Face Of Nation, Rajkot : કોરોના વાયરસે વિજ્ઞાનને માથું ખંજવાડતું કરી દીધું છે. વિશ્વમાં ચારે તરફ આ વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે અને લોકો ડરના માર્યા રીતસર ફફડી રહ્યા છે ત્યારે સમગ્ર વિશ્વના ધાર્મિક સ્થાનોને પણ બંધ કરાવી દેવાની ફરજ પડી છે. આ વાઇરસ એકબીજાના સ્પર્શથી ફેલાય છે તેથી મંદિરોમાં ભીડ એકઠી થાય અને એકબીજાના સ્પર્શથી વધુ ન ફેલાય તે હેતુથી મંદિરો સહીત તમામ ધાર્મિક સ્થાનો બંધ કરાવી દેવાની ફરજ પડી છે. ગુજરાતના રાજકોટમાં રહેતા પ્રદ્યુમ્ન શુક્લા નામના વ્યક્તિનો નરેન્દ્ર મોદીને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ પત્રમાં પ્રદ્યુમન શુક્લા પોતે સૂર્યલોક, ચંદ્રલોક, દેવયોની, નક્ષત્રના પુરા વિજ્ઞાનના જાણકાર હોવાનું જણાવ્યું છે. અને તેઓએ વધુમાં જણાવ્યું છે કે, તેઓ પોતે તેમની આધ્યાત્મિક શક્તિથી પૃથ્વી પર કોરોના વાયરસ 4 દિવસમાં દૂર કરી દેશે, 14 દિવસમાં ઉદભવ બિંદુ ચાઈનામાં નિવાસ કરવો પડે. આ મહાશયે આ પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, અલનૈનો વાવાઝોડું તેઓએ દૂર કરી ભારતમાં ત્રણ વખત વરસાદ વરસાવ્યો હતો, જેથી 14 દિવસ અનુષ્ઠાન કરવા માટે ચાઈના ખાતે વ્યવસ્થા કરી આપવા તેઓએ વિનંતી કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને લખાયેલો પત્ર
ઉલ્લેખનીય છે કે, કોઈ પણ રોગ કે તકલીફ આવે એટલે જ્યોતિષો, તાંત્રિકો, ભુવાઓ તેમની હાટડી ચલાવવાના પેંતરા શોધી કાઢે છે અને લોકો આવા ભૂવાઓ, તાંત્રિકો, જ્યોતિષીઓ પાસે જઈને દોરા ધાગા પણ બંધાવે છે. ગુજરાતમાં અનેક એવા ભુવા ઉતરી પડ્યા છે કે જેઓ કોરોના ન થાય એના માટે દોરા ધાગા કરી આપે છે. ખેર ! ગુજરાતીમાં એક કહેવત સદાય અમર રહેવાની છે કે, શ્રદ્ધાનો જો હો વિષય તો પુરાવાની શી જરૂર છે.