Home Uncategorized દરિયાકાંઠાના વિસ્તારોમાં ‘વાયુ’ પ્રકોપ,48 કલાક સુધી અતિભારે વરસાદની આગાહી

દરિયાકાંઠાના વિસ્તારોમાં ‘વાયુ’ પ્રકોપ,48 કલાક સુધી અતિભારે વરસાદની આગાહી

દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 48 કલાકમાં પવન સાથે અતિ ભારે વરસાદની આગાહી

Face Of Nation:હવામાન વિભાગે જણાવ્યું છે કે, હવે ગુજરાતના માથેથી વાયુ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. વાયુ વાવાઝોડું દરિયામાં જ દિશા બદલી ફંટાઈ જશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આ વાવાઝોડું પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારોને સ્પર્શીને પસાર થઈ જશે. આ સાથે તેઓએ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 48 કલાક સુધી ભારે પવન સાથે અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

વાયુ વાવાઝોડના કારણે ગુજરાતના 17 જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. તો હવે વાવાઝોડું ફંટાઈ ગયા બાદ પણ આગામી 48 કલાક ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે ભારે હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોરબંદર નજીકથી પસાર થવાને કારણે અહીં ભારે પવન સાથે અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ વાવાઝોડાને કારણે 135 કિમી/કલાકથી 145 કિમી/કલાકની ઝડપથી લઈ 175 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે.

આગામી 2 દિવસમાં વેરાવળ અને ઓખામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન એજન્સીએ કરી છે. દ્વારકા, જૂનાગઢ, નલિયા અને રાજકોટમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.

અમરેલી જિલ્લામાં વાયુ વાવાઝોડાની અસર વર્તાઇ રહી છે. જાફરાબાદ સહિતમાં દરિયાઇ વિસ્તારોમાં મોડી રાતથી પવન અને વરસાદ છે. આ ઉપરાંત અમરેલી, બગસરા, બાબરા સહિતનાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જ્યારે કંડલા પોર્ટમાં વહેલી સવારથી પવનની ગતી વધી રહી છે.