Face Of Nation Special Report (Dhaval Patel) : વિશ્વ કોરોનાના કેરમાં સપડાઈ ચુકયુ છે અને તમામ દેશો પોતપોતાના રીતે આ મહામારીનો સામનો કરવામાં લાગેલા છે ત્યારે ભારતમાં પણ કોરોનાના કેસો 900નો આંક વટાવી ચુક્યા છે અને મૃતકઆંક 25 થયો છે. ગુજરાતમાં પણ રવિવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજ્યું છે. આ વ્યક્તિ ડાયાબિટીસની બીમારીથી પીડાતો હતો. આજના મોત સાથે ગુજરાત રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારનો આંકડો 5 પર પહોંચ્યો છે.
દિવસે દિવસે લોકોને કોરોનાના કેસો વધવાની અને મૃત્યુઆંકને લઈને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે સાથે જ આ મહામારીથી ડર પણ અનુભવી રહ્યા છે. જો કે ગુજરાત સહીત અનેક રાજ્યોમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોની પરિસ્થિતિ અંગે જાણીએ તો, આ લોકો કોઈક ને કોઈક બીમારીથી પીડાતા હતા. આ લોકોમાં મોટાભાગના તમામ મૃતક દર્દીઓ કોરોના અગાઉ ડાયાબીટીશ, કિડની, શ્વાસ, જેવી બીમારીઓથી પીડાતા હતા. આ તમામ લોકોની રોગપ્રતિકારક શક્તિ પણ નબળી હોવાનું મનાઈ રહ્યું છે. જયારે કોઈ પણ વ્યક્તિ રોગીષ્ટ બને છે ત્યારે તે રોગ વ્યક્તિના શરીર ઉપર કેવી અસર કરશે તે રોગપ્રતિકારક શક્તિ ઉપર આધારિત છે. જો કોઈની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો તેને સાજા થવામાં વાર લાગશે પરંતુ જો તેની રોગપ્રતિકારક શક્તિ સારી હોય તો તે જલ્દીથી સાજો થઇ જશે. તેવી જ રીતે કોરોના વાઇરસના ચેપથી માણસ મૃત્યુ જ પામે છે એવું નથી ઘણી નોંધપાત્ર સંખ્યામાં લોકો સાજા થયા છે અને હાલમાં તેઓ તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં બનેલા તમામ કુલ પાંચ મોતના કિસ્સાને અહીં આપની સમક્ષ વિગતવાર રજૂ કરી રહ્યા છીએ.
રાજ્યમાં પ્રથમ મોતનો કિસ્સો :
ગુજરાતમાં કોરોનાથી સુરતમાં પ્રથમ મોત થયું હતું. સુરતમાં 67 વર્ષના વૃદ્ધનું કોરોનામાં મોત થયુ હતું. અઠવાલાઇન્સનાં વૃદ્ધ હોસ્પિટલમાં દાખલ હતા. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોના પહેલાં પણ કિડની ફેઇલ થઇ હતી. તપાસ દરમ્યાન સામે આવ્યું હતું કે, મૃતક વૃદ્ધ અસ્થમાની બિમારીથી પણ પીડાતા હતા
રાજ્યમાં બીજો મોતનો કિસ્સો :
બીજું મોત ગુજરાતમાં 85 વર્ષના વૃદ્ધાનું અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં નીપજ્યું હતું. મૃતક અમદાવાદની જ મહિલા હતી અને સાઉદી અરેબિયામાં મક્કા-મદિનાથી 14 માર્ચે ભારત પરત ફર્યા હતા. 8 દિવસ ઘરે રહ્યા બાદ 22 માર્ચે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. તપાસ દરમ્યાન સામે આવ્યું હતું કે, મૃતક અન્ય શારીરિક તકલીફોથી પણ પીડિત હતાં.
રાજ્યમાં ત્રીજો મોતનો કિસ્સો :
ત્રીજું મોત ભાવનગરમાં થયું હતું. જેમાં કોરોના પોઝિટિવ કેસના દર્દી એવા કરચરિયા પરાના 70 વર્ષીય વૃદ્ધઆ રોગનો ભોગ બન્યા હતા. તેઓ સર ટી હોસ્પિટલમાં છેલ્લા 14 દિવસથી ક્વોરેન્ટાઈન હતા. તેઓ દિલ્હીથી પ્રવાસ કરીને ભાવનગર આવ્યા હતા. તપાસ દરમ્યાન સામે આવ્યું હતું કે, આ દર્દી બ્લડ પ્રેશર અને અન્ય તાવ સહિતના રોગોથી પીડીત હતા.
રાજ્યમાં ચોથો મોતનો કિસ્સો :
અમદાવાદ શહેરમાં આવેલી એસવીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી 46 વર્ષની મહિલાનું મોત નીપજ્યું હતું. અમદાવાદ શહેરમાં આ બીજું મોત નોંધાયું હતું. આ મહિલા 26મી માર્ચથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી અને વેન્ટિલેટર પર રખાઈ હતી. તપાસ દરમ્યાન સામે આવ્યું હતું કે, આ દર્દી હાઈપરટેન્શન અને ડાયાબિટીસથી પીડિત હતા.
કોરોનાના કારણે ગુજરાતમાં પાંચમું મોત :
ગુજરાતના અમદાવાદમાં જ ત્રીજું મૃત્યુ રવિવારે થયું હતું જેની સાથે સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીનો કુલ મૃતકઆંક પાંચ થયો હતો. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજ્યું હતું. તપાસ દરમ્યાન સામે આવ્યું હતું કે, આ દર્દી ડાયાબિટીસની બીમારીથી પણ પીડાતો હતો.