Home News ઘટના બાદ જાગ્યા સીએમ : હવે ચકાસણી કર્યા બાદ જ રાઈડને મંજૂરી...

ઘટના બાદ જાગ્યા સીએમ : હવે ચકાસણી કર્યા બાદ જ રાઈડને મંજૂરી આપવા આદેશ કર્યો

Face of Nation:અમદાવાદ કાંકરિયાના બાલવાટિકામાં મેન્ટેનન્સની બેદરકારીના કારણે ડિસ્કવરી નામની રાઇડ તુટી પડતાં 2 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 29 લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. રાઈડની દુર્ઘટના મેઈન્ટન્સને પગલે સર્જાઈ હોવાનું પ્રાથમિક રીતે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું. ત્યારે આ પ્રકારની દુર્ઘટના ફરીથી ન સર્જાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સતર્કતા અને ચકાસણી કર્યા બાદ મંજૂરી આપવાની સૂચના આપી છે. સાથે જ દુર્ઘટના પાછળ જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચના આપી દેવામાં આવી છે.

જવાબદાર સામે કડક કાર્યવાહી થશે: મુખ્યમંત્રીએ રાજ્યમાં ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ઘટે નહિ તેની સતર્કતા રાખવાની સૂચના આપતાં કહ્યું કે, ગુજરાતમાં અનેક સ્થળોએ એમ્યુઝમેન્ટ-એન્ટરટેઇનમેન્ટ પાર્કમાં આવી રાઇડસ ચાલતી હોય છે. એટલું જ નહિ, આવનારા દિવસોમાં જન્માષ્ટમીના લોક મેળાઓ પણ યોજાશે ત્યાં પણ આવી નાની-મોટી રાઇડસ આવતી હોય છે. આવી રાઇડસના પરિણામે કોઇની જિંદગી જોખમાય નહિ તેમજ દુર્ઘટનાઓ થાય નહિં તે માટે પૂરતી ચકાસણી સાથે મંજૂરી આપવામાં આવે તેમજ વખતો વખત ઇન્સ્પેકશન થાય એવી ઝીણવટભરી તકેદારી ધ્યાનમાં લઇ પગલાં ભરવામાં આવશે. મુખ્યમંત્રીએ અમદાવાદની રાઇડ દુર્ઘટના સંદર્ભમાં સંચાલકો સામે પૂરતાં પગલાં રાજ્ય સરકારે લીધા છે તેની પણ જાણકારી આપી હતી.