Home Uncategorized Exclusive : પત્રકાર મહેશ લાંગા એક મોટું કૌભાંડ બહાર પાડે તે પહેલા...

Exclusive : પત્રકાર મહેશ લાંગા એક મોટું કૌભાંડ બહાર પાડે તે પહેલા પોલીસે રાજકીય ઈશારે તેમની ધરપકડ કરી લીધી

Face Of Nation 31-10-2024 : ગુજરાત પોલીસના મોટાભાગના અધિકારીઓ સરકારના ઈશારે કામ કરે છે. આ વાતની સાબિતી ફેસ ઓફ નેશનના પત્રકાર ધવલ પટેલ સહીત અન્ય પત્રકારો ઉપર કરવામાં આવેલા કેસો થકી જ મળી ગઈ હતી. જ્યારે ધવલ પટેલની રાજદ્રોહના કેસમાં ધરપકડ થઇ ત્યારે તેઓએ તમામ પરિસ્થિતિઓ તેમની નજર સામે પોલીસ વિભાગની દીવાલોની અંદર જોઈ. ખરેખર તેઓ તે સમયે આશ્વર્યચકિત હતા કે ત્યાં થતી તમામ કામગીરીની પળે પળની માહિતી જે તે રાજકીય નેતા સુધી પહોંચતી અને તેમના કહ્યા પ્રમાણે જ કામગીરી કરવામાં આવતી. આ એક સાબિતીની વાત નથી. તેઓએ બે-બે રાજકીય કેસોનો સામનો કર્યો છે અને બંનેની પરિસ્થિતિ એક સરખી હતી. ખેર આજે એ વાત નથી કરવી કેમ કે આજે ગુજરાતના હાલના ચર્ચિત પત્રકાર મહેશ લાંગાના કેસની વાત કરવી છે. સૂત્રો પાસેથી મળેલી કેટલીક ચોંકાવનારી માહિતી પ્રમાણે, ધ હિન્દૂના પત્રકાર મહેશ લાંગા બે મોટા કૌભાંડના ઇન્વેસ્ટિગેશનમાં હતા અને તેને લઈને તેઓએ કેટલાક અધિકારીઓ અને વેપારીઓ સહીત જરૂરી લાગતા વળગતા લોકોનો સંપર્ક કર્યો હતો. આ સંપર્કમાં એક મોટા ગજાના ઉધોગપતિ પણ હતા જે ભાજપ સાથે ઘરોબો ધરાવતા હતા. આ સ્ટોરીની અસર દિલ્હીમાં બેઠેલા રાજકીય લોકો સુધી પહોંચી શકે તેમ હતી અને સાથે જ કેટલાક ઉદ્યોગપતિઓની પણ સંડોવણી હતી. પોલીસે મહેશ લાંગા પાસે રહેલા દસ્તાવેજોની કોઈ જુદી જ સ્ટોરી બનાવીને  ફરિયાદ કરી દીધી જેથી મહેશ લાંગા પત્રકારની આડમાં દસ્તાવેજોની આપ લે કરતા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. એ વાત તદ્દન સાચી પણ છે કે, મહેશ લાંગા ઉચ્ચ અધિકારીઓ સહીત અનેક ઉદ્યોગપતિઓ સાથે પણ ઘરોબો ધરાવતા હતા. આ વાત બહાર આવતા જ મહેશ લાંગા સ્ટોરી રજૂ કરે તે પહેલા તેમની ધરપકડ કરીને જુદા જુદા કેસો કરવાના પ્લાનિંગ શરુ થઇ ગયા હતા. આ વાતની સાબિતી માટે મહેશ લાંગા ઉપર થયેલા કેસો જ મહત્વના છે. શું કોંગ્રેસ કે કોઈ રાજકીય પક્ષ એટલો સક્ષમ ન હોય કે જે માહિતી જોઈએ તે તે મેળવી ન શકે અને પત્રકારનો ઉપયોગ કરીને તે દસ્તાવેજો મેળવે ? તે વાત કાંઈ ખાસ ગળે ઉતરી શકે તેમ નથી.
