ફેસ ઓફ નેશન, 12-04-2021 : હાઇકોર્ટે કોરોનાના સતત વધતા જતા કેસો અને ચિંતાજનક પરિસ્થિતિ ધ્યાને લઈ સુઓમોટો રિટ દાખલ કરીને રાજ્ય સરકારને કડક સૂચનો કર્યા અને સરકારની કામગીરી અંગે આકરા શબ્દોમાં ઝાટકણી પણ કાઢી. જેને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રજા જોગ સંદેશ જાહેર કર્યો. વાત વાતમાં મને વિશ્વાસ છે અને હું સ્પષ્ટપણે માનું છું તેવું રટણ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી હજુ એમ સ્વીકાર કરવા તૈયાર નથી કે ગુજરાતમાં કોરોના સરકારની જ કેટલીક ભૂલોના કારણે વકર્યો છે. બધામાં ગુજરાતની વાહવાહી કરો છો કે ગુજરાતે આમ કર્યું ગુજરાતે તેમ કર્યું તો પછી કેસો વધ્યા કેમ ? એટલે તમારો કહેવાનો મતલબ એમ તો નથી ને કે, સરકારે તો બધું સારું જ કર્યું છે પરંતુ પ્રજાની બેદરકારીને લીધે જ કોરોના વકર્યો છે ?
હાઇકોર્ટે સૂચનો કર્યા તે જ મુખ્યમંત્રીએ જાહેર કર્યા હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. પ્રજાજોગ સંદેશ આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, હાઇકોર્ટમાં સુનાવણી હતી જેમાં સરકાર વતી એડવોકેટ જનરલ હાજર હતા. સરકાર દ્વારા કરાયેલી કામગીરીની માહિતી આપવામા આવી હતી.14મી એપ્રિલના રોજ સરકારે કામગીરી કરી એની એફિડેવિટ કરવા હાઇકોર્ટે કહ્યું છે.હાઇકોર્ટે કેટલાક સૂચનો કર્યા છે. એપ્રિલ-મેના તમામ તહેવારો પર પ્રતિબંધ મુકવામાં આવે છે. રાજકીય, સામાજિક, જન્મદિવસ વગેરે તેમજ જાહેરમાં તહેવારની ઉજવણી કરવા દેવાશે નહીં. જ્યારે 14 એપ્રિલથી લગ્નમાં 50 લોકો જ હાજર રહી શકશે. સરકારી, અર્ધ સરકારી અને ખાનગી ઓફિસમાં 50 ટકા લોકોએ જ કામ કરી શકશે.
ગુજરાતમાં નવા કેસો રોજે રોજ નવા રેકોર્ડબ્રેક કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 6 હજારને પાર થયો છે અને ઓલટાઈમ હાઈ નવા કેસ નોધાયા છે. છેલ્લા 24 કલાકમાં 6021 નવા કેસ નોંધાયા છે અને 2854 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અમદાવાદ શહેરમાં 20, સુરત શહેરમાં 18 , વડોદરા શહેરમાં 7 , રાજકોટ શહેરમાં 4 , રાજકોટ જિલ્લામાં 2, ભરૂચ, બોટાદ, સાબરકાંઠા અને સુરત જિલ્લામાં 1-1 મળી કુલ 55 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)