Face Of Nation 22-07-2022 : આજે ગુજરાતમાં ખાનગી હોસ્પિટલનાં 40 હજારથી વધુ ડોક્ટરો હડતાળ પર જવાના છે. ત્યારે 30 હજારથી વધુ સર્જરી અટકી જશે. એટલું જ નહીં ખાનગી હોસ્પિટલોએ OPD અને ઈમર્જન્સી સેવા પણ બંધ રાખવાનો નિર્ણય કર્યો હોવાથી આજે ગુજરાતના દર્દીઓએ ખાનગી હોસ્પિટલના બદલે સરકારી હોસ્પિટલ પર ભરોસો રાખવો પડશે. જે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે તેમની સારવાર પર કોઈ અસર નહીં થાય.ICU ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા બાબતે ઇન્ડીયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા આજે હડતાળનું એલાન આપવામાં આવ્યું છે.
બહારગામથી આવેલા દર્દીઓની સર્જરી ચાલુ
બીજી તરફ કેટલીક હોસ્પિટલો પૂર્વ આયોજિત સર્જરીને ન્યાય આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક એવા દર્દીઓ છે કે જેઓ મેડિકલ વીમો ધરાવતા હોય છે જેમને પોતાની સર્જરી કે ઓપરેશન માટે ઇન્સ્યોરન્સ કંપનીનું એપ્રુવલ લઈ લીધું હોય અને આજે ઓપરેશનની તારીખ નક્કી કરવામાં આવી હોય તેવા કિસ્સાઓને જ ઓપરેટ કરાઈ રહ્યા છે. વિજય ચાર રસ્તા પાસે આવેલ શેલ્બી ઓર્થોપેડિક હોસ્પિટલમાં રૂટીન ઓપીડી માટેની કામગીરી બંધ રહી છે. જે દર્દીઓ અન્ય રાજ્યોમાંથી ઓપરેશન માટે આવ્યા હતા અને ઇન્સ્યોરન્સ કંપનીનું પ્રી એપ્રુવલ લીધું હતું તેમને હેરાન થવાનો વારો ન આવે તે માટે ઓપરેશન કે સર્જરીની કામગીરી ચાલુ છે.
સૌરાષ્ટ્રની આશરે 2000થી વધુ હોસ્પિટલોમાં OPD બંધ
ગુજરાતમાં હોસ્પિટલો માટે ફાયર સેફ્ટી અંગે સરકારના નવા નિયમો સામે વિરોધના ભાગરૂપે આજે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની આશરે 2000થી વધુ હોસ્પિટલોમાં સજ્જડ હડતાળનું એલાન ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આપવામાં આવ્યું છે. અત્યારસુધીના વિરોધમાં ઈમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવતી હતી. પરંતુ આજ રોજ ઇમરજન્સી સારવાર પણ નહીં કરવા અને OPD પણ બંધ રાખવા નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈન લાગી છે, જોકે, સિવિલ હોસ્પિટલમાં રાબેતા મુજબ ઇમરજન્સી તેમજ OPD ચાલુ રાખવામાં આવી છે અને તમામ ડોક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફને ફરજીયાત હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.
હડતાળનો મજબૂત અને કડક રીતે અમલ કરાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા આપવામાં આવેલા નિર્દેશ બાદ ડોકટરોમાં રોષ ફેલાયો છે. સાયન્ટિફિક રીતે ICU ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા શક્ય નથી અને બારીઓના કાચ દૂર કરવાના વિરોધમાં ઇન્ડીયન મેડિકલ એસોસિયેશન, ગુજરાત બ્રાન્ચ દ્વારા આજે 22 જુલાઈએ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. ડોકટરો દ્વારા હડતાળનો ખૂબ જ મજબૂત અને કડક રીતે તેનો અમલ કરવામાં આવશે. ગુજરાતના 40 હજારથી વધુ ડોકટરો ઇમરજન્સી અને OPD સેવા બંધ રાખી હડતાળ કરવાના છે.
ઇમરજન્સી અને OPD સેવાઓ બંધ રહેશે
રાજ્યમાં ડોક્ટરો દ્વારા આજે હડતાલ કરવામાં આવશે. જેમાં ઇમરજન્સી અને OPD સેવાઓ બંધ રાખવામાં આવનાર છે. જેથી ઇમરજન્સીમાં દર્દીઓએ આજે ખાનગી હોસ્પિટલોમાં જવાની જગ્યાએ અથવા અન્ય સરકારી હોસ્પિટલોમાં સારવાર લેવા માટે જવું પડશે. ડોક્ટરોના જણાવ્યા મુજબ જે પણ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે અને તેમની રેગ્યુલર વિઝીટ કરવાની હોય છે તે ચાલુ રહેશે. પરંતુ નવા કેસો અથવા નવા કોઈ દર્દીને દાખલ કરવાની તેમજ અન્ય સારવાર બંધ રાખવામાં આવનાર છે. ડોક્ટરો દ્વારા આજે હડતાલના કારણે હજારો ઓપરેશનો રદ કરવા પડ્યા છે. ઈમરજન્સીમાં કોઈ ઘટના બને ત્યાં જો ઓપરેશન કે સર્જરી કરવાની થશે તો ખાનગી હોસ્પિટલોમાં થઈ શકશે નહીં.
દર્દીઓને સારવાર માટે અન્ય હોસ્પિટલમાં જવું પડશે
અમદાવાદ મેડિકલ એસોસિયેશનનાં પ્રેસિડેન્ટ ડોક્ટર દિલીપ ગઢવીએ કહ્યું કે માત્ર ગુજરાતમાં નહીં પણ વિશ્વમાં પણ ક્યાંય ICU ગ્રાઉન્ડ ફ્લોર પર નથી. આજે રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલમાં ઈમરજન્સી અને OPD સેવાઓ બંધ કરી દેવાશે. હડતાળ દરમિયાન દર્દીઓએ સરકારી અથવા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં ઈમરજન્સી અથવા OPDની સારવાર લઈ શકશે. ICU ગ્રાઉન્ડ પર ના હોય એના અનેક કારણો છે જે સમજવા જોઈએ. જો ICU ગ્રાઉન્ડ ફ્લોર પર હોય તો દર્દીને ઇન્ફેક્શનનું જોખમ વધી શકે છે. દર્દીઓના સગા અને OPDમાં આવતા દર્દીઓની અવરજવર લીધે દર્દીને અપાતી સારવારમાં પણ મુશ્કેલી થશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).