Face Of Nation:મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકાર દ્વારા નર્મદા નદીમાં છોડવામાં આવી રહેલા પાણી પર અંકુશ મૂકવાની ચીમકીને લઈ રાજકારણ ગરમાઈ ગયું છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, કોંગ્રેસના નેતા બુધેલે રાજકીય બદઈરાદાવાળું નિવેદન કર્યુ છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી એ વાતને દોહરાવી રહ્યા છે. માત્ર ને માત્ર એક હતાશ અને નિરાશ કોંગ્રેસ અને તેની સરકારો રાજકીય વૃત્તિથી, રાજકીય બદઈરાદાના કારણે આવા નિવેદનો કરી રહી છે. લોકસભા ચૂંટણીમાં મળેલી હારનો તેઓ સહન નથી કરી શકતા. રાજકીય રીતે મૂલવીને લોકોનું અહિત કરવાની નીતિ આમાં ફલિત થાય છે.
ગુજરાતના મુખ્યમંત્રીએ કહ્યું કે, ભૂતકાળમાં પણ કોંગ્રેસે ડેમ પૂરો કરવા અને દરવાજા મૂકવાની મંજૂરી નહોતી આપી. હું ચેતવવા માંગું છું કે, મહેરબાની કરીને નર્મદાના પાણીની પ્રશ્ને કોઈ રાજકારણ ન રમે. તેમાં જનતાનું હિત પણ નથી. તેમને માહિતીનો સંપૂર્ણ અભાવ છે અને બાલિશ નિવેદનો છે. નર્મદા પાણીની વહેંચણી ટ્રીબ્યૂનલ નક્કી કરે તે મુજબ કરવામાં આવે છે. ચાર રાજ્યો સાથે તે જોડાયેલી છે. નર્મદા કન્ટ્રોલ ઓથોરિટી મુજબ પાણીની વહેંચણી 2024 સુધી કોઈ જ ફેરફારને અવકાશ નથી. બાદમાં પુન: વિચાર માટે ઓથોરિટી બેસે ત્યારબાદ જ નિર્ણય લેવામાં આવે છે. હું એમ માનું છું કે પાણી નહીં છોડીએ તેવી વાત તેમને શોભતી નથી.