Face Of Nation, 21-04-2021 (રાજેન્દ્ર રાવલ) : આજે સીવિલ સર્વિસ ડે છે. સ્વ.સરદાર વલ્લભ ભાઈ પટેલ સાહેબે ભારતીય પ્રશાસનનું નવું માળખું રચ્યું હતું. ભારતીય પ્રશાસનિક સેવા ! જેનો મૂળ ઉદ્દેશ ભારતનું યુવાધન, બુદ્ધિધન પ્રશાસનમાં આવે અને રાષ્ટ્રની સેવા કરે. કોઈ પણ જાતના ભય કે પક્ષપાત અથવા રાજકીય દબાણથી ગભરાયા સિવાય હિંમતપૂર્વક દેશના નાગરિકો ગરીબો અને જરૂરીયાતમંદ પ્રત્યે દયા સહાનૂભૂતિ સાથે નિર્ધારિત પરિણામો પ્રાપ્ત કરી શકે, જવાબદારી ઉઠાવી શકે અને નિ: સ્વાર્થ ત્વરીત નિર્ણયો લઈ શકે. આવા ભારત દેશના સ્વપ્નીલ યુવક યુવતીઓ માટે સરદાર સાહેબે સીવીલ સર્વિસનું નવું માળખું બનાવેલું !
આજે સિવિલ સર્વિસ ડે છે ત્યારે સરદાર સાહેબનું સપનું ખરેખર સાર્થક થયું છે કે નહીં તેનો જવાબ સિવિલ સર્વીસના બાબુઓ એ જ આપવાનો હોય. સારા પોસ્ટીંગની લાલચ, વધારે સત્તા અધિકારનો મોહ, ઝડપી પ્રમોશન, પોતાની યોગ્યતાનું રાજ દરબારી મૂલ્યાંકન કરાવવાની ધેલછાએ માત્ર કાયદાનું અર્થઘટન અને વિલંબ નીતિને કારણે સીવીલ સર્વિસ તેનુ ઓજસ ઝાંખુ કરી રહી હોવાનું ચચાર્ય છે. પોતાના કામની વાહવાહી થાય, જરૂરત કરતાં વધારે આદર આપવાની અને લેવાની અપેક્ષા તથા ભષ્ટ્ર અને ચંચળ મનોવૃત્તિને કારણે પ્રશાસનિક સેવા વિવાદમાં હોવાનું કહેવાય છે. જેની આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકા થઇ રહી છે. 2012માં હોંગકોંગ ખાતે રાજકીય અને આર્થિક સાહસોની સમીક્ષા કરતી સલાહકાર સમિતિએ કહ્યુ કે, સમગ્ર એશિયામાં સૌથી ખરાબ અમલદાર શાહી ભારતમાં છે. મુઠીભર પ્રામાણિક અને બાહોશ અધિકારીઓને બાદ કરતાં કેટલાંક અમલદારો તેમના રાજકીય માસ્ટરોને પોતાની તરફેણમાં કરવા સત્તા અને સેવાની ગરીમાને હાની પહોંચાડે છે ! પોતાની સત્તાનો ખુમારી પૂર્વક ઉપયોગ નહી કરવા માટે કેટલાંક જવાબદાર કારણો પણ છે. વારંવાર સ્થાનાંતર, અગવડવાળા પોસ્ટીંગ, ઉત્સાહી અધિકારીઓને હતોત્સાહ કરવા, ધાર્યુ ન થાય તો બદનામ કરવા અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચેની બૌદિધક ગેપ, સત્તાવાદ અને પ્રદેશવાદે સીવીલ સર્વિસના કર્મીઓમાંથી સાહસ અને સિસ્ટમ સામે લડવાની હિંમત છીનવી લીધી હોય તેવું લાગે છે.
સીવીલ સર્વિસના અધિકારીઓ સામે થતા ભષ્ટ્રાચારના આક્ષેપો અને સી.બી.આઇ તપાસના આંકડા ખુબ પહોળા થતા જાય છે એટલે કે રાષ્ટ્રસેવા નહી પરંતુ સંપત્તિ, સત્તા અને સફરનું સુખ માણવા માટેના ઉદ્દેશ સાથે હવે કેટલોક વર્ગ આ સેવામાં જોડાતો હોય તેવો ખ્યાલ મજબૂત બને છે. સરદાર સાહેબનો ભય સાચો નિવડયો.
