Home News સિદ્ધપુરમાં કરુણાંતિકા સર્જાઈ: મહોલ્લાનું કૂતરું દોઢ માસના બાળકની જીંદગી છીનવી ગયું

સિદ્ધપુરમાં કરુણાંતિકા સર્જાઈ: મહોલ્લાનું કૂતરું દોઢ માસના બાળકની જીંદગી છીનવી ગયું

Face Of Nation:સિદ્ધપુરમાં બનેલી આંચકો આપનારી એક ઘટનાએ સૌ કોઇને હચમચાવી નાખ્યા. દોઢ માસના બાળકને માલીશ કરી ઘરમાં નીચેના રૂમમાં ઘોડિયામાં સુવડાવી તેના માતા-પિતા અને દાદી પહેલા માળે ગયા તે દરમિયાન ઘરનો દરવાજો ખુલ્લો હોઇ મહોલ્લાનું કૂતરું ઘરમાં ઘૂસી આવ્યું હતું અને બાળકને મોંઢામાં ઉંચકી નાસી ગયું હતું. જેને કપાળ અને માથામાં બચકાં ભરી લેતાં મોટા મગજને જીવલેણ ઇજાઓ થઇ હતી, જેના લીધે મિનિટોમાં જ તે ભગવાનને વહાલું થઇ ગયું હતું. કરુણતા એ છે કે, હજુ હમણાં જ ત્રણ વર્ષે ટેસ્ટ ટ્યુબ બેબીથી ઘરનો આ રોશનદાર મળ્યો હતો. તે આ રીતે છીનવાઇ જતાં પરિવાર પર આભ તૂટી પડ્યા જેવી હાલત સર્જાઇ હતી.

સિદ્ધપુરના બ્રાહ્મણીયાપોળ વિસ્તારમાં રહેતા બ્રાહ્મણ યુવાન તેજસભાઇ ઘોરીના દોઢ માસના નવજાત પુત્ર ક્રિસીવને સોમવારે સવારે 11:30 વાગે કામવાળીએ માલીસ કર્યા બાદ માતા અને દાદીએ ઘરમાં અંદરના ભાગમાં સુવડાવ્યો હતો. પણ ઘરનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો. બે મકાન હોવાથી તેજસભાઈ ઉપરના માળે કામ અર્થે પત્ની અને માતાને બોલાવ્યા હતા. તે અરસામાં રખડતું કૂતરું ઘરમાં ઘૂસી આ નવજાત બાળકને મોંઢાથી ઉઠાવીને ભાગ્યું હતું. આ સમયે 500 મીટર દૂર અંબાવાડી પાસે ટ્યુશનથી છુટેલા વિદ્યાર્થીઓએ ચિત્કાર કરતાં બાળકનું આ દ્રશ્ય જોતાં જ તરત જ કૂતરાના મોઢામાંથી બાળકને છોડાવ્યું હતું અને એક યુવાન બાળકને ડો. એમ.યુ. સેનગરની હોસ્પિટલમાં સારવાર માટે લઇને દોડ્યો હતો. પરિવાર પણ હોસ્પિટલ ખાતે આક્રંદ કરતાં પહોંચ્યા હતા. જ્યાં તબીબે માથાના ભાગે વધારે ઈજા હોય ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ પાસે લઈ જવા કહેતાં બાળકને મહેસાણા ખસેડાયું હતું. જ્યાં સોમવારે સાંજે બાળકનું મોત થયું હતું.આ બાળકના માતા-પિતાને લગ્નના ત્રણ વર્ષ થવા છતાં સંતાન ન હોઇ બાધા-આખડીઓ સાથે ટેસ્ટ ટ્યુબ ટેકનોલોજીનો સહારો લીધો હતો અને દોઢેક માસ અગાઉ જ ક્રિસીવનો જન્મ થયો હતો. તેને લઇ સમગ્ર પરિવારમાં આનંદ હતો. ત્યારે જ આ ઘટના બનતાં પરિવાર, મહોલ્લાવાસીઓ સહિત શહેરીજનો હચમચી ઊઠ્યા હતા.બાળકના માથામાં ખોપડી ખુલ્લી થયેલી હતી, મગજ છુટું પડી ગયેલું, એમાં લોહી વહી જતાં શરીર ફીક્કુ પડી ગયું, બ્લડપ્રેશશ શૂન્ય થયું. સિદ્ધપુરમાં ટ્રીટમેન્ટ પછી મહેસાણા ન્યુરોસર્જન થઇને આઇસીયુમાં પરિવારજનો લાવેલા. દોઢ માસના બાળકમાં લોહી ઓછું હોય એમાં લોહી વહી ગયેલું બેભાન હાલતમાં તો બાળક હતું જ .જેને સ્ટેબલ કરવા થોડા કલાકો પ્રયાસો કર્યા. પહેલાં એક-બે વખત હ્રદય બંધ પડી જવાની સ્થિતિમાં પમ્પિંગ કર્યું, પણ ખૂબ ગંભીર સ્થિતિ હોઇ સ્ટેબલ ન થતાં સારવાર દરમિયાન મોત થયું હતું. કોઇ મોટાને કૂતરું કરડે તો આવી હાલત ન થાય. આ તો દોઢ માસનું કૂમળું બાળક હતું.