Home Uncategorized “ક્રાઈમ બ્રાન્ચ”નું નામ બદલીને “ભાજપ બ્રાન્ચ” કરી દેવું જોઈએ,જ્યાં ખાખીની આડમાં તંત્રની...

“ક્રાઈમ બ્રાન્ચ”નું નામ બદલીને “ભાજપ બ્રાન્ચ” કરી દેવું જોઈએ,જ્યાં ખાખીની આડમાં તંત્રની કઠપૂતળીઓ કાર્ય કરે છે !

Face Of Nation 29-03-2025 : અમદાવાદ ક્રાઈમબ્રાન્ચમાં સત્તાધારી પક્ષના ઈશારે કામગીરી કરવામાં આવે છે. અહીં સરકાર કે તંત્રના વિરુદ્ધમાં અવાજ ઉઠાવનારાઓ વિરુદ્ધ ગુનાઓ નોંધવામાં આવે છે અને “સર્વિસ” કરવામાં આવે છે. નગ્ન અને કડવી સચ્ચાઈ છે કે, ક્રાઈમબ્રાન્ચમાં સરકારના ઈશારે ગમે તેને ફિટ કરી દેવાનું કાર્ય અને કૌભાંડ ચાલે છે. જે કૌભાંડમાં માત્ર નેતાઓ અને પોલીસ અધિકારીઓ સંડોવાયેલા છે. ગુજરાતમાં મોટાભાગની તમામ ક્રાઇમ બ્રાન્ચમાં સરકારના ખાસ અને જીહજૂરી કરનારા અધિકારીઓને જ મુકવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તો તમામ પ્રકારની હદો વટાવી નાખી છે. ગમે તેને સરકારના ઈશારે પકડીને ધાકધમકીઓ આપીને, ખોટા કેસો કરીને બસ ખાખીની આડમાં ગુંડાગીરીનું જ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ખરેખર તો ક્રાઈમબ્રાન્ચનું નામ બદલીને ભાજપ બ્રાન્ચ કરી દેવું જોઈએ કેમ કે અહીં તંત્ર સરકારી સંસાધનોનો ઉપયોગ કરીને લોકો ઉપર નજર રાખે છે અને સરકાર કે ભાજપ વિરુદ્ધ બોલનાર કે લખનારને લાવીને ડરાવી ધમકાવીને ગુનો નોંધીને તેની ઉપર સરકારી ધાક જમાવે છે.
ખાખીની આડમાં ભાજપની કઠપૂતળીઓ બનીને કામ કરનારા અધિકારીઓનું લાંબુ લિસ્ટ છે. આવા અધિકારીઓ કે કર્મચારીઓ બસ સરકાર અને નેતાઓને કેમેય કરીને વ્હાલા થવાના કાર્યો કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નવજીવનના પત્રકાર પ્રશાંત દયાળ ઉપર ધાક જમાવીને તેમનો અવાજ બંધ કરવાનો પ્રયાસ કર્યો છે, આ કાર્ય પ્રથમવાર નથી થયું. અગાઉ પણ ઘણી વાર પ્રશાંત દયાળ ઉપર ખોટા ગુનાઓ નોંધીને તેમનો અવાજ કાયમ માટે બંધ કરવાના આયોજનો થયા પરંતુ તે ક્યારેય સફળતા સુધી ન પહોંચી શક્યા. ગુંડાઓ અને દારૂ વેચનારાઓની જી હજુરી કરવામાં આવે છે કેમ કે ત્યાંથી વહીવટ રૂપી ખર્ચાઓ મળે છે અને તેમની વિરુદ્ધ લખનાર ઉપર તપાસ બેસાડવામાં આવે છે. શરમ કરો પોલીસ ખાતાના અધિકારીઓ કેમ કે, તમે હવે નમાલા બની ગયા છો. તમારી વર્દીનો ઉપયોગ કરીને તમે કોઈને ખોટી રીતે દબાવી રહ્યા છો બાકી તમારામાં ખુમારી કે સત્યતા જેવું કશું જ નથી. આ વાત કડવી છે પણ સ્વીકારવી પડશે કે, તમે ખાખીની આડમાં સરકારી ગુંડાની જેમ કામ કરી રહ્યા છો.
