Face Of Nation 06-04-2022 : રાજકોટના પ્રભારી અને રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણી છેલ્લા બે દિવસથી રાજકોટના પ્રવાસે છે. આજે રૂ.3.40 કરોડના ખર્ચે બનેલા સંત તુલસીદાસ પ્રાથમિક શાળા નંબર 16ના નવનિર્માણ પામેલા બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં વાલીઓને સંબોધન કરતી વખતે જિતુ વાઘાણીનો હીટવેવમાં પારો છટક્યો હતો અને જણાવ્યું હતું કે, જેને ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગતું હોય તે ગુજરાત છોડીને સારું લાગે ત્યાં જતા રહે. તો અગાઉ 13 ફેબ્રુઆરી 2021ના રોજ ભાવનગરમાં સભામાં સંબોધન વખતે જીતુ વાઘાણીએ સી.આર. પાટીલની જગ્યાએ આર.સી.ફળદુને ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવી દીધા હતા. આ સમયે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો હતો. તેવામાં જીભ લપસવાની મોસમે પણ જોર પકડ્યું હતું. કાર્યક્રમમાં શરૂઆત જિતુ વાઘાણીથી થઈ હતી.
જે રાજ્યમાં સારું લાગતું હોય ત્યાં જતા રહો: વાઘાણી
જિતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, જન્મ્યા ગુજરાતમાં, રહેવું ગુજરાતમાં, ધંધો અહીં કર્યો, છોકરા અહીં ભણ્યા. હવે બીજે સારૂ લાગતું હોય તો મારી વિનંતી છે પત્રકાર મિત્રોની હાજરીમાં. જેને બીજે સારું લાગતું હોય ને તેઓ છોકરાના સર્ટિફિકેટ લઇ જે દેશ અને જે રાજ્યમાં સારું લાગતું હોય ત્યાં જતા રહો. ત્યાં જઇને ઘર-કુટુંબ ફેરવી નાંખો અહીં તો બધું પતી ગયું છે. અહીંયા તો ભાંગીને ભુક્કો થઈ ગયું છે.
કેટલાંક ભાજપના નેતાઓના ચહેરા ઉતરી ગયા
અસહ્ય ગરમીથી જિતુ વાઘાણીના મગજનો પારો ચડ્યો હોય તેમ જિતુ વાઘાણીએ પત્રકારોની હાજરીમાં ચોખ્ખુ સંભળાવી દીધું કે, જેને ગુજરાતનું શિક્ષણ સારું ન લાગે તે જે દેશમાં જે રાજ્યમાં જવું હોય ત્યાં જઈ શકે છે. આપણે તો કહ્યું છે કે ગુજરાત આવો, વ્યવસ્થાઓ જુઓ. શિક્ષણને લગતા સૂચનો કરો પણ એ લોકોને ટિકા જ કરવી છે. અગાઉ નીતિન પટેલે પણ ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા પૂરતી ન હોવાની વાત કરી હતી. આજે જિતુ વાઘાણીના આવા સંબોધનથી સ્ટેજ પર બેઠેલા ભાજપના નેતાઓના ચહેરા ઉતરી ગયા હોય તેવું સ્પષ્ટ દેખાયું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).