક જીતી શકી ન શક્યું. લોકતંત્રમાં ટીકા સન્માનિત થાય છે, પરંતુ દેશના મતદાતાઓનું આ પ્રકારે અપમાન પીડાદાયક છે. બની શકે છે મારા શબ્દ કઠોર હોય, પરંતુ દેશના પરિપક્વ લોકતંત્ર માટે છે.