Face Of Nation 03-05-2022 : રાજસ્થાનના જોધપુરમાં ઈદ પર હિંસા બાદ તણાવભર્યું વાતાવરણ છે. તંત્રએ બુધવાર સુધી જોધપુરના 10 વિસ્તારમાં કરફ્યુ લગાવી દીધો છે. આ તરફ લોકોએ સુરસાગર વિસ્તારમાં ધારાસભ્યના ઘરની બહાર આગ લગાવી હતી. બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ઘટના અંગે રિપોર્ટ માગ્યો છે. રાજસ્થાનના જોધપુરમાં સોમવારે રાત્રે લગભગ 11:30 વાગ્યે ઝંડા-લાઉડસ્પીકર લગાવવાને લઈને બે સમુદાય સામસામે આવી ગયા હતા. આ દરમિયાન બંને પક્ષે અહીં જાલોરી ગેટ ચોકડી પર મોડી રાત્રે પથ્થરમારો કર્યો હતો. જ્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો, ત્યારે એક સમુદાયે પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો, જેમાં 4 પોલીસકર્મી ઘાયલ થયા છે.
1300 પોલીસકર્મીઓ તહેનાત કરાયાં
જોધપુરના ઘણા વિસ્તારોમાં પથ્થરમારો અને આગની ઘટનાઓ પણ બની છે. પથ્થરમારામાં આજે વધુ એક પોલીસકર્મી ઘાયલ થયો છે, જ્યારે ગત રાત્રે 4 પોલીસકર્મી ઘાયલ થયા હતા. આ કેસમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે અનંતનાગમાં મસ્જિદની બહાર પણ પથ્થરમારો થયો હતો. ઈદની નમાજ બાદ પ્રદર્શનકારીઓએ સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો હતો. મધ્યપ્રદેશના ખરગોનમાં રમખાણનાં 22 દિવસ બાદ કર્ફ્યૂ વચ્ચે જ તહેવારોની ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં લગભગ 1300 પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે.
સોમવારે રાત્રે બે જૂથ સામસામે આવી ગયાં
જોધપુરમાં સોમવારે રાત્રે બે જૂથ સામસામે આવી ગયાં હતાં. આ દરમિયાન મોડી રાત્રે જાલોરી ગેટ ચોકડી પર બંને તરફથી ભારે પથ્થરમારો થયો હતો. પોલીસ અને આરએસીએ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ત્યાર બાદ બંને પક્ષના લોકોને સમજાવ્યા બાદ મામલો થાળે પડ્યો હતો. જોકે મોડી રાત્રે એક જૂથના લોકો પરત ફરતાં મામલો ફરી ગરમાયો હતો. જાલોરી ગેટ અને ઇદગાહ વિસ્તારમાં મોડી રાત સુધી ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
શહેરમાં ઈન્ટરનેટ સેવા બંધ, બંને પક્ષ વચ્ચે પથ્થરમારો
જોધપુર શહેરમાં મોડી રાત્રે પથ્થરમારાની ઘટના બાદ રાત્રે 2 વાગ્યે જિલ્લા કલેક્ટર હિમાંશુ ગુપ્તાએ શહેરમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવાનો આદેશ જારી કર્યો હતો. મંગળવારે અનિશ્ચિત સમય માટે ઈન્ટરનેટ સેવા બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ સંવેદનશીલ વિસ્તારોમાં અને ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો બીજીતરફ બંને પક્ષો વચ્ચે લાંબા સમય સુધી પથ્થરમારો અને હોબાળો ચાલુ રહ્યો હતો. આમાં એક મીડિયા પર્સન સહિત કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. જાલોરી ગેટ ચોકી પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે એક સમયે 12:30 થી 1 વાગે તેમને ધકેલીને સમજાવીને મામલો શાંત પાડ્યો હતો. પોલીસે સમગ્ર ચોકડી પર બેરિકેડ લગાવી દીધા હતા.
પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા
આ દરમિયાન એક જુથના લોકો જાલોરી ગેટ પાસે ભેગા થયા હતા, જ્યારે બીજુ જુથ ઓક્સફર્ડ સ્કૂલ પાસેના તેના વિસ્તારમાં ગયા હતા. થોડીવાર પછી બે નેતાઓ જાલોરી ગેટ પર આવ્યા અને પોલીસ સાથે વાત કરી, પછી ચાલ્યા ગયા હતા. આના થોડા સમય પછી, 1:15 થી 1:30 વાગ્યે ઓક્સફર્ડ સ્કૂલના રસ્તા પરથી એક ટોળું આવ્યું અને ભારે પથ્થરમારો કર્યો હતો. આ જોઈ જાલોરી ગેટની બાજુમાંથી સામા પક્ષે પણ જવાબી પથ્થરમારો કર્યો હતો. સ્થિતિ વણસતી જોઈને પોલીસે ઓક્સફર્ડ સ્કૂલ તરફ ટીયર ગેસના સેલ છોડ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).