Home News હાથ લગાઓ તો ડર જાએંગે, બહાર નિકાલો તો મર જાએંગે : માછલી...

હાથ લગાઓ તો ડર જાએંગે, બહાર નિકાલો તો મર જાએંગે : માછલી નહીં માણસ

Face Of Nation : કોરોનાને લઈને સોશિયલ સાઇટ્સ ઉપર અનેક રમુજી મેસેજીસ ફરતા થયા છે. ‘મછલી જલ કી રાની હૈ, જીવન ઉસકા પાની હૈ.. હાથ લગાઓ તો ડર જાયેગી, બહાર નિકાલો તો મર જાયેગી’ એ રચના આજે માણસ માટે કોરોનાએ સાર્થક કરી દીધી છે. હાલ માણસોની સ્થિતિ એ જળની માછલી જેવી થઇ ગઈ છે કે જેને  હાથ અડાડીએ તો ડરશે અને ઘર બહાર નીકાળીશું તો મરી જશે. હાલ રસ્તાઓ અને આકાશમાં જો કોઈ મુક્ત બનીને હરીફરી શકતું હોય તો તે મુંગા પશુ પક્ષીઓ છે અને માણસ ઘરમાં કેદ થઇ ગયો છે. કોરોના વાયરસે એવો કાળો કેર વર્તાવ્યો છે કે, કાળા માથાના માનવીને ઘરની અંદર પુરાઈ રહેવા મજબુર થવું પડ્યું છે. વિજ્ઞાનમાં અનેક રીતે સફળતા મેળવનારો માનવી આજે વાઇરસ સામે પોતાનો જીવ બચાવવા હવાતિયાં મારી રહ્યો છે. વિશ્વના તાકાતવર દેશો આજે કોરોના સામે નમાલા પુરવાર થઇ રહ્યા છે. સમગ્ર વિશ્વના દેશો ગમે તે ટેક્નોલોજી યુક્ત હોય કે ગમે તેટલા ધનવાન હોય પરંતુ આજે કોઈ ટેક્નોલોજી કે પૈસો કામ આવી રહ્યો નથી અને માણસો ટપોટપ મૃત્યુ પામી રહ્યા છે. એક દેશમાંથી બીજા દેશમાં, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કે એક ઘરમાંથી બીજા ઘરમાં જવા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અનેક લોકો આ વાઇરસની રસી શોધવાના કામે લાગી ગયા હોવા છતાં હજુ સુધી તેમાં સફળતા મળી નથી જેથી આજે પ્રાણીઓની રચના મનુષ્ય માટે સાચી પડી રહી હોય તેમ લાગી રહ્યું છે.