Home Uncategorized હિજાબ મામલો આખા દેશમાં ન ફેલાવો, સંવિધાનીક અધિકારનું રક્ષણ કરો – SC

હિજાબ મામલો આખા દેશમાં ન ફેલાવો, સંવિધાનીક અધિકારનું રક્ષણ કરો – SC

Face of Nation 12-02-2022 : બહુધા ચર્ચીત અને રાજકીય રંગમાં રંગાય ગયેલો જોવામાં આવી રહ્યો છે તે કર્ણાટકની સ્કૂલ-કોલેજોમાં હિજાબ પહેરવાનાં મામલે હાઈકોર્ટના વચગાળાના પ્રતિબંધના વિરોધમાં દાખલ થયેલી અરજી પર તાત્કાલિક સુનાવણીનો ઈનકાર કરતાં સુપ્રીમ કોર્ટે અરજદારોને આ મુદ્દાને આખા દેશમાં ન ફેલાવવા સલાહ આપી હતી. આ સાથે કોર્ટે કહ્યું કે કર્ણાટકમાં ચાલતા આ વિવાદ પર અમારી નજર છે અને અમે યોગ્ય સમયે તેની સુનાવણી કરીશું. દરમિયાન કર્ણાટકના ઉડુપીથી શરૂ થયેલો હિજાબનો વિવાદ હવે આખા દેશમાં ફેલાયો છે અને ઉત્તર પ્રદેશના અલિગઢથી મહારાષ્ટ્રના માલેગાંવ સુધી મુસ્લિમ મહિલાઓ હિજાબ પહેરવાના અધિકાર માટે દેખાવો કરતાં રસ્તા પર ઉતરી આવી હતી.

કર્ણાટક હાઈકોર્ટે ગુરુવારે રાજ્યની સરકારી સ્કૂલ-કોલેજોમાં હિજાબ પહેરવા પર વચગાળાનો પ્રતિબંધ મૂકતા સોમવારથી સ્કૂલ-કોલેજો ખોલવા આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના આ આદેશના વિરોધમાં કોંગ્રેસ નેતા બીવી શ્રીનિવાસે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને હાઈકોર્ટના વચગાળાના આદેશ પર સ્ટે આપવા માગણી કરી હતી.  જોકે, આ અરજી પર તાત્કાલિક સુનાવણીનો ઈનકાર કરતાં મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણની બેન્ચે અરજદારોને જણાવ્યું કે, આ મુદ્દે અરજદારોએ હાઈકોર્ટના ચૂકાદાની રાહ જોવી જોઈએ. કર્ણાટક હાઈકોર્ટમાં સોમવારે આ મુદ્દે સુનાવણી થવાની છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે યોગ્ય સમયે તે આ મુદ્દે સુનાવણી કરશે. અમે નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરીશું. કર્ણાટકમાં શું થઈ રહ્યું છે તે અમે જોઈ રહ્યા છીએ અને કેસ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.

હાઈકોર્ટે વચગાળાના મૌખિક આદેશની નકલ જાહેર કરી – દરમિયાન કર્ણાટકમાં હિજાબ વિવાદ પર હાઈકોર્ટે અરજદારોને સલાહ આપી છે. કર્ણાટક હાઈકોર્ટની એક પૂર્ણ બેન્ચે તેના સાત પાનાના વચગાળાના આદેશમાં કહ્યું કે જો તેઓ ક્લાસરૂમમાં હિજાબ અને ભગવા શાલ પહેરવા જેવા મુદ્દાઓ પર દેખાવો કરવાના બદલે વર્ગખંડમાં અભ્યાસ કરવા પાછા ફરે તો વિદ્યાર્થી જગતની વધુ સારી સેવા થશે. હિજાબ પહેરવા સામે વચગાળાનો પ્રતિબંધ મૂકવાના મૌખિક આદેશ પછી હાઈકોર્ટે શુક્રવારે તેના આદેશની નકલ જાહેર કરી હતી. આ સાથે હાઈકોર્ટે રાજ્ય સરકારને શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા કહ્યું હતું. હાઈકોર્ટે કહ્યું કે, વિદ્યાર્થીઓના હિતો વર્ગખંડમાં તેમના પાછા ફરવાથી પૂરા થશે, આંદોલન ચાલુ રાખવાથી અને સંસ્થાઓ બંધ કરવાથી નહીં થાય. હિજાબ વિવાદ સંબંધિત અરજીઓ પર સુનાવણી અનામત છે ત્યારે અમે બધા જ વિદ્યાર્થીઓને પછી તે કોઈપણ ધર્મ અને આસ્થાના હોય, તેમને વર્ગખંડમાં ભગવા શાલ, ખેસ, હિજાબ, ધાર્મિક ઝંડો અથવા અન્ય કોઈ પ્રકારનો સામાન લઈ જવા પર પ્રતિબંધ મુકીએ છીએ.

ડ્રેસ કોડ હોય તેવી સ્કુલ-કોલેજોમાં જ વચગાળાના આદેશનો અમલ – હાઈકોર્ટે કહ્યું કે, અમે સ્પષ્ટ કરીએ છીએ કે આ આદેશ એ સંસ્થાઓ સુધી જ મર્યાદિત છે, જ્યાં કોલેજ વિકાસ સમિતિઓએ વિદ્યાર્થીઓ માટે ડ્રેસકોડ નિશ્ચિત કર્યો છે. હાઈકોર્ટે હિજાબ વિવાદ મુદ્દે તેમજ બંધારણીય મહત્વ અને વ્યક્તિગત કાયદાના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ગંભીરતાથી ચર્ચા કરી રહી છે ત્યારે રાજ્યમાં ચાલતા આંદોલનથી અમને દુઃખ થયું છે. હાઈકોર્ટે ઉમેર્યું કે, એ ઉલ્લેખ કરવાની જરૂર નથી કે આપણો દેશ અનેક સંસ્કૃતિઓ, ધર્મો અને ભાષાઓનો દેશ છે. એક ધર્મનિરપેક્ષ રાજ્ય હોવાના કારણે તે કોઈપણ ધર્મ સાથે પોતાની ઓળખ નથી રાખતો. પ્રત્યેક નાગરિકને તેની પસંદના કોઈપણ વિશ્વાસને સાચો માનવાનો અને અભ્યાસ કરવાનો અધિકાર છે.

હિજાબ અમારો અધિકાર, નહીં ઉતારીએ : મુસ્લિમ મહિલાઓ- દરમિયાન કર્ણાટકના ઉડુપીથી શરૂ થયેલો હિજાબ વિવાદ ધીમે ધીમે આખા દેશમાં ફેલાઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં શુક્રવારે મુસ્લિમ મહિલાઓ બુરખો પહેરી રસ્તા પર ઉતરી આવી હતી. તેમણે બેનર-પોસ્ટર લઈને હિજાબ વિવાદમાં વિદ્યાર્થિનીઓનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું હિજાબ અમારો અધિકાર છે અને અમે તે નહીં ઉતારીએ. મહારાષ્ટ્રના માલેગાંવમાં પણ હજારો મહિલાઓએ દેખાવો કર્યા હતા અને હિજાબ પરનો પ્રતિબંધ પાછો ખેંચવા માગણી કરી હતી. બીજીબાજુ દિલ્હીમાં જેએનયુ વિદ્યાર્થી સંગઠનની અધ્યક્ષ આયુષી ઘોષ સહિત કેટલાક વિદ્યાર્થીઓની પોલીસે અટકાયત કરી હતી. તેઓ કર્ણાટક ભવન સામે દેખાવો કરવાની યોજના બનાવી રહ્યા હતા.

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).