Home Uncategorized Exclusive : USA બોર્ડર ક્રોસ કરતા કેટલાક ગુજરાતીઓ પકડાયા અને 4 લોકો...

Exclusive : USA બોર્ડર ક્રોસ કરતા કેટલાક ગુજરાતીઓ પકડાયા અને 4 લોકો બરફમાં દટાયા હોવાની માહિતી મળી, વધુ બે ગંભીર

Face of Nation Exclusive (Dhaval Patel) 25-01-2022 : કેનેડામાંથી અમેરિકામાં પ્રવેશ કરવા જતા ગુજરાતના એક જ પરિવારના પાંચ લોકોના ભારે હિમવર્ષાને કારણે બરફમાં દટાઈ જવાને કારણે મૃત્યુ થયા છે. આ સમગ્ર ઘટનાની હકીકત આપતા કેનેડિયન પોલીસે જણાવ્યું છે કે, શેન્ડ નામના અમેરિકી વ્યક્તિની ગાડીમાં સૌ પ્રથમ દસ્તાવેજી પુરાવાઓ કે ઓળખ પુરાવા વિના અમેરિકાની બોર્ડર ક્રોસ કરી રહેલા કેટલાક લોકો પકડાયા હતા. આ તમામ લોકો અંગ્રેજી બોલી શકતા નહોતા પરંતુ ગુજરાતી ભાષામાં વાતો કરી રહ્યા હતા. જેમાં એક વિદ્યાર્થીનો પણ સમાવેશ થાય છે. આ વિદ્યાર્થી સ્ટુડન્ટ વિઝા ઉપર કેનેડામાં પ્રવેશ્યો હતો અને અમેરિકામાં પ્રવેશવા માટે તેણે એજન્ટ મારફતે સેટિંગ કર્યું હતું. આ તમામની ધરપકડ બાદ પોલીસે વધુ લોકો આ ગ્રુપમાં છે કે કેમ તે અંગેની તપાસ શરુ કરી હતી અને આ ગ્રુપમાંથી છુટા પડેલા એક જ પરિવારના ચાર લોકો અંગે માહિતી મળી હતી. જો કે આ જ ગ્રુપના એક મહિલા અને એક પુરુષ ઠંડીને કારણે ગંભીર થયા હોવાની માહિતી મળી છે. જેમાંથી એક પુરુષને હોસ્પિટલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે જયારે એક મહિલાને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
ફેસ ઓફ નેશનના પત્રકાર ધવલ પટેલે આ સમગ્ર કેસ અંગે માહિતી મેળવવા કેનેડિયન પોલીસ અધિકારીનો સંપર્ક કર્યો હતો. જેને લઈને મીડિયા રિલેશન વિભાગના પોલીસ અધિકારી જુલીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, હજુ આ સમગ્ર કેસની તપાસ ચાલી રહી છે. બરફમાંથી મૃતદેહોની હાલ ઓળખ થઇ શકી નથી. તેઓની ઓળખ માટે મેડિકલ તપાસ ચાલી રહી છે અને આ અંગે ભારતીય દૂતાવાસના અધિકારી સાથે પણ સતત માહિતીની આપ લે કરવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા પકડાયેલા કેટલાક લોકોમાંથી બે લોકો ઠંડીમાં બહાર હોવાને કારણે ગંભીર રીતે ઘાયલ થયા હતા. એક પુરુષ અને સ્ત્રી બંનેને શંકાસ્પદ હિમ લાગવાથી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે પુરુષને પાછળથી મુક્ત કરવામાં આવ્યો હતો, મહિલાને એરલિફ્ટ કરીને મોટી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને સંભવતઃ એક હાથના આંશિક અંગવિચ્છેદનની જરૂર પડશે તેમ કેનેડાની કોર્ટના દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું છે.
કેનેડિયન પોલીસને મળેલી બાતમીના આધારે લાપતા થયેલા ચાર લોકોની શોધખોળ ચાલી રહી હતી તેવામાં બરફ ખસેડવાનું કામ કરતી ટ્રક ચાલકના ડ્રાઈવરને બરફમાં કોઈ દટાયું હોવાનું લાગતા તેણે તપાસ કરીને આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ કરતા એક જ પરિવારના ચાર લોકોની લાશ મળી આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ તમામ લોકો ભારે હિમવર્ષાને કારણે બર્ફમાં ફસાઈને મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જો કે વધુ તપાસના અંતે આ ચાર લોકો અગાઉ પકડાયેલા ગુજરાતીઓના ગ્રુપમાંથી છુટા પડેલા હોવાનું જાણવા મળતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.
