Face Of Nation 28-08-2022 : મોદીની ગુજરાત મુલાકાત ટાણે ભાજપના પદાધિકારીઓની મુલાકાત અતિ મહત્વની માનવામાં આવી. આ મુલાકાતમાં મોદીએ ચૂંટણીની તૈયારીમાં જોડાઈ જવા અને કેટલાક નારાજ થયેલા નેતાઓને ઝાટક્યા હતા અને આડકતરી રીતે કેટલાક સંદેશાઓ પણ આપ્યા હતા. આધારભૂત સૂત્રોએ નામ ન લખવાની શરતે આ બેઠક અંગેની કેટલીક માહિતીઓ ફેસ ઓફ નેશનને આપી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, ખાતાઓ અને હોદ્દાઓ જતા રહેતા જે મંત્રીઓ નારાજ હતા અને પક્ષની કામગીરીમાં જરૂરી સહયોગ આપી ન રહ્યા હોવાનું ધ્યાને આવતા મોદીએ આ તમામ મંત્રીઓને ઝાટક્યા હતા સાથે જ ચૂંટણી નજીક હોવાના સંકેત સાથે પ્રચારમાં લાગી જવાનો પણ આદેશ આપ્યો હતો. મોદીએ આ માટે કેટલીક રણનીતિ નક્કી કરી હતી જે રણનીતિ પ્રમાણે ચાલવા નેતાઓને આદેશ આપ્યો હતો. તો બીજી તરફ બિનજરૂરી વિવાદિત નિવેદનોથી દૂર રહેવા પણ મોદીએ નેતાઓને જરૂરી સૂચનો કર્યા છે. મોદીએ આગામી ચૂંટણી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને સી.આર.પાટીલની આગેવાનીમાં જ લડાશે તેવો સ્પષ્ટ મેસેજ પણ આ બેઠકમાં આપ્યો હતો સાથે જ તમામ લોકોને મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખના આદેશોનું પાલન કરવાની પણ સૂચના આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, મોદીની ગુજરાત મુલાકાત નક્કી થઇ ત્યારે જ તેમની કમલમ ખાતેની મિટિંગ પણ નક્કી હતી. જો કે આ મિટિંગની વાત એટલી ગુપ્ત રાખવામાં આવી હતી કે કોઈને પણ તેની ખબર પડે નહીં અને મેસેજ એવો જાય કે મોદીએ અચાનક બેઠક બોલાવી જેમાં કોઈ રણનીતિ ઘડવામાં આવી પરંતુ હકીકત એ છે કે, મોદીની આ મિટિંગ અગાઉથી જ નક્કી હતી અને બેઠકમાં આવેલા નેતાઓ પાસેથી ગુજરાતની પરિસ્થિતિ જાણવાનો પણ પ્રયાસ મોદીએ કર્યો હતો. મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા તે પહેલા એરપોર્ટ ઉપર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહીત હર્ષ સંઘવી સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં મોદીના અત્યંત વિશ્વાસુ અધિકારી કે.કે. પણ હાજર હતા. જો કે સી.આર અને હર્ષ સંઘવી નીકળી ગયા બાદ પણ મુખ્યમંત્રી અને વડાપ્રધાન વચ્ચે લાંબી મિટિંગ ચાલી હતી. આ મિટિંગમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતના રાજકારણ અને નારાજ મંત્રીઓ બાબતે કેટલીક ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે, અત્યારે સી.આર પાટીલ, ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી નરેન્દ્ર મોદીના નજીક ગણાય છે અને મોદી સીધા જ આ ત્રણેય નેતાઓના સંપર્કમાં છે. પહેલાની જેમ હવે અમિત શાહના હાથમાં ગુજરાતની સંપૂર્ણ દોર રહી નથી. કેટલીક બાબતોની ગંભીરતા ધ્યાને લેતા મોદીએ હવે ગુજરાતના રાજકારણમાં સીધી નજર રાખવાનો નિર્ણય કર્યો છે અને તેઓ આ માટે અવારનવાર સી.આર અને ભુપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી જરૂરી સુધારા વધારાઓ સૂચવે છે.
એરપોર્ટ ઉપર મોદીના આગમન સમય બાદ તુરંત જ સીએમ ભુપેન્દ્ર પટેલ સાથે કરવામાં આવેલી બેઠકમાં અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ચર્ચામાં મુખ્યમંત્રીના ખાસ અધિકારી કે. કૈલાસનાથન પણ હાજર હતા. ભુપેન્દ્ર પટેલ અને કે.કેએ આ બેઠકમાં મોદી સમક્ષ ગુજરાતના રાજકારણનો રિપોર્ટ રજૂ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, મોદી ભુપેન્દ્ર પટેલની કામગીરી અને સ્વભાવથી પરિચિત છે અને તેથી જ તેઓ તેમની વાત પણ સાંભળે છે. ભુપેન્દ્ર પટેલ સીએમ છે પરંતુ રાજકીય માણસ કરતા તટસ્થ અને સચ્ચાઈની પડખે રહેનારા વધુ છે જેથી મોદીને તેમના ઉપર એ પણ વિશ્વાસ છે કે, ભુપેન્દ્ર પટેલ તેમની સમક્ષ કોઈ ખોટી વાત કે તેમના રાજકીય સ્વાર્થ અંગેની વાત રજૂ નહીં કરે અને તેથી જ મોદીએ કદાચ સૌ પ્રથમવાર વડાપ્રધાન બન્યા બાદ ગુજરાત એરપોર્ટ ઉપર સીએમ સાથે પર્સનલ મિટિંગ કરી હતી, સાથે જ મોદીએ કારમાં પણ મોટાભાગે પટેલને સાથે રાખ્યા હતા.
ગાંધીનગરમાં કોર ગ્રુપ સાથેની બેઠકમાં મોદીએ ગુજરાતના નેતાઓ સાથે થયેલી બેઠકમાં ગુજરાતના રાજકારણમાં કેટલાક બદલાવ લાવવા અંગેની પણ ચર્ચા થઇ હતી જેને લઈને આગામી સમયમાં ગુજરાત ભાજપના રાજકારણમાં કેટલાક બદલાવ થાય તો નવાઈ નહીં. વિજય રૂપાણીની સીએમ પદેથી હટાવ્યા બાદથી લઈને તાજેતરમાં બે મંત્રીઓ પાસેથી ખાતાઓ આંચકી લેવા સુધીમાં કેટલાય નેતાઓ નારાજ થયા હતા અને તેઓની નારાજગી તેઓ બંધબારણે છતી કરીને પક્ષ વિરુદ્ધ નારાજગી ઠાલવતા હતા. જે બાબત ભાજપ હાઇકમાન્ડને પણ ધ્યાને આવી હતી જેને લઈને મોદીએ આવા તમામ નેતાઓના ક્લાસ લીધા હતા અને પક્ષના હિતમાં કાર્ય કરવા આદેશ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, હાલ ભાજપનો સમગ્ર મદાર નરેન્દ્ર મોદી ઉપર રહેલો છે. નરેન્દ્ર મોદીનું નામ જ ભાજપને તારવા માટે પૂરતું છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં એન્ટ્રી મારી લીધી છે જેને લઈને આપના વડા એવા અરવિંદ કેજરીવાલની મુલાકાત બાદ ભાજપ હાઇકમાન્ડની પણ ચિંતા વધી હતી. જે બાબતની પણ જરૂરી ચર્ચા આ મિટિંગમાં કરવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).