Face Of Nation, Ahmadabad : છેલ્લા ઘણા સમયથી ભાજપ કોંગ્રેસના પ્રચારને નિહાળી રહેલી પ્રજાનો હવે વારો આવ્યો છે પોતાની પસંદગી દેખાડવાનો. 23 એપ્રિલે ગુજરાતની સાડા ચાર કરોડથી પણ વધુ મતદારોની એક આંગળી 26 બેઠકો ઉપર ભાજપ કોંગ્રેસનું ભવિષ્ય નક્કી કરશે. આ વખતે ભાજપ કેટલીક સીટો ગુમાવશે અને કોંગ્રેસ ગુજરાતમાં કેટલીક સીટો મેળવશે તેવી અનેક ચર્ચાઓને લઈ લોકો હોંશે હોંશે મતદાન કરવા વહેલી સ્વાર્થી જ લાઈનમાં ઉભા રહ્યા હતા. ભાજપ કોંગ્રેસના કરોડોના વાયદામાંથી પ્રજા કોની ઉપર વિશ્વાસ મૂકીને સંસદમાં પોતાના પ્રશ્નો સાથે જવાની પરમીટ આપે છે તે ચૂંટણીના પરિણામો ઉપરથી સ્પષ્ટ થઇ જશે. પ્રચાર પ્રસાર બંધ થતાની સાથે જ સોશિયલ સાઇટ્સ ઉપર ભાજપ કોંગ્રેસ બંને પક્ષના પ્રચારનો મારો ચાલ્યો હતો. દરેકના મોબાઈલ ફોનમાં ભાજપ કોંગ્રેસના રાજકારણની માહિતીઓ અને કમેન્ટની આપ લે થઈ રહી હતી અને અંતે પ્રજાએ પોતાની આંગળીથી બટન દબાવીને સાંસદોનું ભાવિ ઇવીએમમાં કેદ કરી લીધું છે.
રાજ્યમાં 4.51 કરોડ મતદારો માટે ઉભા કરવામાં આવેલા 51,851 મતદાન કેન્દ્રો પરથી મતદાન શરૂ થઈ ગયું છે. રાજ્યમાં અનેક સ્થળોએ EVM ખોટકાયા હતા. પ્રથમ 3 કલાકમાં રાજ્યની તમામ બેઠકો પર સરેરાશ 18થી 20 ટકા મતદાન નોંધાયું છે.
મતદાન કરીને કુંભમાં સ્નાન કર્યા બાદ થાય એવી અનુભૂતિ થાય છેઃ પીએમ મોદી
પીએમ મોદીએ મતદાન કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, મને આજે કર્તવ્ય નિભાવવાની ગૌરવપૂર્ણ પળ મળી છે. મને આનંદ છે કે મારા વતનમાંથી મને મતદાન કરવાની તક મળી છે. જેમ કુંભનાં મેળામાં સ્નાન કરીને પવિત્રતાની અનુભૂતિ થાય તેવો જ અનુભવ મને અમદાવાદમાં મતદાન કરીને થાય છે. તમામ લોકો મતદાન જરૂરથી કરજો. પહેલીવાર વોટ કરનારની આ સદી છે, તેઓ બધા જ ચોક્કસથી મતદાન કરજો.