આ સ્થિતિ વચ્ચે જે યુવક યુવતીઓ માત્રને માત્ર રાષ્ટ્ર સેવા માટે આ ફિલ્ડમાં આવ્યા છે તેમણે તકલીફો વેઠીને પણ પોતાની અને સર્વિસની ગરીમાને જાળવી રાખી છે. જે સાચા અર્થમાં સરદારને અનુસર્યા છે. સૌ પ્રથમ આઈ.એ.એસની બેચ સરદાર સાહેબને મળવા શુભેચ્છા મુલાકાત માટે તેમના નિવાસ સ્થાને ગઈ ત્યારે સરદાર બિમાર હતા ! છતાં પણ મુલાકાત આપી અને શુભેચ્છા આપતાં કહેલું, જો જો હાં ડગી જતા નહી. તમે બધા અલગ અલગ રાજ્યોમાં દેશના લોકોની સેવા માટે જઈ રહ્યા છો. શરૂઆતમાં બિહાર અને ગુજરાત કેડરના અધિકારીઓનું આકર્ષણ અને મહત્વ હતું. યશવંત સિન્હા આઇ.એ.એસ અધિકારી હતા. કોઈ મુદ્દે વિવાદ થતાં પ્રધાનમંત્રી વિશ્વનાથ પ્રતાપસિંહને ચોખ્ખા શબ્દોમાં કહેલું, સીવીલ સર્વન્ટ પ્રધાનમંત્રી થઈ શકે છે પણ પ્રધાનમંત્રી ધારે તો પણ સીવીલ સર્વન્ટ ના થઇ શકે. બિહારી અધિકારીઓ બોલ્ડ હતા ! આ બાબુઓ દેશ ભરમાં તેમની પ્રશાસનિક આવડત માટે પ્રચલિત હતા.
સિવિલ સર્વિસમાં પ્રામાણિક વિરૂદ્ધ અપ્રામાણિકતાનો જંગ ચાલતો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. જેનો પરોક્ષ લાભ રાજકીય આગેવાનો લઈ રહ્યા છે. આ સ્થિતિમાં પણ ક્યાંક રણમાં વીરડી છે. લોકોના કલ્યાણ માટે સંઘર્ષમાં ઉત્તરનારા મર્દ અધિકારીઓ સીવીલ સર્વીસે આપ્યા છે. તેલંગાણા રાજ્યમાં આદિવાસી જિલ્લામાં સ્થાનિક રાજકારણની એંસી તૈસી કરીને એક મહિલા કલેકટરે આદિવાસી પ્રજાની ખુબ સેવા કરી તેમના આરોગ્ય શિક્ષણ રોજગારી માટે ભરપુર પ્રયાસો કર્યા અને ઈચ્છતા પરિણામો પણ આપ્યા. તેલંગાણા જિલ્લાની પ્રજાએ 2010ની બેચના અધિકારી શ્રીમતી દિવ્યાદેવ રાજનની જયારે બદલી થઈ ત્યારે પ્રજાએ યાદગીરી રૂપે એક આખા ગામનું નામ બદલી ને દિવ્યગુડા કરી દીધું.
સીવીલ સર્વિસની સફળતા આટલે અટકતી નથી. ગુજરાત કેડરના ડૉ. સુદિ૫કુમાર નંદાએ ડાંગ જિલ્લામાં વર્ષો સુધી આદિમ પ્રજાની સેવા કરી. ડૉ. નંદા જયારે નિવૃત્ત થયા ત્યારે આદિવાસી પ્રજાએ નંદાને કરતારોમાં ઉભા રહીને સમાજ પુત્રનું યશસ્વી સન્માન આપ્યુ. આદિમ પ્રજાસેવાનું સન્માન આપનારી પ્રજા છે. સીવીલ સર્વિસનો દિવસ છે ત્યારે આજે તેમાં કેટલીક ખામીઓ પણ છે અને વિશેષ ખુબીઓ પણ છે ! ભરપુર સત્તા છે. સતાનો ઉપયોગ નહીં કરનારા પણ એટલા જ છે. આ ઉપયોગ ગણતરીના રાજકીય આગેવાનોની ઈચ્છા મુજબ કરનારા કહ્યા ઘરા અધિકારીઓ પણ છે. સરકારની યોજનાઓ ગમે તેટલી સારી હોય પણ તેની અમલવારી કરાવનારા નેગેટીવ હોય તો લાંબેગાળે સરકારને જ નુકસાન થાય છે.
