Home Uncategorized સુરત:કાળજુ કંપાવતી ઘટના ,પ્લાસ્ટિકની બેગમાં કચરા સાથે મળી આવી બાળકી

સુરત:કાળજુ કંપાવતી ઘટના ,પ્લાસ્ટિકની બેગમાં કચરા સાથે મળી આવી બાળકી

Face Of Nation:સુરત કેબલ બ્રિજ પર શુક્રવારે મોડી સાંજે પ્લાસ્ટિકની થેલીમાં કચરા સાથે ફેંકી દેવાયેલી માસૂમ બાળકીને રડતી જોઈ ટોળાં વચ્ચે ઊભેલી ત્રણ મહિલાઓની મમતા દ્રવી ઊઠી હતી. ત્યારબાદ ત્રણેય મહિલાએ માસૂમને 108ની મદદથી સિવિલમાં ખસેડી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ શુક્રવારે મોડી સાંજે કેબલ બ્રિજ ઉપર વાહનો અને લોકોનું ટોળું એકત્ર થયું હતું. દરમિયાન ત્યાંથી પસાર થતી આનંદમહેલ રોડની સુનામિકા જુનેજા, જહાંગીરાબાદની ધરા ભટ્ટ અને અડાજણની રાહી ગૌર પણ ત્યાં દોડી ગયા હતા. બ્રિજના એક છેડેે પ્લાસ્ટિકની થેલીમાં કચરા સાથે આશરે છ માસની બાળકીને ત્યજી દેવાઈ હોવાની વાત સાંભળી તેમનું કાળજુ કંપી ઊઠયું હતું.રડારોળ કરતી માસૂમ બાળકીને તેમણેે ચૂપ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીના એક હાથના ભાગે ડામનું નિશાન જોઈ તેઓ ચોંકી ઊઠી હતી. ત્યારબાદ 108ને ફોન કરી બાળકીને સારવાર માટે સિવિલમાં ખસેડી હતી. આ ત્રણેય મહિલાઓ પણ 108ની સાથે સિવિલમાં આવી પહોંચી હતી. માસૂમને સિવિલના બાળકોના વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરાઈ છે.