મનપામાં ભાજપનાં કોર્પોરેટર રચનાબેન નંદાણિયાની ધોકાવાળી
Face Of Nation:જામનગર:શહેરનાં તળાવની પાળ વિસ્તારમાં રેકડી અને પાથરણાંવાળા નાના ધંધાર્થીઓને જગ્યા રોકાણ વિભાગ દ્વારા હેરાન-પરેશાન કરવામાં આવતા હોવાની ફરિયાદ બાદ આજે ભાજપના કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ રણચંડીનું રૂપ ધારણ કરી કમિશનરની ચેમ્બરમાં લાકડીઓ વિંઝતા સનસનાટી મચી ગઈ હતી. જો કે અગાઉ અમદાવાદમાં ભાજપના ધારાસભ્ય પછી રાજકોટમાં ભાજપના કોર્પોરેટરની મહિલાઓ પર દબંગગીરી કરી ચુક્યાના કિસ્સા હજુ તાજા જ છે. ત્યાં ફરી અહીંયા સત્તાના મદમાં મહિલા કોર્પોરેટરે જ સરકારી ઓફિસર પર દબંગગીરી કરતા જોવા મળ્યા હતા.
રેકડીવાળાઓને શું કામ હેરાન કરો છો?
મળતી માહિતી અનુસાર મનપામાં આજે બપોરે સાડા બાર વાગ્યે મનપામાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં વોર્ડ નંબર 4ના કોર્પોરેટર રચનાબેન રૌદ્રરૂપમાં આવી ગયા હતા અને મનપા સંકુલમાં હાથમાં લાકડી લઈ સીધા જ આસી.કમિશનર મુકેશ વરણવાની ચેમ્બરમાં લાડકી લઈને પહોંચી ગયા હતા. આસી.કમિશનર કંઈ સમજે-વિચારે એ પહેલાં જ રચનાબેને ટેબલ પર પડેલી ફાઈલો પર લાકડી વિંઝવાનું શરૂ કરી રેકડીવાળાઓને શું કામ હેરાન કરો છો? કહી ગુસ્સો ઉતાર્યો હતો.
કોર્પોરેટરે કમિશનર સતીષ પટેલને ફરિયાદ કરી
વધુમાં આટલેથી જ નહીં અટકતા રચનાબેન એસ્ટેટ વિભાગ અને આસી, કમિશર મુકેશ વરણવાની નીતિ-રીતિ અંગે ફરિયાદ કરવા માટે સીધાં જ કમિશનર સતીષ પટેલની ચેમ્બરમાં પહોંચી ગયા હતા. જો કે પરિસ્થિતિ પામી ગયેલા કમિશનરે કોર્પોરેટર રચનાબેર નંદાણિયાને શાંત પાડી જે કંઈ પણ પ્રશ્ન હોય તેનો ઉકેલ લાવવા હૈયાધારણ આપી હતી. જો કે રચનાબેનની દંબગાઈ સ્ટાઈલથી આસી.કમિશનર વરણવાની ચેમ્બરમાં લાકડીઓ વિંઝવાને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે.