Face Of Nation : કોરોનાના કહેર વચ્ચે ભારત સરકારે દેશવાસીઓ માટે સહાયની જાહેરાત કરી છે. લોકડાઉનના 36 કલાક પછી સરકારે સહાયની જાહેરાત કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, દેશમાં કોઈ ભૂખ્યું ન સુવે તેનું ધ્યાન રાખવામાં આવશે અને તમામ જરૂરિયાતમંદોને સહાય કરવામાં આવશે. નિર્મલા સીતારામને દેશવાસીઓ માટે 1 લાખ 70 હજાર કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. સાથે જ આ મહામારી સમયે ફરજ બજાવનારા સરકારી કર્મચારીઓ માટે 50 લાખનું વીમા કવચ પૂરું પાડવાની જાહેરાત કરવામાં આવી છે જેનો આશરે 20 લાખથી વધુ કર્મચારીઓને લાભ મળશે. દર મહિને વ્યક્તિ દીઠ એક કિલો વિનામૂલ્યે દાળ આપવામાં આવશે. દર મહિને પાંચ કિલો વિનામૂલ્યે ઘઉં આપવામાં આવશે. 8 કરોડ 17 લાખ ખેડૂતોને 2000 રૂપિયાની રોકડ સીધી ખાતામાં જમા આપવામાં આવશે. વિધવા, સિનિયર સીટીઝન તેમજ અપંગ વ્યક્તિઓને ત્રણ મહિના સુધી 1 હજાર રૂપિયા સીધા ખાતામાં જમા આપવામાં આવશે.મનરેગામાં દૈનિક મજૂરી 182 રૂપિયાથી વધારીને 200 રૂપિયા કરવામાં આવી છે. 5 કરોડ પરિવારોને ફાયદો થશે. ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને આગામી ત્રણ મહિના માટે મફતમાં સિલિન્ડર આપવામાં આવશે. 8 કરોડથી વધુ મહિલાઓને ફાયદો થશે.પ્રોવિડન્ટ ફન્ડ સ્કીમ રેગ્યુલેશનમાં અમેન્ડમેન્ટ કરવામાં આવશે. ઓર્ગેનાઇઝ્ડ સેક્ટરમાં કર્મચારીઓ તેમના પીએફનું 75 ટકા એડવાન્સમાં લઇ શકે છે. 75 ટકા એડવાન્સ અથવા ત્રણ મહિનાનો પગાર, બેમાંથી જે ઓછું હોય તે લઇ શકે છે.સંગઠિત ક્ષેત્રમાં જ્યાં 100થી ઓછા કર્મચારી છે અને જેનો પગાર 15 હજાર કે તેનાથી ઓછો છે તેમના બે મહિના સુધીના પીએફની રકમ સરકાર જમા કરશે. પીએફમાં 12 ટકા રકમ કંપની અને 12 ટકા રકમ કર્મચારી દ્વારા એડ થાય છે. આ રીતે 24 ટકા રકમ સરકાર ભરશે. તેમાં 4 લાખથી વધુ સંસ્થાઓના કર્મચારીઓને લાભ મળશે.