Face Of Nation, Ahmedabad : કોરોના વાયરસે આખા વિશ્વને તેના ભરડામાં લઈને લોકોને ઘરમાં કેદ થવા મજબુર બનાવી દીધા છે ત્યારે આ કોઈ રાજકીય શતરંજ હોય કે ઈલેક્શન હોય અને જીતી ગયા હોઈ પ્રજાનો આભાર માનવાનો હોય તેમ સત્તાધારી ભાજપના કોર્પોરેટરે સોશિયલ મીડિયામાં લોકોનો આભાર માનતી પોસ્ટ વાયરલ કરી હતી. કોરોના રોગના કારણે અનેક લોકો મૃત્યુ પામી રહ્યા છે, દિવસે દિવસે આ રોગ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં વધી રહ્યો છે ત્યારે તેને અટકાવવા જરૂરી પગલાં ભરવા જોઈએ અને તેના માટે પ્રજાએ સરકારી જાહેરાતમાં સાથ સહકાર આપવો તેમના હિતમાં છે. સમગ્ર વિશ્વ જયારે કોરોનાના કેરની બુમરાણ મચાવી રહ્યું છે ત્યારે ભારતમાં આ રોગ વધુ ન ફેલાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનતા કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી હતી અને દેશના લોકોએ આ મહામારીથી પોતાની જાતને બચાવવા સ્વેચ્છાએ તૈયારી દર્શાવી હતી ત્યારે ગોતા વોર્ડના કોર્પોરેટર દિનેશ દેસાઈએ આ દિવસે પ્રજાનો આભાર માનીને પોતાની સસ્તી પબ્લિસિટી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સ્થાનિકોએ કોર્પોરેટરની આ પોસ્ટ બદલ વિરોધનો ગણગણાટ શરૂ કરી દીધો હતો. કોર્પોરેટરે આવા સમયે નાગરિકોનો આભાર માનવાને બદલે વિસ્તારમાં દવા છંટકાવ કે અન્ય એવી કોઈ કાર્યવાહીમાં આગળ આવવું જોઈએ જેનાથી આ રોગને ફેલાતો અટકાવી શકાય. આ એક દિવસના જનતા કર્ફયુથી કાંઈ આ રોગ અટકી નથી જતો કે કોર્પોરેટરે જનતાનો આભાર માનવો પડે. ગોતા વોર્ડના કોર્પોરેટરે ઉન્માદમાં આવીને પ્રજાનો આભાર માનતી કરેલી આ પોસ્ટને લઈને લોકોમાં ભારે ચર્ચા ઉઠી છે.