દીકરાની હત્યાનો ભેદ હજી ખુલ્યો નથી ત્યાં જ પિતાનું પણ ભેદી સંજોગોમાં મોત
ડીગ્રીમોરા ગામે આવેલા દીકરીના ઘરની છત પરથી પિતાનો મૃતદેહ મળ્યો, ગ્રામજનો અંતિમવિધિથી અળગા રહ્યા
Face Of Nation:મહુવા: આંગલધરા ગામના ખેડૂત અને વેબ્રીજના માલિકની અજાણ્યા ઈસમોએ ફાયરિંગ કરી હત્યા કરી હતી. આ ચર્ચાસ્પદ હત્યા કેસનો ભેદ ઉકેલવામાં પોલીસને હજી સફળતા મળી નથી. હત્યા કેસના ભોગ બનેલા યુવકના પિતાની સોમવારે વહેલી સવારે ગળે ફાંસો ખાધેલ હાલતમાં લાશ મળતા ચકચાર મચી ગઇ છે. આ કેસમાં નવો વળાંક આવવાની સાથે યુવાનના પિતાના મોત અંગે પણ લોકોમાં અનેક શંકા કુશંકા સેવાય રહી છે.મૃતકની અંતિમયાત્રા દરમ્યાન ફરી પરિવારજનો વચ્ચે ચકમક થતા પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. જ્યારે ગ્રામજનો મૃતકની અંતિમવિધિથી અળગા રહ્યા હતા.
સંજયસિંહની હત્યા બાદ તેના પિતા અને 2 બનેવીની પોલસે પૂછપરછ કરી: પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના આંગલધરા ગામના સંજયસિંહ દિલીપસિંહ દેસાઈને તેમની વજનકાંટાની ઓફિસમાં મધરાતે અજાણ્યા ઈસમોએ ઉપરાછાપરી સાત રાઉન્ડ ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારવાના બનાવ બાદ આ કેસ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો હતો.પ્રાથમિક તપાસમા મિલકત બાબતે કૌટુંબિક ઝઘડાઓ કારણભૂત હોવાનું જણાવી પોલીસ આગળ તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતક યુવાનના પિતા દિલીપસિંહ અને તેમના બંને બનેવી પર શંકા વ્યકત કરી પોલીસે પૂછપરછ પણ કરી હતી. હત્યા કેસને સાતેક દિવસનો સમય વિત્યા બાદ હત્યાનો ભેદ ઉકેલવામાં મહુવા પોલીસને સફળતા મળી નથી.
ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી: સોમવારે મૃતક યુવાન સંજયસિંહના પિતાની લાશ સવારે અનાવલ ડિગ્રીમોરા પુત્રીના ઘરે છત પરથી ફાંસો ખાધેલ હાલતમાં મળી આવતા ફરી અટકળો ઊઠી છે. મૃતક યુવાનના પિતા દિલીપસિંહ દેસાઈના મોત અંગે તેમના પરિવારોએ પોલીસને જણાવ્યુ હતુ કે સંજયસિંહના મૃત્યુ બાદ તેમના પિતા દિલીપસિંહ માનસિક રીતે પડી ભાંગ્યા હોવાથી આવું પગલુ ભર્યુ હોવાનું જણાવી રહ્યા છે. આ ઘટના બનતા જ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પેનલથી પીએમ કરી પોલીસે અમોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને લઈ ફરી અનાવલ પંથકમાં ચકચાર મચી જવા ગઇ છે.
ઘટનાને પગલે ફરી આંગલધરામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો: દિલીપસિંહ દેસાઈની અંતિમવિધિ માટે આંગલધરા ગામે લાવ્યા હતા, તે દરમ્યાન ફરી પરિવારજનો વચ્ચે ચકમક થતા પોલીસ બંદોબસ્ત આંગલધરા ગામે મૃતકના ઘર બહાર ખડકી દેવામાં આવ્યો હતો. જ્યારે મૃતક દિલીપસિંહ દેસાઈ પર પુત્રની હત્યાની શંકા રાખી ગ્રામજનો તેમની અંતિમવિધિથી અળગા રહ્યા હતા.
સાળાએ બનેવીના પિતાના મોત અંગે શંકા વ્યક્ત કરી, ફોરેન્સિક PMની માંગ: હત્યા થયેલ સંજયસિંહના સાળાએ તેમના બનેવીના પિતાના મોત અંગે શંકા વ્યક્ત કરી હતી, અને મૃતક દિલીપસિંહનુ પોલીસ સમક્ષ ફોરેન્સિક પીએમ કરાવવાની માંગ કરી હતી.પરંતુ પોલીસે પેનલ પીએમ કરાવ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે.
સંજયની હત્યા બાદ દીકરીના ઘરે રહેતા હતા: દિલીપસિંહ દેસાઈ પુત્રની હત્યા બાદ પોતાની દિકરીના ઘરે અનાવલ ડિગ્રીમોરા ખાતે રહેતા હતા. તેમણે બે દિવસ પહેલા જ પરિવારજનો આગળ રાજપીપળા હરસિધ્ધિ માતાના દર્શને જવાની માંગ કરી હતી અને પરિવારજનો તેમને દર્શન માટે લઈ ગયા હતા.