Home Uncategorized ચૂંટણી પંચની કાર્યવાહી સામે ઉભા થતા સવાલો અને વાઇરલ રમૂજો લોકશાહી માટે...

ચૂંટણી પંચની કાર્યવાહી સામે ઉભા થતા સવાલો અને વાઇરલ રમૂજો લોકશાહી માટે ચિંતાજનક

Face Of Nation, Special Report : દેશમાં કે રાજ્યમાં ચૂંટણી જાહેર થતાની સાથે જ આચારસંહિતા અમલમાં આવી જતી હોય છે. આ આચારસંહિતામાં અનેક બાબતોનો સમાવેશ થાય છે છતાં ઘણીવાર તેનું પાલન સત્તાધારી પક્ષ માટે અલગ અને વિરોધ પક્ષ માટે અલગ તેવું જણાઈ આવે છે. આજે દેશમાં લોકસભાની ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ ગયા છે, આચારસંહિતાનો અમલ શરૂ થી ગયો છે ત્યારે ચૂંટણી પંચની કામગીરી સામે સવાલોની સાથે સોશિયલ સાઇટ્સ ઉપર અનેક તરેહ તરેહની કમેન્ટ્સો વાયરલ થઈ રહી છે. આ કામગીરી અને વાયરલ પોસ્ટો લોકશાહી માટે ખુબ જ ચિંતાજનક કહી શકાય. ઠેર ઠેર ચાલતી ચર્ચાઓમાં હવે ચુંટણી પંચ દ્વારા થતી કામગીરીની પણ ચર્ચાઓ ઉઠી છે. સત્તા સ્થાને જે પક્ષ હોય તેને ઈશારે ચુંટણી પાંચ કાર્યવાહી કરી રહ્યું હોવાના પણ ક્યારેક આક્ષેપો થતા હોય છે ત્યારે લોકશાહી દેશમાં જયારે ચુંટણી પંચને સ્વતંત્રતા સોંપવામાં આવી છે ત્યારે આવી બાબતો લોકશાહીના ચીંથરે ચીંથરા ઉડાડી દે તેવી બની જાય છે. ઘણીવાર રાજ્ય કે દેશના છેવાડે આવેલા ગામો કે શહેરોમાં એવી ઘટનાઓ બનતી હોય છે કે ચુંટણી પંચનો ભય રાખ્યા વિના ઉમેદવારો બિન્દાસ્ત બની જતા હોય છે, અને મતદારોને શામ, દામ અને દંડની ભાષામાં વાત કરીને પોતાની તરફ આકર્ષે છે.
તાજેતરમાં જ પૂર્વ બ્યૂરોક્રેટ્સે રાષ્ટ્રપતિને પત્ર લખી ચૂંટણી આચારસંહિતાના ઉલ્લંઘને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ પર નિષ્પક્ષ ચૂંટણી લડાવવાની જવાબદારી હોવાની વાત કરી છે. પૂર્વ અધિકારીઓએ ચૂંટણી પંચની કાર્યપદ્ધતિ સામે સવાલ પણ ઉભા કર્યા છે. ૬૬ જેટલાં પૂર્વ સરકારી અધિકારીએ આચારસંહિતાના પાલન પ્રત્યે ચૂંટણી પંચની કાર્યવાહી સામે સવાલ ઉભા કર્યા છે. ચૂંટણી પંચની ફરિયાદ કરતા પૂર્વ બ્યૂરોક્રેટ્સે તેમના પત્રમાં લખ્યું છે કે, ’ઓપરેશન શક્તિ’ દરમિયાન એન્ટી સેટેલાઈટ મિસાઈલના સફળ પરિક્ષણ પછી વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું, નરેન્દ્ર મોદી પર બનેલી બાયોપિક ફિલ્મ, વેબ સિરીઝ અને બીજેપીના ઘણાં નેતાઓના વાંધાજનક ભાષણનો પણ ઉલ્લેખ કર્યો છે. જે વિશે ચૂંટણી પંચને કરવામાં આવેલી ફરિયાદ પછી પણ માત્ર દેખાડાની કાર્યવાહી કરી છે. રાષ્ટ્રપતિ કોવિંદને પત્ર લખનારમાં પૂર્વ વિદેશ સચિવ શંકર મેનન, દિલ્હીના પૂર્વ ઉપરાજ્યપાલ નજીબ જંગ, પંજાબના પૂર્વ ડીજીપી જુલિયા રિબેરો, પ્રસાર ભારતીના પૂર્વ સીઈઓ જવાહર સરકાર અને ટ્રાઈના પૂર્વ ચેરમેન રાજીવ પુલ્લર જેવા પૂર્વ બ્યુરોક્રેટ્સ સામેલ છે. આ પૂર્વ અધિકારીઓ તરફથી લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, સત્તારુઢ પક્ષ અને કેન્દ્ર સરકાર તેમની શાખનો દૂરુપયોગ મનમાની રીતે કરી રહ્યા છે અને આચાર સંહિતાનો ભંગ કરવામાં આવી રહ્યો છે. તેમના આવા ઈચ્છા પડે એવા વર્તનથી સ્પષ્ટ દેખાય છે કે ચૂંટણી પંચ માટે તેમના મનમાં કોઈ માન નથી.
જો ચૂંટણીપંચની આવી જ કામગીરી રહેશે અને તેની પ્રતિષ્ઠા ખરડાતી રહેશે તો એક દિવસ લોકશાહીમાં અને પ્રજામાં ચૂંટણી પંચની મર્યાદા જ નહીં રહે. રાજકારણ કદાપિ ચૂંટણી પંચને આડે ન ઉતરવું જોઈએ. ચૂંટણી પંચના અધિકારીઓના માટે પણ કડક આચાર સંહિતા જ પ્રાધાન્ય હોવી જોઈએ. દિવસે દિવસે મીડિયા પણ સમાચારની આડમાં આચારસંહિતાનો ભંગ કરી રહ્યું છે છતાં તેને કડકાઈથી રોકી શકનાર કોઈ નથી.