કેનેડા પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે, ઇમર્સન શહેર નજીકના એક વિસ્તારમાં એક પુરુષ, એક મહિલા અને એક બાળકના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે એક કિશોર છોકરાનો મૃતદેહ થોડા મીટર દૂર મળી આવ્યો હતો. આ મૃતદેહોની શોધ થાય તે પહેલાં જ યુએસ બોર્ડર પેટ્રોલ અધિકારીઓએ કેટલાક પેસેન્જરને લઇ જઈ રહેલી વાનને આંતરરાષ્ટ્રીય સરહદથી લગભગ એક કિલોમીટર દક્ષિણમાં ગ્રામીણ વિસ્તારમાં રોકી હતી. હોમલેન્ડ સિક્યુરિટી સ્પેશિયલ એજન્ટ જોન સ્ટેનલીએ ગુરુવારે દાખલ કરેલી એફિડેવિટમાં જણાવ્યું હતું કે, “ચાર વ્યક્તિઓના મૃત્યુની તપાસની સાથે મોટા માનવ દાણચોરીની કાર્યવાહીની તપાસ ચાલુ છે જેમાં અમેરિકાના શેન્ડ નામના ધરપકડ કરાયેલા વ્યક્તિની સંડોવણી હોવાની શંકા છે.”
શેન્ડ નામના અમેરિકી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી ત્યારે તે બિનદસ્તાવેજીકૃત ભારતીય નાગરિકોને પેસેન્જર વાનમાં લઈ જઈ રહ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, તે જ સમયે અન્ય પાંચ બિનદસ્તાવેજીકૃત ભારતીય નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી હતી જેઓ જ્યાં શેન્ડની ધરપકડ કરવામાં આવી હતી તેની ખૂબ નજીક હતા. એવું માનવામાં આવે છે કે તે પકડાયેલા કેટલાક લોકો અને ચાર જેઓ મેનિટોબામાં મૃત્યુ પામ્યા હતા તે બધા એક જ જૂથના ભાગ હતા, પરંતુ મૃતક ચાર લોકો બાકીના લોકોથી અલગ થઈ ગયા હતા.
પકડાયેલા પાંચ લોકોના જૂથના તમામ લોકોએ એક જ પ્રકારના કપડાં પહેર્યા હતા. હૂડ, કાળા મોજા અને ઇન્સ્યુલેટેડ રબરના બૂટ સાથેના નવા કાળા શિયાળાના કોટ પહેરેલા હતા. કાર ચાલક શેન્ડ પાસે કાળા ગ્લોવ્સ સહિતના કપડાનો સેટ પણ હતો જે અન્ય લોકોએ પહેર્યા હતા તેની સાથે મેળ ખાતો હતો. પોલીસ અધિકારીને જાણવા મળ્યા મુજબ 12 ડિસેમ્બર, 22 ડિસેમ્બર, 2021 અને 12 જાન્યુઆરી, 2022ના રોજ માનવ દાણચોરીની ઘટનાઓ બની હતી. બોર્ડર પેટ્રોલિંગ અધિકારીએ 12 જાન્યુઆરીએ સરહદ પાર કરીને ચાલ્યા ગયેલા ત્રણ લોકોના બૂટ પ્રિન્ટ બર્ફમાં જોયા હતા. કોર્ટના દસ્તાવેજ અનુસાર ત્રણેય પ્રિન્ટ એક જ બ્રાન્ડના બૂટ દ્વારા બનેલી હતી.
યુ.એસ.માં કસ્ટડીમાં લેવામાં આવેલા ભારતીય નાગરિકો વિશે હજુ તપાસ ચાલી રહી છે. કોર્ટ દસ્તાવેજ અનુસાર, તેઓ મર્યાદિત અથવા કોઈ અંગ્રેજી બોલતા નથી. પરંતુ પશ્ચિમ ભારતમાં બોલાતી ગુજરાતી ભાષામાં વાતચીત કરે છે અને જાણે છે. શેન્ડની જ્યાંથી ધરપકડ કરવામાં આવી હતી તેની નજીકથી કસ્ટડીમાં લેવામાં આવેલા પાંચ લોકોના જૂથના લોકોએ અધિકારીઓને જણાવ્યું હતું કે, તેઓ કોઈ લેવા આવશે તેવી અપેક્ષા રાખીને સરહદ પાર ગયા હતા. તેઓએ અનુમાન લગાવ્યું કે તેઓ 11 કલાકથી વધુ સમયથી ચાલી રહ્યા હતા. આ વ્યક્તિઓમાં એક વ્યક્તિએ કપટપૂર્ણ વિદ્યાર્થી વિઝા હેઠળ ભારતમાંથી કેનેડામાં પ્રવેશવા માટે “નોંધપાત્ર રકમ” ચૂકવી હતી અને ત્યારબાદ યુ.એસ.માં પ્રવેશવાની યોજના બનાવી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).