ગરીબોની સેવા માટે જ અમલદાર શાહી છે. મધ્ય પ્રદેશના ઉજૈજન કલેકટરનો એક પ્રસંગ છે ! ઉજજૈનના નાગદાચૌક બઝારમાં મોચી કામ કરતા રમેશ નામના ગરીબ યુવાનને બ્રેઈન ટ્યુમરથયું હતું. જેની સારવારનો ખર્ચ ખુબ મોટો હતો. પ્રાઈવેટ હોસ્પીટલ ૩૦ હજાર ડીપોજીટ માંગે ગરીબ માણસના ગજા બહારની વાત હતી. એક મહિલા કાર્યકર ગરીબના સગા વ્હાલાઓને ધારાસભ્ય પાસે લઈ ગઈ અને ખર્ચની વાત કરી એમણે કહ્યું સાહેબ, સરકારે ગરીબો માટે યોજનાઓ કરી છે પણ એનો લાભ ગરીબને મળે છે ખરો ? ધારાસભ્ય શ્રીએ પૂછ્યું તારી પાસે મા કાર્ડ છે ? ના, સાબ. તો પછી લે આ ભલામણ કરી. સત્ય મેવ જયતે વાળાલેટર ઉપર ભલામણ કરી દીધી. ઘટતું કરશો. દર્દીના બાપે કહ્યું, સાહેબ,મારા છોકરાનો જીવ જાય છે. પરિણામ શૂન્ય. જવાબ રાજકીય ! કોઈ કે કહ્યું ઉજજૈનના ક્લેક્ટર સેવા ભાવી છે ! એમને મળો પણ ક્લેક્ટર ઓફિસમાં ગરીબને કોણ ઘુસવા દે ! કેટલાં પૂણ્ય કર્યા હોય તો ક્લેક્ટર સાહેબ જોવા મળે ? નાગદાના એક પત્રકારે ઉજૈજનના ક્લેક્ટરને વાત કરી. સાહેબ, મદદ કરવા જેવો કેસ છે. ક્લેક્ટરના હદયમાં રામ વસ્યા. નાગદા એસ.ડી.એમને ફોન કર્યો. રમેશ મોચીના સગાઓને લઈ ઓફિસમાં આવો ! રાત્રે નવ વાગે ઉજજૈન ક્લેક્ટર કચેરીના દરવાજા એક ગરીબ મોચી માટે ખુલ્યા. ક્લેક્ટરશ્રીએ મોચીને પૂછ્યું ભાઈ, મા કાર્ડ કેમ નથી ? સાહેબ ઘણો પ્રયાસ કર્યો પણ ના નિકળ્યું એટલે માંડી વાળ્યું ! કલક્ટરે મા, કાર્ડ તૈયાર કરનાર તમામ સરકારી શાખાઓને રાત્રે ૧૧.૩૦ કલાકે કચેરીમાં હાજર રહેવા ફોન રણક્યા ! ચોરાનો તલાટી મામલતદાર આરોગ્ય અધિકારી અને મા કાર્ડ બનાવનાર એજન્સી કલેક્ટરના આદેશ અનુસાર બધા જ હાજર. રાત્રે ૧૨ વાગે રમેશ હીરાલાલમોચીનું મા કાર્ડ તૈયાર થયું. મહાકાલની ભસ્મઆરતીનો ઘંટનાદ શરૂ થાય તે પહેલાં ક્લેક્ટર શ્રીએ ખુદ ઉજજૈનની ખાનગી હોસ્પીટલને મા કાર્ડ પોતાના મોબાઈલથી ફોરવર્ડ કરી લખ્યું કે, સારવાર શરૂ કરો ! રમેશનું ઓપરેશન થયું. તેને જીવતદાન મળ્યું. બેત્રણ મહિના પછી નાગદા ચૌક પાસે મોચી કામ કરતા રમેશ પાસે એક સજજને દસ રૂપિયા આપી કહ્યું રમેશ હું આશિષકુમાર છું ; ક્લેક્ટર ઉજજૈન ! હવે તું બરાબર છે ને ? રમેશની આંખોમાં સનદી સેવા માટે ગર્વ છલકાતો હતો.આજે આવા ખુબ ઓછા લોકો છે કે જેમને સનદી અધિકારીઓ માટે ગર્વ થાય. (પ્રતીકાત્મક ભાગરૂપે ફાઈલ તસ્વીર રજૂ કરવામાં આવી છે) (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)