- સ્કૂલમાં વિદ્યાર્થીઓ હાજર ન હોવાથી જાનહાની નહીં
- એનઓસી ન આવે ત્યાં સ્કૂલ સીલ રાખવામાં આવશે
Face Of Nation:સુરતઃ દાંડી રોડ ખાતે આવેલી હિન્દી વિદ્યાલયમાં આજે સ્કૂલ શરૂ થાય તે પહેલાં ક્લાસ રૂમમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. અને આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે, સ્કૂલ પાસે એનઓસી ન હોવાના કારણે સીલ મારી દેવામાં આવ્યું હતું.
ફાયર વિબાગે આગ પર કાબુ મેળવ્યો
દાંડી રોડ ખાતે આવેલી પ્રેમભારતી સાંકેત હિન્દી વિદ્યાલય આજે સ્કૂલ શરૂ થાય તે પહેલાં અચાનક એક ક્લાસ રૂમમાં આગ લાગી ગઈ હતી. આગના પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી 4 ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી ગયા હતા. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. સ્કૂલ શરૂ ન થઈ હોવાના કારણે વિદ્યાર્થીઓ આવ્યા ન હતા. જેથી કોઈ જાનહાનિ થઈ નથી. અને આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
સ્કૂલ સીલ મરાઈ
સ્કૂલ ખાતે ફાયર ઓફિસરે તપાસ કરતા પૂરતી ફાયર સેફ્ટી મળી નથી અને સ્કૂલ પાસે પાલિકાનું એનઓસી ન હોવાનું સામે આવ્યું હતું. જેથી ફાયર વિભાગ દ્વારા સ્કૂલને સીલ મારી દેવામાં આવ્યું હતું. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, જ્યાં સુધી એનઓસી નહીં આવે ત્યાં સુધી સ્કૂલને સીલ રાખવામાં આવશે.
લોકોમાં રોષ
સરથાણામાં સર્જાયેલા તક્ષશિલા અગ્નિકાંડમાં 22 માસૂમોએ જીવ ગુમાવ્યો છે. તક્ષશિલા આગ બાગ ફાયર અને પાલિકા તંત્રએ કડક પગલાં લીધા છે. છતાં પણ કેટલાક સ્કૂલ અને ટ્યૂશન સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓની સેફ્ટી માટે યોગ્ય પગલાં લેવામાં ન આવતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.