ગુજરાત મેરી ટાઈમ બોર્ડના એવા દસ્તાવેજો મહેશ લાંગા પાસે હતા કે જેનાથી સરકારની અને અધિકારીઓની મોટી પોલ ઉઘાડી પડે તેમ હતી અને આ સમગ્ર મામલે તેઓ એક વિશેષ સ્ટોરી પણ તૈયાર કરી રહ્યા હતા. કોઈ પણ પત્રકાર જયારે કોઈ સરકાર વિરુદ્ધ કે નેતાઓની કે અધિકારીઓની સંડોવણીને લગતા સમાચારો લખે છે ત્યારે તેના માટે તેની પાસે મજબૂત પુરાવાઓ હોવા અત્યંત જરૂરી છે. બસ, આવા જ પુરાવાઓ ભેગા કરવા માટે મહેશ લાંગા પ્રયાસ કરી રહ્યા હતા અને કેટલાક પુરાવાઓ તેમના હાથ લાગ્યા પણ હતા. પોલીસે દસ્તાવેજ ચોરીનો આરોપ લગાવ્યો છે એટલે તે દસ્તાવેજો કાંઈ જેવા તેવા તો હશે નહિ અને બીજી વાત તે દસ્તાવેજો કાંઈ સરકારી ઓફિસના ટેબલ ઉપર પણ નહિ હોય કે સહેલાઈથી ચોરી શકાય પણ સત્ય વાત કંઈક જુદી છે. જેનું ઇન્વેસ્ટિગેશન કોઈ કરતું નથી અને તેને લીધે પોલીસે પત્રકાર વિરુદ્ધ દસ્તાવેજ ચોરી સહિતની ફરિયાદો દાખલ કરીને પત્રકારોમાં ડર પેદા કરવા વધુ એક તિર માર્યું છે.
સરકારની મરજી વિના કે જાણકારી વિના કોઈ પત્રકાર કે નેતાઓ સામે કે સમાજસેવક સામે એફઆઈઆર નોંધવાની હિંમત ગુજરાત પોલીસના મોટાભાગના કોઈ અધિકારીઓમાં નથી. ભલે, ભાજપ સરકાર પ્રત્યે લોકોને પ્રેમ હોય પરંતુ સત્ય વાત એવી છે કે, ભાજપ જેટલી ડરપોક સરકાર આજદિન સુધી દેશના સત્તા સ્થાને ક્યારેય આવી નથી કે આવશે પણ નહિ. ભાજપ સરકારના નેતૃત્વમાં નમાલા નેતાઓ બેઠા છે જે તેમની ટીકા ટિપ્પણી થતા કે તેમની વિરુદ્ધ કોઈ કૌભાંડ ખુલશે તેવો ભય લાગતા જ પોલીસ વિભાગના અધિકારીઓને આદેશ આપીને જે તે વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી દે છે. હવે ફરિયાદ દાખલ કર્યા બાદ આરોપીને તે વાત સાબિત કરવાની હોય છે કે તેની ઉપર લગાવવામાં આરોપો સાચા છે કે ખોટા પણ ત્યાં સુધી જુદા જુદા અખબારો અને ન્યુઝ ચેનલો સરકારના ઈશારે કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટિગેશન કર્યા વિના એફઆઇઆરને જ સમાચાર બનાવી દે છે. આ તકનો લાભ હાલ ભરપૂર પ્રમાણમાં ઉઠાવવામાં આવી રહ્યો છે. પોલીસ એફઆઈઆર કરીને પ્રેસ કોન્ફરન્સ કરીને જે માહિતી આપવી હોય તે આપી દે અને બસ, બીજા દિવસના સમાચારો અને ન્યુઝ ચેનલોમાં તે જ માહિતી પ્રસારિત થયા કરે. આ પત્રકારત્વ નથી.
એક એવું પત્રકારત્વ પણ હતું કે, જેમાં પત્રકારના ઇન્વેસ્ટિગેશન બાદ પોલીસે દોટ મૂકી હોય કે એફઆઈઆર સામે ઉભા થયેલા સવાલોએ પોલીસને મુશ્કેલીમાં મૂકી દીધી હોય પરંતુ આજ કાલ પત્રકારો હવે પત્રકાર મટીને સરકારના ચાટુકાર વધુ બની ગયા છે જેનો લાભ આબાદ સરકાર અને તેના અધિકારીઓ ઉઠાવી રહ્યા છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. ખેર ! આ વાતો એવી છે કે જેણે પરિસ્થિતિનો સામનો કર્યો હોય તેને જ માલુમ હોય છે બાકી સરકાર કે પોલીસ જેમ કહે તેમ જ સત્ય માનીને સમાચારો રજૂ કરીને પ્રજાની માનસિકતા બદલી નાખવામાં આવી છે. જેના મુખ્ય આરોપીઓ સરકારને ક્યારેય સવાલ ન કરનારા પત્રકારો છે. જે સવાલો થાય છે તે સરકારના હિતમાં અથવા તો પાયાવિહોણા થાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).