Home News બહુચર્ચિત ડ્રગ્સ કેસમાં NCBએ શાહરુખના દીકરા આર્યન ખાનને આપી ક્લિન ચીટ, કહ્યું,...

બહુચર્ચિત ડ્રગ્સ કેસમાં NCBએ શાહરુખના દીકરા આર્યન ખાનને આપી ક્લિન ચીટ, કહ્યું, ‘એની પાસેથી કોઈ ડ્રગ્સ નહોતાં, આર્યન માટે અલગ બૉડીગાર્ડ!

Face Of Nation 27-05-2022 : ગયા વર્ષે ઑક્ટોબર મહિનામાં સૌથી વધુ ગાજેલા ક્રૂઝ શિપ ડ્રગ્સ કાંડમાં હવે ‘નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો’ (NCB)એ શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને ક્લીન ચિટ આપી દીધી છે. NCB શુક્રવારે મુંબઈની કોર્ટમાં 6 હજાર પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે. તેમાં આર્યન ખાન સહિત 6 વ્યક્તિઓને કોઇપણ જાતના પુરાવાના અભાવે ક્લીન ચિટ અપાઈ છે. યાને કે તેમનું નામ આ ચાર્જશીટમાંથી કાઢી નાખવામાં આવ્યું છે. જ્યારે અન્ય 14 આરોપીઓનાં નામ સામેલ કરવામાં આવ્યાં છે. કોર્ટમાં આ ચાર્જશીટ રજૂ કરવા માટે NCB વતી DDG સંજય સિંહ દિલ્હીથી મુંબઈ પહોંચ્યા છે. ગયા વર્ષે બીજી ઑક્ટોબરના રોજ ‘કોર્ડેલિયા’ ક્રૂઝ પર યોજાનારી પાર્ટીમાં NCB ત્રાટકી હતી અને ડ્રગ્સ રાખવાના આરોપસર આર્યન ખાન સહિત કુલ 20 લોકોની ધરપકડ કરી હતી. તેમાં સ્થળ પરથી 6 લોકોની ધરપકડ કરાઈ હતી. આ તમામ લોકોની (NDPS) ‘નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સિસ’ એક્ટ હેઠળ ધરપકડ કરાઈ હતી.
તેના બંને મિત્રોને ક્લિનચીટ નથી મળી
આર્યન ખાનની સાથે ક્લિનચીટ મેળવનારાઓમાં અવિન શાહુ, ગોપાલજી આનંદ, સમીર સાઇઘન, ભાસ્કર અરોડા અને માનવ સિંઘાનો સમાવેશ થાય છે. જ્યારે આર્યનના મિત્ર અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને ક્લીન ચિટ નથી મળી. NCBએ બહાર પાડેલી પ્રેસ રિલીઝમાં કહ્યું કે, ‘SITએ નિષ્પક્ષ રીતે તપાસ કરી છે. તેમાં NDPS એક્ટની વિવિધ કલમ હેઠળ 14 લોકોની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે છની સામે પૂરતા પુરાવાના અભાવે કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી.’
ત્રીજી ઓક્ટોબરે ધરપકડ થઈ હતી
ગયા વર્ષે બીજી ઓક્ટોબરના રોજ મુંબઈથી ગોવા જતી ‘કોર્ડેલિયા’ ક્રૂઝ શિપ પર NCBએ દરોડો પાડ્યો હતો. ક્રૂઝ શિપમાં યોજાનારી પાર્ટીમાં શાહરુખ ખાનનો દીકરો આર્યન પણ હાજર હતો. ક્રૂઝના ટર્મિન પરથી આર્યનની અટકાયત કરાઈ હતી અને 24 કલાકની પૂછપરછ બાદ આર્યનની ધરપકડ કરાઈ હતી. NCBના કહેવા પ્રમાણે તેમણે સ્થળ પરથી 13 ગ્રામ કોકેઇન, 5 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ, 21 ગ્રામ ચરસ અને MDMA એક્સટસી ડ્રગની 22 ગોળીઓ જપ્ત કરી હતી.
NCB ઑફિસની બહાર આર્યન ખાન
ધરપકડ બાદ એડિશનલ ચીફ મેટ્રોપોલિટવન મેજિસ્ટ્રેટે આર્યનની જામીન અરજી ફગાવી દીધી હતી. ત્યારે આર્યનને છોડાવવા માટે સ્પેશિયલ કોર્ટમાં અપીલ કરાઈ હતી, જે પણ 20મી ઓક્ટોબરે ફગાવી દેવાઈ હતી. આખરે 28મી ઓક્ટોબર, 2021ના રોજ મુંબઈ હાઇકોર્ટમાંથી આર્યન ખાનને જામીન મળ્યા હતા. ધીમે ધીમે મોટા ભાગના આરોપીઓને જામીનમુક્ત કરવામાં આવ્યા હતા.
ફટાકડા ફોડીને આર્યનનું સ્વાગત કરાયું, અલગ બૉડીગાર્ડ
28 દિવસ જેલવાસ ભોગવ્યા બાદ આર્યન ખાન ‘મન્નત’ આવ્યો હતો. આર્યન ખાન ઘરે આવતા જ મન્નતની બહાર ચાહકોની ભીડ જોવા મળી હતી. ચાહકોએ ઢોલ નગારા તથા ફટાકડા ફોડીને આર્યનનું સ્વાગત કર્યું હતું. આર્યન ખાન ઘરે આવવાનો હોવાથી શાહરુખ-ગૌરીના સંબંધીઓ પણ મન્નત આવ્યા હતા. તો બીજીતરફ ચર્ચા હતી કે શાહરુખ તથા ગૌરી ખાને આર્યન માટે પર્સનલ બૉડીગાર્ડ રાખવાનો નિર્ણય લીધો હતો. શાહરુખની સાથે જેમ બૉડીગાર્ડ રવિ પડછાયાની જેમ રહે છે, એ જ રીતે આર્યનની સાથે બૉડીગાર્ડ રહેશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).