Face Of Nation, 23-09-2021 : ગુજરાતના મુખ્યમંત્રી પદે બિરાજમાન અને માત્ર ઉદ્ઘાટનો કરનારા મુખ્યમંત્રીની છાપ ધરાવનાર નિષ્ફ્ળ વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યા બાદ નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થનાર ભુપેન્દ્ર પટેલે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મિટિંગમાં અધિકારીઓને અને નેતાઓને કડક શબ્દોમાં કહી દીધું કે, પ્રજાકીય કામો માટે હાજર રહો અન્યથા કાર્યવાહી માટે તૈયાર રહો. ભુપેન્દ્ર પટેલના કડક સ્વભાવને કારણે છેલ્લા ઘણા સમયથી જાડી ચામડીના બની ગયેલા અધિકારીઓમાં ફાફળાટ વ્યાપ્યો છે. વિજય રૂપાણી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમની અધિકારીઓ ઉપર પકડ નહોતી. અધિકારીઓને સત્તા સ્થાને રહેલા નેતાઓનો કોઈ પણ પ્રકારનો ડર જ નહોતો.
મુખ્યમંત્રી બન્યા બાદ પ્રજાના કામો જ જેના લક્ષય છે તેવા ભુપેન્દ્ર પટેલે એવો આદેશ કર્યો છે કે, હવે ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા મંત્રીઓ અને અધિકારીઓએ સોમવારે અને મંગળવારે પ્રજા માટે હાજર રહેવું પડશે અને કોઈપણ વ્યક્તિ કે ધારાસભ્ય આવે તો તેને સરળતાથી મળીને તેને સાંભળીને તેના કામ કરવા પડશે. આ નિર્ણય અંગેની વિગતો આપતા રાજ્ય સરકારના પ્રવક્તા અને રાજ્યના મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે રાજ્યના દૂર દૂરના વિસ્તારોમાંથી ધારાસભ્યો અને નાગરિકો પોતાના પ્રશ્નોની રજૂઆતો માટે ગાંધીનગર આવે ત્યારે તેમને મંત્રીઓ અને અધિકારીઓ મળી શકે અને ધક્કા ન ખાવા પડે તે માટે સોમવાર અને મંગળવારના રોજ તમામ મંત્રીઓ અને તમામ વિભાગના અધિકારીઓએ ફરજિયાત પોતાના કાર્યાલયમાં હાજર રહેવું પડશે અને મુલાકાત આપશે.
ભુપેન્દ્ર પટેલ એક એવા વ્યક્તિ છે કે જે હંમેશા પ્રજાની વચ્ચે અને પ્રજાકીય કામોમાં અગ્રેસર રહ્યા છે. તેઓ ગમે તે રાજકીય પદ ઉપર રહ્યા પણ પ્રજા સાથે જોડાઈને જમીની હકીકત જાણનારા વ્યક્તિ રહ્યા છે અને એટલે જ ભાજપે પાટીદાર અનામત આંદોલન બાદની ચૂંટણીમાં ઘાટલોડિયા વિધાનસભા ઉપરથી તેમને મેદાને ઉતાર્યા હોવા છતાં તેઓ ગુજરાતમાં સૌથી વધુ લીડથી જીતનારા ધારાસભ્ય બન્યા હતા. કેમ કે, પાટીદારોમાં પણ તેઓનું નેતૃત્વ સ્વચ્છ અને નિર્વિવાદી રહ્યું છે. પાટીદારનો કોઈ પણ સમાજ હોય ભુપેન્દ્ર પટેલની વિરુદ્ધમાં ક્યારેય કોઈ બોલ્યું નથી કે વિરોધમાં ઉતરતું પણ નથી કેમ કે સૌ કોઈ જાણે છે કે ભુપેન્દ્ર પટેલનું વ્યક્તિત્વ કોઈ પણ જાતના પક્ષપાત વિનાનું છે અને સૌને સાથે લઈને ચાલનાર છે. ભુપેન્દ્ર પટેલે તેમના રાજકીય કાર્યકાળ દરમ્યાન તેમના દરવાજે ગયેલા તમામ લોકોને મદદ કરી છે. પ્રજાકીય કામોમાં હંમેશા અગ્રેસર રહીને અધિકારીઓ પાસે કામ કરાવ્યું છે.
આ નિર્ણયને કારણે ધારાસભ્યોએ પણ હવે સમજી જવું પડશે કે, પ્રજાની પડખે રહીને કામ કર્યા વિના છૂટકો નથી. અંતરિયાળ વિસ્તારોમાંથી કામ માટે ગાંધીનગર સુધીના ધક્કા ખાતી પ્રજાના કામોને પ્રાથમિકતા આપવી પડશે અને પ્રજાના સેવક તરીકે કામ કરવું પડશે. તેમણે જણાવ્યું હતું કે ભૂતકાળમાં એવું ધ્યાન પર આવેલું છે કે ધારાસભ્યો તેમની રજૂઆત માટે વિભાગના અધિકારીઓ પાસે જાય ત્યારે તેમને અધિકારીઓ બહાર બેસાડી રાખતા હતા. આથી હવે સોમવાર અને મંગળવારના રોજ ધારાસભ્યો તેમની રજૂઆત માટે વિભાગના અધિકારીઓ પાસે જાય ત્યારે અધિકારીઓએ માનપૂર્વક સરળતાથી તેમને બોલાવવાના રહેશે અને તેમના કાર્યાલયની બહાર બેસાડી નહીં રાખી શકે. હવેથી ધારાસભ્યો તેમની રજૂઆતો માટે અધિકારીઓની ચેમ્બરમાં સીધા જ ઘૂસી જઈ શકશે.
આ નિર્ણય માત્ર સોમવાર અને મંગળવાર પૂરતો જ છે, બાકીના દિવસોમાં વિભાગના અધિકારીઓની મુલાકાત માટે એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. અધિકારીઓ સૂચનાઓનું પાલન નહીં કરે તો તેમની સામે પગલા લેવાશે કે કેમ? તેવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
કોરોનાથી થયેલા મોત માટે વળતર નક્કી કરાયું, પીડિત પરિવારને મળશે 50 હજાર