પ્રશાંત દયાળને દારૂના અડ્ડાના એક સમાચાર માટે અમદાવાદ પોલીસે તેમની પાંચ કલાક પૂછપરછ કરી. ખરેખર પોલીસ માટે આ એક શરમજનક કૃત્ય છે. કૃત્ય એટલા માટે કે આ કોઈ સારી કે વખાણવા લાયક કામગીરી નથી. નવજીવન ન્યૂઝ પર એક સમાચાર પ્રકાશિત થયા હતા, જેમાં અમદાવાદના ગોમતીપુરમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યા હોવાની જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ તેમની ઉપર ઉચ્ચ IPS અધિકારીઓના ફોન આવવાના ચાલુ થયા અને ત્યારબાદ અમદાવાદ પોલીસ કમિશનરે એક તપાસ બેસાડી હતી અને તેને લઈને પાંચ કલાક સુધી તેમની પૂછપરછ થઈ. આ પોલીસ કર્મચારીઓએ ખરેખર તો ખાખીનો ત્યાગ કરીને ભાજપનો ખેસ ધારણ કરી લેવો જોઈએ જેનાથી ખાખીની ઈજ્જત અને આબરૂ તો ના જાય. આ સમગ્ર મામલે પ્રશાંત દયાળે જણાવ્યું હતું કે, તેમને એક નનામો પત્ર મળ્યો હતો, જે પત્રના આધારે સ્ટોરી કરવામાં આવી હતી. જેનું શીર્ષક હતું- ‘અમદાવાદના ગોમતીપુરમાં 60થી વધુ દારૂ-જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે, આવો મહિલાએ કર્યો દાવો.’ જોકે તેમણે સાથે એમ પણ કહ્યું કે પોતે વિડીયોમાં જણાવ્યું હતું કે પત્ર સાચો છે કે ખોટો એ તેમને ખબર નથી.
પોલીસ કાયદાની રક્ષક છે નહિ કે નેતાઓની ગુલામ. ભારત દેશ આઝાદ થયો પણ હજુયે તંત્ર કે તંત્રના અધિકારીઓ નેતાઓની ગુલામીમાં જીવી રહ્યા છે. જો તમારામાં દેશ સેવા કે કાયદાનું તટસ્થ પાલન કરાવવાની ખુમારી જ ન હોય તો કોઈ પણ સરકારી ખાતામાં જોડાતા પહેલા સો વાર વિચાર કરજો. જો ભણીગણીને કે સરકારી નોકરી મેળવીને  નેતાઓના તળિયા જ ચાટવા હોય તો તે પક્ષના કાર્યકર બનીને પક્ષની દલાલી કરજો બાકી પોલીસ કે અન્ય સરકારી ખાતાઓનો સહારો લઈને મહેરબાની કરીને કાયદો વ્યવસ્થાને લાંછન લગાવવાનું બંધ કરી દો. હવે આ લેખ સામે પણ તપાસ ચાલુ કરી દેવામાં આવશે અને ફરી પાછું આ લેખના લખનાર ઉપર કેમ કરીને પોલીસ કેસ કરવો તેની મિટિંગો અને આદેશો છૂટવા લાગશે પરંતુ ફેસ ઓફ નેશન નીડર છે, હતું અને રહેશે. ગમે તેટલા કેસો થશે પણ સત્ય તો લખાશે જ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો).

શંકરસિંહ એક ફૂટેલી કારતુસ, જે કાયમ ચૂંટણી ટાણે બૂમબરાડા પાડે છે છતાં તેનાથી કશું ઉપજતું નથી ! – Face of Nation

GSTના અધિકારીઓ લાખ્ખોના વહીવટો કરી છે, ઊંઝાના કૌભાંડી પ્રબોધ શર્માએ અનેક ઘટસ્ફોટ કર્યા – Face of Nation